આર્થ્રાઇટિસ એટલે કે સંધિવામાં સમયસર નિદાન, યોગ્ય કસરત અને ફિઝિયોથેરપીથી દુખાવો ઘટાડી શકાય છે. નિષ્ણાત જણાવે છે કે નિયમિત એક્સરસાઇઝથી રોગની ગતિ ધીમી કરી સાંધાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે.
ડૉ. વિભૂતિ કાણકિયા
આર્થ્રાઇટિસને સાદી ભાષામાં સંધિવા કહે છે. એનો સીધો અર્થ સ્નાયુમાં આવતો સોજો કરી શકાય. શરીરના અલગ-અલગ સ્નાયુઓ પર અલગ-અલગ કારણોસર સોજો આવે અને એને લીધે દુખાવો થાય, એ સ્નાયુઓનું હલનચલન મુશ્કેલ બનતું જાય એ પરિસ્થિતિ એટલે જ સંધિવા કે આર્થ્રાઇટિસ. આ રોગ વિશે સમજવાની બાબત એ છે કે ઉંમર થાય એમ વ્યક્તિને ખભા, ગરદન, ઘૂંટણ, કોણી જેવા સાંધાઓમાં નાની-મોટી તકલીફો શરૂ થઈ જતી હોય છે. આ તકલીફો જેવી શરૂ થાય એવી જ એને ઓળખીને એનો ઇલાજ શરૂ કરી દઈએ તો ઘણો ફાયદો થાય છે. ઉંમર સાથે આવતો આર્થ્રાઇટિસ ઉંમરની સાથે વધતો પણ જાય છે, પણ આ વધવાની સ્પીડ દરેકની જુદી-જુદી હોય છે. આપણે જે કામ કરવાનું છે એ આ સ્પીડ પર છે.
મારી પાસે દિવસના અઢળક દરદીઓ આવે છે જેઓ એ વાતથી ડિસ્ટર્બ થઈ ગયા હોય છે કે તેમને આર્થ્રાઇટિસ આવી ગયો. એનું નિદાન આવે એટલે લોકો દુખી થઈ જતા હોય છે. તેમને લાગે છે કે તેમની એજિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ. જોકે હકીકત એ છે કે એજિંગનું તમે કંઈ કરી શકો જ નહીં. એ એક એવી રિયલિટી છે જેનો તમારે સામનો કરવો જ રહ્યો, પરંતુ એ ચોક્કસ છે કે એને લીધે તમને જે દુખાવો રહે છે એને કારણે રોજિંદાં કામો અટકે છે એ ન થવું જોઈએ. એ દુખાવા માટે આપણે કંઈક કરી શકીએ. મેડિકલ સાયન્સની મદદથી દુખાવાથી રાહત ચોક્કસ પૂરેપૂરી મળે અને બીજું એ ધ્યાન રાખવાનું છે કે આ રોગ આગળ ઝડપથી ન વધે. એને જેટલો તમે રોકી શક્યા એટલી એ સાંધાની સર્જરી કે ની-ટ્રાન્સપ્લાન્ટ મોડું આવશે કે કદાચ આવે જ નહીં.
ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ અને રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ એ બન્ને પ્રકાર આર્થ્રાઇટિસના મુખ્ય પ્રકારો ગણાય. રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસમાં મુખ્ય ઇલાજ દવાઓ છે. એમાં ૭૦ ટકા દવાઓ અને ૩૦ ટકા એક્સરસાઇઝ અસર કરે છે, જ્યારે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ જે ઉંમર સાથે આવે છે એમાં ૧૦૦ ટકા એક્સરસાઇઝ જ કામ કરે છે. તમારા કોઈ સાંધામાં ભયંકર દુખાવો થતો હોય ત્યારે તમે ફિઝિયોથેરપી લો અને થોડા દિવસમાં દુખાવો મટે પછી તમને દવાઓ કે થેરપીની જરૂર રહેતી નથી. જોકે રોગ તો છે જ એટલે તમારે એને દૂર કરવા ઘરે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ મહત્ત્વની છે. એમાં યોગ ઘણા અસરકારક સાબિત થાય છે. આ સાથે સ્ટ્રેન્ધનિંગ એટલેકે વેઇટ ટ્રેઇનિંગ પણ જરૂરી છે. કોઈ જાણકારના માર્ગદર્શન હેઠળ તમે એ ચાલુ કરો, ફાયદો થશે.
