Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બરફ નાખીને કરેલા ઠંડા પાણીથી ચાલો નાહી લઈએ

બરફ નાખીને કરેલા ઠંડા પાણીથી ચાલો નાહી લઈએ

Published : 24 March, 2025 01:56 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ગરમીમાં બરફના ઠંડા પાણીથી નાહવાથી કેવા લાભ થઈ શકે? શારીરિક, માનસિક અને ઈવન સૌંદર્યને વધારવાની દૃષ્ટિએ પણ કઈ રીતે આનો ઉપયોગ કરી શકાય એ વિશે ચર્ચા કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રમૂજની દૃષ્ટિએ જ નહીં પણ ખરેખર અનિલ કપૂરથી લઈને ફુટબૉલ-પ્લેયર સુનીલ છેત્રી, વિરાટ કોહલી, રકુલ પ્રીત, સમન્થા રુથ પ્રભુ જેવી ઘણી સેલિબ્રિટીઝ સોશ્યલ મીડિયા પર જેને ભરપૂર વખાણી ચૂકી છે એવા આઇસ કોલ્ડ બાથનો ઘરમાં જ પ્રયોગ સંભવ છે? ગરમીમાં બરફના ઠંડા પાણીથી નાહવાથી કેવા લાભ થઈ શકે? શારીરિક, માનસિક અને ઈવન સૌંદર્યને વધારવાની દૃષ્ટિએ પણ કઈ રીતે આનો ઉપયોગ કરી શકાય એ વિશે ચર્ચા કરીએ


મુંબઈમાં ગરમી શરૂ થઈ ગઈ છે અને હજી એનું પ્રમાણ વધી રહ્યું છે. ગ્લોબલ વૉર્મિંગની ઇફેક્ટને કારણે ઉનાળો અસહ્ય બની રહ્યો છે ત્યારે ઠંડક જ્યાંથી મળે ત્યાંથી શોધી લેવાના પ્રયત્ન લોકો કરી રહ્યા છે. એવામાં ખૂબ ચર્ચાયેલું આઇસ કોલ્ડ વૉટર બાથ અથવા કોલ્ડ વૉટર ઇમર્શન ટ્રેન્ડમાં છે. સરળ ભાષામાં કહીએ તો બરફના પાણીમાં થોડી મિનિટ રહીને શરીરના ટેમ્પરેચરને પણ નીચે લઈ જવું. અત્યાર સુધી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો મસલ્સ-રિકવરી માટે થેરપીના ભાગરૂપે કોલ્ડ વૉટર ‌ઇમર્શન કરતા હતા. વર્કઆઉટ પછી સ્નાયુઓમાં થતા દુખાવાને અને ઘસારામાંથી રિકવર થવા માટે અપનાવાતી આ પદ્ધતિ હવે સામાન્ય લોકો પણ પોતાના રોજબરોજના વપરાશમાં લેતા થયા છે ત્યારે ઉનાળાની સીઝનમાં એનો ઉપયોગ ઘરમાં રહીને કરવો ઉચિત છે કે નહીં? બળબળતી ગરમીમાં ઘરના ફ્ર‌િજમાં થતો બરફ જો બાલદીમાં નાખી દો અને એ પાણીથી શાવર લો તો એનાથી કોઈ ફાયદો થશે કે નહીં એ જાણવા માટે નિષ્ણાતો સાથે કરેલી વાતો અહીં પ્રસ્તુત છે જે આવનારા સમયમાં વધનારી ગરમીમાં કદાચ એક બહુ સરળ અને સહજ ઉપયોગી રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે.



લૉજિક શું છે?


ઘરમાં શાવર લેવામાં બરફનું ઠંડું પાણી વાપરવું કે નહીં એ પછીનો પ્રશ્ન છે, પહેલાં મુદ્દો એ છે કે શું કામ બરફના પાણીમાં સ્નાનની બોલબાલા વધી છે? એનો જવાબ આપતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. પરેશ મહેતા કહે છે, ‘શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ પણ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર બૉડીને રીસેટ મોડમાં લઈ જાય છે. શરીર માટે એ સર્વાઇવલ મોડ ઍક્ટિવેટ કરવા જેવી સ્થિતિ હોય છે. શરૂઆતમાં જ્યારે તમે ઠંડા પાણીમાં પ્રવેશો એટલે સ્કિનની નીચેની રક્તવાહિનીઓ અચાનક બદલાયેલા ટેમ્પરેચરને કારણે સંકુચિત થઈ જાય છે અને પછી શરીર પોતાના ૩૭ ડિગ્રી સેલ્સિયસના ઓરિજિનલ ટેમ્પરેચર પર પાછા આવવા માટે પ્રયાસ કરે છે જેના ભાગરૂપે આપણા શરીરના કોર એરિયામાં રક્તનો પ્રવાહ વધારીને શરીરને ગરમાટો આપવાના પ્રયાસ કરે છે. જ્યારે તમે ઠંડા પાણીમાંથી બહાર આવો ત્યારે ફરી એક વાર શરીરની રક્તવાહિનીઓ પોષક તત્ત્વો યુક્ત લોહી શરીરના એકેએક હિસ્સા સુધી પહોંચાડે છે. ઠંડા પાણીમાં શરીરને રાખવાથી બૉડીમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ક્રીએટ થાય છે જે હાર્ટ, બ્રેઇન, લંગ્સ જેવાં વાઇટલ ઑર્ગન તરફ ઑક્સિજનયુક્ત બ્લડ પહોંચાડે છે. એ રીતે આઇસ કોલ્ડ વૉટર બાથ મહત્ત્વનું છે.’

આ ફિઝિયોલૉજિકલ ચેન્જને કારણે શરીરમાં રક્તપરિભ્રમણ સારું થાય છે એમ જણાવીને ડૉ. પરેશ કહે છે, ‘સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળે જેથી મસલ્સ રિપેરિંગ, પેઇન રિલીફ, સોજામાં ઘટાડો જેવાં લક્ષણ દેખાય છે એટલું જ નહીં, એના સાઇકોલૉજિકલ લાભ પણ છે. મૂડ સારો કરે, વ્યક્તિમાં અલર્ટનેસ અને એકાગ્રતા પણ વધે. મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયા સારી થાય જે આગળ જતાં વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આને કારણે આજકાલ આઇસ કોલ્ડ વૉટર બાથ ભારે ચર્ચામાં છે. હેલ્ધી બૉડી હોય તેમની કિડની, હાર્ટ, બ્રેઇન, લંગ્સની કૅપેસિટી વધે છે.’


ફૅમિલી ફિઝિશ્યન ડૉ. પરેશ મહેતા

ઠંડું એટલે કેટલું ઠંડું?

સામાન્ય રીતે આપણા શરીરનું ટેમ્પરેચર ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે. હવે જ્યારે આઇસ કોલ્ડ વૉટરથી બાથ લેવાની વાત હોય ત્યારે કેટલું ઠંડું પાણી વાપરવું એનો જવાબ નેરુળમાં આઇસ વૉટર બાથ આપતું ‘‌એલિક્ઝિર આઇસ’ નામનું સેન્ટર ચલાવતો રામાનુજ ઠાકુર કહે છે, ‘હું પોતે ફુટબૉલ-પ્લેયર છું અને જ્યાં હું પ્રૅક્ટિસ કરતો હતો ત્યાં કોલ્ડ વૉટર ઇમર્શનની સુવિધા હતી, પરંતુ એ પૂરતી નહોતી. એના પરથી જ આવું સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો. મસલ્સ-રિકવરી માટે સ્પોર્ટ્‍સપર્સન માટે આ મસ્ટ ડૂ થેરપી છે. બાથટબમાં ૨૫૦થી ૩૫૦ બૅરલ પાણી લેવાનું હોય જેનું ટેમ્પરેચર આઠથી ૧૦ ડિગ્રીનું હોવું જોઈએ. એક વાર વ્યક્તિ પાણીમાં ઊતરે એટલે બે મિનિટની અંદર પાણીનું ટેમ્પરેચર બદલવા માટે એટલે એને ફરી ઠંડું કરવા માટે અમે મૅન્યુઅલી બરફ નાખીને ટેમ્પરેચરને મેઇન્ટેન કરીએ. એક જ વારમાં લગભગ ૩૦થી ૪૦ કિલો બરફ જોઈએ. જોકે અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. આખું શરીર ફાઇટ ઍન્ડ ફ્લાઇટ મોડમાં જાય અને પછી રિજુવનેટ થાય. મિનિમમ ૭ મિનિટ માટે એ જ પાણીમાં રહો એવું અપેક્ષિત હોય છે. જોકે સેશન લીધા પછી વ્યક્તિ ખૂબ જ ફ્રેશ અને એનર્જેટિક થઈ જાય છે. બ્લડ-સર્ક્યુલેશન સુધરતાં હૅપી હૉર્મોન્સ પણ રિલીઝ થાય.’

ઘરે કરી શકાય?

ઠંડા પાણીથી શાવર તો ઘરે લઈ શકાય, પરંતુ એનાથી કૉન્સ્ટન્ટ આઇસ વૉટર બાથમાં બેસી રહેવાને લીધે બૉડીમાં જે બદલાવ આવતા હોય છે એ ન આવે એમ જણાવીને ડૉ. પરેશ કહે છે, ‘એક, તમે આઠથી ૧૦ ડિગ્રી ટેમ્પરેચરમાં બેસી રહો એ પણ બેથી ૭ મિનિટ અને બીજું, તમે ઘરમાં તૈયાર કરેલા બરફના ઠંડા પાણીથી ટમ્બલર વડે પાણી શરીર પર નાખો તો એની ઇફેક્ટ સ્વાભાવિક જુદી જ હોવાની. પહેલામાં તીવ્રતા વધુ હોય, પણ અફકોર્સ આ સીઝનમાં જો તમે આઇસ કોલ્ડ વૉટર બાથ લો તો બૉડીને ટેમ્પરરી રિલીફ તો થાય જ. શરીરની નસોમાં કૉન્ટ્રૅક્શન અને એક્સપાન્શન થશે, પણ એ લૉન્ગ ટર્મ નહીં રહે. એ દૃષ્ટિએ ઠંડા અને ગરમ પાણીનો ઑલ્ટરનેટ પ્રયોગ કરો તો કદાચ વધુ લાભ થાય. પહેલાં આઇસ કોલ્ડ વૉટરથી બાથ લો અને પછી ગરમ પાણી નાખો અને પછી પાછું ઠંડું પાણી નાખો. એ રીતે શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન વધારવાથી લઈને બીજા લાભ થઈ શકે.’

સ્પોર્ટ્‍સપર્સન રામાનુજ ઠાકુર

સાવધાની જરૂરી

આઇસ કોલ્ડ વૉટર બાથ બધા માટે નથી. હાઈ બ્લડપ્રેશરના કે હૃદયરોગના દરદીઓ અને અન્ય કોઈ પણ મેડિકલ કન્ડશનની વ્યક્તિએ આઇસ કોલ્ડ બાથ ડૉક્ટરની સલાહ મુજબ લેવું જોઈએ. ડૉ. પરેશ મહેતા કહે છે, ‘જો સમજ્યા વિના અતિશય ઠંડા પાણીમાં સ્નાન કરવાનું લાંબા સમય માટે ચાલુ રાખશો તો શરીર હાઇપોથર્મિયા મોડમાં જઈ શકે છે જેમાં તમારા શરીરનું ટેમ્પરેચર ઘટતું જ જાય અને એનાં ગંભીર પરિણામ આવી શકે. બીજું, કોલ્ડ શૉક રિસ્પૉન્સને કારણે અચાનક હાર્ટ-રેટ, બ્લડપ્રેશર અને શ્વાસની પ્રક્રિયા વધી જાય અને શરીરને નુકસાન પણ થઈ શકે. લાંબા સમય સુધી ઠંડા પાણીનું એક્સપોઝર રક્તવાહિનીઓને ડૅમેજ કરી શકે અને સ્કિન પર આઇસ બર્નને કારણે રૅશિસ પણ થઈ શકે.’

ચહેરાને ચમકાવો
ડૉ. પરેશ મહેતા ચહેરાની સ્કિનને તાજગીસભર બનાવવા એના સ્નાયુઓની ટાઇટનેસ વધારવા માટે બરફના પાણીમાં ફેસ આઇસ ડીપ બાથનું સજેશન આપતાં કહે છે, ‘માત્ર ચહેરાને પણ તમે થોડી સેકન્ડ માટે બરફયુક્ત ઠંડા પાણીમાં રાખો તો ચહેરાની ચમક વધશે, કારણ કે સ્કિનની નીચે રહેલી નસો એકદમ સંકોચાય અને જેવો ચહેરો પાણીમાંથી બહાર કાઢો એટલે નસો પાછી એક્સપાન્ડ થઈને બ્લડ-ફ્લો એ એરિયામાં વધારે. ટેમ્પરરી ટાઇમ માટે પણ આમ કરવાથી ચહેરાનો રંગ ખીલશે. ચહેરાની સ્કિન ગ્લો કરવાની સાથે એની ટાઇટનેસ વધશે.’

સીઝનથી વિપરીત

ઠંડીમાં ઠંડું પાણી અને ગરમીમાં ગરમ પાણી પીઓ તો બૉડીને વધુ લાભ થાય એમ જણાવતાં ડૉ. પરેશ મહેતા કહે છે, ‘તમે રાજસ્થાનમાં જોયું હશે કે ઉનાળામાં ભરબપોરે એ લોકો ચા પીતા હોય છે. આ બૉડીને એક્સ્ટ્રીમિટી આપીને બહેતર કરવાની એક મેથડોલૉજી છે એમ કહી શકાય. ઠંડીમાં ઠંડા પાણીથી અને ગરમીમાં ગરમ પાણીથી નહાઓ તો પણ લાભ થાય. અફકોર્સ, વચ્ચે-વચ્ચે આઇસ કોલ્ડ વૉટરથી બાથ લેવાનો ગેરલાભ તો નહીં જ થાય પણ બૉડીને અલર્ટ રાખવામાં એને ‌આર્ટિફિશ્યલ અતિરેકમાં લઈ જાઓ તો વધુ સારું રિઝલ્ટ મળે.’

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2025 01:56 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK