Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વજન ઉતારવા માટે દવાનો સહારો લઈ શકાય કે નહીં?

વજન ઉતારવા માટે દવાનો સહારો લઈ શકાય કે નહીં?

Published : 04 July, 2025 01:11 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

છેલ્લા ૪ મહિનાની અંદર મૉન્જારો અને વિગોવી નામની બે દવાઓ ભારતમાં લૉન્ચ થઈ છે જેને ઍન્ટિ-ઓબેસિટી મેડિસિનના નામે ઓળખવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા ૪ મહિનાની અંદર મૉન્જારો અને વિગોવી નામની બે દવાઓ ભારતમાં લૉન્ચ થઈ છે જેને ઍન્ટિ-ઓબેસિટી મેડિસિનના નામે ઓળખવામાં આવી રહી છે. ઓબેસિટી જે બીજા અનેક રોગોનું મૂળ છે એની સામે લડવા આ દવાઓનો યોગ્ય ઉપયોગ ઘણો કારગત નીવડી શકે છે. હેલ્ધી વેઇટલૉસની પરિભાષામાં ફક્ત લાઇફસ્ટાઇલ ચેન્જને જ મહત્ત્વ આપવામાં આવતું હતું, પરંતુ ઓબેસિટીના વધતા વ્યાપ સામે લાખો લોકોને બચાવવા માટે કોઈ વધુ કારગત શસ્ત્રની જરૂર હતી. આ દવાઓ એ શસ્ત્ર સાબિત થશે એવી ડૉક્ટર્સને આશા છે. શું છે આ દવાઓ અને કઈ રીતે કામ કરે છે એ આજે સમજવાની કોશિશ કરીએ


છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં ઊહાપોહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓબેસિટી જેવી મોટી તકલીફને દૂર કરવામાં મદદ કરતી દવાઓ જે વર્ષોથી અબ્રૉડમાં મળે છે એ હવે ભારતમાં પણ મળશે. માર્ચ મહિનામાં મૉન્જારો નામની દવા ભારત આવેલી અને આ અઠવાડિયે વિગોવી નામની દવા ભારતમાં લૉન્ચ થઈ છે. ઘણા લોકો આનંદમાં છે કારણ કે અઢળક પ્રયત્ન છતાં નહીં ઊતરતા તેમના વજનથી છુટકારો પામવા માટે તેમને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ઘણા લોકો એની સાઇડ-ઇફેક્ટ્સને લઈને ડરેલા છે. ઘણા એવા પણ છે જે કહે છે કે ડાયટ અને એક્સરસાઇઝથી જ વજન ઓછું કરવું જોઈએ તો ઘણાને એવો ભ્રમ છે કે હવે એ કરવાની જરૂર જ નથી, કારણ કે એ કામ આ દવા કરશે. વજન ઉતારવા માટે દવાઓ લેવાય? કઈ રીતે એ મદદ કરે? કોને એ મદદ કરે? એનાથી શરીરને વધુ નુકસાન તો નહીં થાય? આવા અઢળક પ્રશ્નોના જવાબ આજે નિષ્ણાત પાસેથી મેળવીએ.



દવામાં છે શું?


આ દવાઓ વિશે અતિ મહત્ત્વની વાત એ છે કે અબ્રૉડમાં લોકો વર્ષોથી આ દવાઓ લે છે. ક્લિનિકલી પ્રૂવન દવાઓ છે. એના પર ઘણાં રિસર્ચ થઈ ચૂક્યાં છે. એ નવી દવા નથી. ભારતમાં પહેલાં એ મળતી નહોતી. હવે એ મળવાનું શરૂ થયું છે. આ જે નવી આવેલી બે દવાઓ છે એમાં છે શું એ વિશે સ્પષ્ટતા કરતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલનાં એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘મૉન્જારો બ્રૅન્ડ-નેમ છે. એમાં ટર્ઝેપેટાઇડ રહેલું છે જેમાં મુખ્ય તત્ત્વ GLP અને GLP-1 રહેલાં છે. એ જ રીતે વિગોવી પણ બ્રૅન્ડ-નેમ છે જેની અંદર સેમાગ્લોટાઇડ રહેલું છે જેમાં મુખ્ય તત્ત્વ GLP-1 રહેલું છે. GLPનું આખું નામ છે ગ્લુકાગોન લાઇક પેપ્ટાઇડ. ખાસ કરીને GLP-1ની વાત કરીએ તો આ એક હૉર્મોન છે જે દરેકના શરીરમાં હોય છે. માર્કેટમાં ઓબેસિટી માટે જે દવાઓ મળે છે એમાં આ હૉર્મોન રહેલું હોય છે. આ હૉર્મોન જ્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં આવી જાય ત્યારે એ મગજમાં તમે જે ખાધું એ માટે સંતોષ ઊભો કરે છે. એટલે તમે થોડું ખાઓ એ પછી તમને તરત લાગે કે બસ, હવે મારે નથી ખાવું. એ પણ મન મારીને નહીં, તમે સંતોષપૂર્વક જ કહેશો કે ખાવાની જરૂર જ નથી. એમ છતાં જો તમે ખાઓ તો તમને ઊલટી થઈ જશે અને તમારી હાલત ખરાબ થઈ જશે એટલે ઓવરઈટિંગ થશે જ નહીં. જો તમે વધુ નહીં ખાઓ તો આપોઆપ વજન ઘટાડવાનું સહેલું થઈ જશે. આ પહેલાં ઓબેસિટી માટે જે બૅરિયાટ્રિક સર્જરી કરવામાં આવતી એ સર્જરી પણ આ જ સિદ્ધાંત પર કામ કરતી. શરીરમાં જતું અન્ન ઓછું એટલો વેઇટલૉસ થશે.’


કરણ જોહર અને રામ કપૂર ઓઝેમ્પિક નામની દવા લઈને પાતળા થયા હોવાની ચર્ચા છે.

કઈ રીતે વજન ઊતરે?

એ તો સમજાયું કે આ દવા તમને વધુ ખાતાં અટકાવે છે. પણ ઓબેસિટી જેવો કૉમ્પ્લેક્સ રોગ ફક્ત ઓછું ખાવાને લીધે ઠીક થઈ શકે? એ એટલું સરળ નથી. ઘણા લોકો છે જે ઓછું જ ખાતા હોય છે પણ તેઓ જાડા હોય છે. જો ઓછું જ ખાવાથી પ્રશ્ન ઉકેલાતો હોય તો વ્યક્તિ પોતાના પર કન્ટ્રોલ રાખીને પણ વજન ઓછું કરી જ શકેને? તો દવાની જરૂર શું? આ પ્રશ્નોના જવાબ આપતાં અંધેરીનાં એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. તન્વી પટેલ કહે છે, ‘એવા ઘણા લોકો છે જે પોતાની જીભ પર કાબૂ રાખી શકતા નથી. વળી જે લોકો ઓબીસ છે તેમના શરીરમાં ખાવાના સંતોષ માટેનો જે હૉર્મોન છે એની કમી જોવા મળે છે એટલે તેઓ ખાય તો તેમને સમજાતું જ નથી કે તેમણે ક્યાં અટકવાનું છે. વેઇટલૉસમાં ખોરાકને એકદમ પ્રમાણસર લેવો જરૂરી છે, જે બેઝિક જરૂરિયાત જ લોકો પૂરી કરી શકતા નથી. મન મારીને ખુદને તમે ૧-૨ દિવસ કે એકાદ અઠવાડિયું રોકી શકો. બહુ-બહુ તો એક મહિનો, પણ ક્યારેક તો તમારો મન પરનો કન્ટ્રોલ છૂટશે. જે લોકો દિવસે કન્ટ્રોલ રાખે છે એ લોકો રાત્રે અકરાંતિયાની જેમ ખાય છે કારણ કે ક્રેવિંગ્સ જ એટલું હોય કે વ્યક્તિ શું કરે? આ બધા પ્રૉબ્લેમ્સ ઘણા જ પ્રૅક્ટિકલ છે. વજન ઉતારવું સહેલું નથી એ દરેક વ્યક્તિ જાણે છે. આ એક પ્રોસેસ છે. આ દવાઓ એ પ્રોસેસને સહેલી બનાવવાનું કામ કરે છે.’

ફક્ત દવાથી કામ થઈ જાય?

આ દવાઓ ટાઇપ-2 ડાયાબિટીઝમાં અપાતી દવાઓ છે જેનો ડોઝેજ વધારે હોય તો એ ઓબેસિટી પર કારગત નીવડે છે. આ બાબતે ડૉ. તન્વી પટેલ કહે છે, ‘દવા એક જ છે પણ ડોઝેજ અલગ-અલગ થાય ત્યારે એના ફાયદા થોડા બદલાઈ જાય છે. એવું નથી કે જેને ડાયાબિટીઝ ન હોય તેણે આ દવા ન લઈ શકાય. જેમને ડાયાબિટીઝ છે તેઓ આ દવા લે તો તેમને શુગરમાં પણ ફાયદો થાય છે, પરંતુ શરૂઆતમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ જ ડોઝ લેવા જરૂરી છે, કારણ કે શુગર એકદમ ઘટી જાય એવું બની શકે એ માટે તમારા ઇન્સ્યુલિનના કે દવાના ડોઝમાં પણ ફેરફાર કરવામાં આવી શકે.’

તમને કશે દુખતું હોય અને તમે દવા લો તો ઠીક થઈ જાઓ એમ ઓબેસિટીની દવા લઈએ તો વજન ઊતરી જાય અને એ માટે ડાયટ, એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની જરૂર નથી એમ જો તમે માનતા હો તો ભૂલ કરો છો એમ સમજાવતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘ઓબેસિટીને જડથી દૂર કરવા માટે લાઇફસ્ટાઇલ ચેન્જ અનિવાર્ય છે. તમે આ દવા લો એટલે ખાવાનું પ્રમાણ ઘટશે, પણ ખોરાક તો હેલ્ધી જ લેવાનો છે. સ્ટ્રેસ ઘટાડવાનું છે, ઊંઘ પૂરતી લેવાની છે. એક્સરસાઇઝ તમે જેટલી કરી શકો એમ છો એટલી તો કરવાની જ છે. આ બધું કરતાં-કરતાં જ્યારે તમે દવા પણ લો તો રિઝલ્ટ સારું મળે અને લાંબું ટકે, કારણ કે જ્યારે ફક્ત દવાઓથી જ રિઝલ્ટ તમે લાવો છો ત્યારે જેવી દવા બંધ કરો કે ઘટેલું વજન ફરી વધી જાય છે.’

જરૂરિયાત કેટલી?

વજન ઉતારવા માટે દવાઓ લેવી કેટલે અંશે યોગ્ય ગણાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘ઓબેસિટીને ડાયટ અને એક્સરસાઇઝ વડે જ દૂર કરવામાં આવે છે કારણ કે ગમે તેટલા જીન્સને જવાબદાર ગણો, અંતે તો ખોટી લાઇફસ્ટાઇલને કારણે જ વ્યક્તિ ઓબીસ બને છે. બધાને ખબર છે કે લાઇફસ્ટાઇલ સુધારીશું તો રિઝલ્ટ મળશે પરંતુ કેટલા લોકો એને ફૉલો કરીને પાતળા બની શકે છે? જે લોકો પોતાના આદર્શ વજનથી ૨૫-૩૦ કિલો જેટલું વધુ વજન ધરાવે છે એ લોકો માટે પાતળા બનવું જરાય સહેલું નથી. માણસને ૧૦ કિલો સુધી વજન ઓછું કરવું હોય તો પણ આજની તારીખે અઘરું પડે છે. ખૂબ ડેડિકેશન સાથે લાગ્યા પછી પણ રિઝલ્ટ સરળ નથી. એટલે જો થોડી દવાઓની હેલ્પ પણ મળી રહે તો એમાં જરાય ખોટું નથી. આપણે ત્યાં ૩૦-૩૫ વર્ષના લોકો ૩૦૦ શુગર સાથે અમારી પાસે આવે છે. નાની વયે લોકોને હાર્ટ-અટૅક આવે છે અને મૃત્યુ પામે છે. ડાયાબિટીઝમાં તો આપણે દુનિયામાં અગ્રેસર છીએ. કેટલાય લોકોની ક્વૉલિટી લાઇફ કૉમ્પ્રોમાઇઝ થાય છે કારણ કે ઓબીસ હોવાને કારણે તેઓ ઍક્ટિવ લાઇફ જીવી શકતા નથી. આમ ઓબેસિટી દૂર કરવી અત્યંત જરૂરી છે. એના માટે કોઈ દવા પ્રમાણિત હોય અને મદદ કરતી હોય તો એમાં ખોટું કશું નથી.’

ફાયદો કોને?

આંકડાઓ અને રિસર્ચ કહે છે કે લગભગ ૧૦ ટકા જેટલું બૉડીવેઇટ ઘટાડવામાં આ દવા કારગત નીવડે છે. છતાં એક વસ્તુ એ સમજવાની કે દવા વજન ઉતારવામાં મદદરૂપ થશે એ નક્કી, પણ કેટલી મદદરૂપ થશે એ વ્યક્તિ પર આધારિત છે. અમુક એવા લોકો છે જેમની ઓબેસિટી અત્યંત જટિલ છે. તેમને વજન ઊતરતાં વાર લાગે. વળી ઘણા એવા છે જેની એપેટાઇટ પહેલેથી જ ઓછી છે. કેટલાય મેદસ્વી લોકો સાવ ઓછું ખાતા જોવા મળે છે. જો તે પહેલેથી જ ઓછું ખાતા હોય તો આ દવાથી તેમને ઓછો લાભ થશે. એ વિશે વાત કરતાં ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘આવા લોકો ખૂબ ઓછા છે. જે મૅજોરિટી લોકો છે એ મેદસ્વી એટલે છે કારણ કે તે વધુ ખાય છે અને રૉન્ગ ફૂડ-હૅબિટ્સ ધરાવે છે. આ દવા કોને કામ લાગશે એ સમજવું હોય તો કોઈ પણ પ્રકારના મેટાબોલિક સિન્ડ્રૉમ ધરાવતા લોકોને એ મદદરૂપ થશે; જેમાં ડાયાબિટીઝ સાથે કૉલેસ્ટરોલ, હાઇપરટેન્શન, સ્લીપ ઍપ્નીઆ અને હાર્ટ-ડિસીઝ પણ આવી જાય. આ રોગો બૉર્ડરલાઇન પર પણ હોય તો પણ આ દવા ઘણી કારગત છે તેમના માટે. આ સિવાય કિડની કે લિવરના રોગો ધરાવતા લોકોને પણ વજન ઊતરતાંની સાથે  રિસ્ક ઘટી જાય છે. આ દવાનાં રિઝલ્ટ ખૂબ સારાં છે એટલે એનાથી ઘણા ફાયદા થશે.’

ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવાય

આ દવાઓને શરૂઆતમાં લેશો ત્યારે થોડી તકલીફ પડી શકે એ સમજાવતાં ડૉ. સ્નેહા કોઠારી કહે છે, ‘શરૂઆતમાં પેટ ખરાબ થાય, ઊલટીઓ થાય, પાચન બગડે એવું થઈ શકે. એટલે જ આ દવાને ડૉક્ટરની દેખરેખમાં જ લેવી. આમ પણ આ દવા તમને સીધા કેમિસ્ટ પાસેથી નહીં મળે. ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ મળે. આ દવાને તમે તમારી મરજી મુજબ ચાલુ ન કરી શકો. ઍન્ટિ-ઓબેસિટી મેડિસિનમાં પણ તમને કઈ દવા માફક આવશે, કઈ દવાની તમને જરૂર છે, એનો કેટલો ડોઝ અપાય, આ બધું તમારા ડૉક્ટરને નક્કી કરવા દો. તમે જાતે ઇન્ટરનેટ પર વાંચીને નક્કી ન કરો કે કઈ દવા વધુ અસરકારક છે કે કયો ડોઝ તમારે લેવો. આ દરદીનું કામ નથી. આ દવા આપતાં પહેલાં ઘણાં પૅરામીટર્સ ચેક કરવાં જરૂરી છે એટલે ડૉક્ટરની સલાહ મુજબ જ આગળ વધો.’

સાઇડ-ઇફેક્ટ્સ

આ દવા અસરકારક છે પણ એની સાઇડ-ઇફેક્ટ્સનું શું? આ બાબતે સમજાતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘ઓબેસિટી એક ખૂબ મોટો પ્રૉબ્લેમ છે. આજની તારીખે તમે માથું દુખવાની સાદી દવા પણ લેશો તો એ પણ સાઇડ-ઇફેક્ટ્સ વગરની નથી હોતી. કોઈ પણ દવા સાઇડ-ઇફેક્ટ્સ વગરની નથી હોતી. પરંતુ સામે પક્ષે એ જોવાનું હોય છે કે તમારી જરૂરિયાત શું છે? એ દવાના ફાયદા શું છે? ઓબેસિટી દૂર થશે તો વ્યક્તિ પર અઢળક બીમારીઓનું રિસ્ક ઘટી જશે. તેની આવરદા વધશે. આ ફાયદા સામે એની સાઇડ-ઇફેક્ટ્સ કંઈ જ નથી. એટલે સાઇડ-ઇફેક્ટ્સથી ડરવા જેવું નથી. ઊલટું આપણે ત્યાં એવા કેટલાય લોકો છે જે ડાયટ નથી કરી શકતા, જેમનું વજન અને ઉંમર વધુ છે એટલે એક્સરસાઇઝ નથી કરી શકતા. એને કારણે તેમનું વજન ઓછું થતું જ નથી. તેમને ની-રિપ્લેસમેન્ટ કરાવવાથી બચાવી શકાય, તેમના હાર્ટ-ડિસીઝના રિસ્કને ઓછું કરી શકાય, તેમના ગ્રેડ 3 ફૅટી લિવરને દૂર કરી શકાય, આ બધા ફાયદા વિશે વિચારવું જોઈએ જેમાં આ દવા અસરકારક છે.’

ભાવ શું છે?

વિગોવીના પાંચ ડોઝ ૧૭,૩૪૫થી લઈને ૨૬,૦૧૫ સુધીમાં પડે છે જે અઠવાડિયામાં ૧ વાર જ લેવાની હોય છે. મૉન્જારો એનાથી સસ્તી છે. આ દવા ઇન્સ્યુલિનની જેમ લેવાની હોય છે. દવાની પેન હોય છે જેને ઇન્જેક્શનની જેમ પેટમાં લેવાની હોય છે. આ રીતે એ વધુ અસરકારક બને છે. જોકે માર્કેટમાં ઘણી ઓરલ મેડિસિન પણ મળે છે, પરંતુ એના કરતાં ઇન્જેક્ટેબલ દવા વધુ અસરકારક છે.

૩૦થી વધુનો BMI ધરાવતા લોકો દવા લઈ શકે

 આ દવાઓ ૩૦થી વધુનો બૉડી માસ ઇન્ડેક્સ (BMI) ધરાવતા લોકો જ લઈ શકે છે. BMI એક પરિમાણ છે જેના દ્વારા તમે ઓબીસ છો કે નહીં એ સમજી શકાય છે. ૩૦થી વધુ બૉડી માસ ઇન્ડેક્સ ધરાવતા લોકોને ઓબીસ એટલે કે મેદસ્વી કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જ તમે દવા લઈ શકો. આદર્શ રીતે વ્યક્તિનો BMI ૧૮.૫થી ૨૪.૯ જેટલો હોવો જોઈએ. ૨૫થી ૨૯.૯ જેટલો BMI હોય તો તમે ઓવરવેઇટ છો, ઓબીસ નહીં. એટલે તમને આ દવાની જરૂર નથી. તમારે ડાયટ અને કસરત તથા લાઇફસ્ટાઇલ સુધારીને જ વજન ઉતારવું પડશે.

 BMIની ગણતરી કઈ રીતે કરવી?

 BMI = કિલોગ્રામમાં વજન / હાઇટ (મીટર)2.

 એટલે કે જો વ્યક્તિનું વજન ૭૦ કિલોનું હોય અને ઊંચાઈ ૧.૭૫ મીટરની હોય તો BMI શોધવા માટે પહેલાં ૧.૭૫ x ૧.૭૫ કરવાનું જેનો જવાબ ૩.૦૬૨૫ આવે.

 BMI = ૭૦ / ૩.૦૬ = ૨૨.૮૬

ઓઝેમ્પિક અને વિગોવી બન્ને સરખી?

છેલ્લા કેટલાક સમયથી ઓઝેમ્પિક નામની એક દવા ઘણી ચર્ચામાં છે, પણ એ ભારતમાં મળતી નથી. ઓઝેમ્પિક પણ એક બ્રૅન્ડ-નેમ છે. કરણ જોહર અને રામ કપૂર આ દવા લઈને દૂબળા થયા છે એવી આશંકા ઘણા ન્યુઝ-રિપોર્ટ્‍સમાં દર્શાવવામાં આવી છે. ઓઝેમ્પિક અને વિગોવી બન્ને સરખી જ દવા છે એમ જણાવતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘એ બન્નેમાં સેમાગ્લુટાઇડ રહેલું છે જે GLP-1 રેસેપ્ટર જ છે અને એ શરીરમાં ઇન્સ્યુલિન રિલીઝ કરે છે. એનાથી પેટ જલદી ભરાઈ જાય છે અને મગજમાં ખાવાનો સંતોષ થઈ જાય છે જે લાંબા સમય સુધી રહે છે. બન્ને અઠવાડિયામાં એક વાર લેવાતાં ઇન્જેક્શન છે. ઊબકા, ડાયેરિયા, પેટમાં દુખાવો અને ઊલટી જેવી સાઇડ-ઇફેક્ટ બન્નેમાં કૉમન છે; પરંતુ અમેરિકા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ઓઝેમ્પિકને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ માટે માન્ય મેડિસિન ગણવામાં આવી છે. વજન ઊતરવું એ એની બીજી સાઇડ-ઇફેક્ટ છે, જ્યારે વિગોવીને FDA તરફથી વેઇટ-મૅનેજમેન્ટ માટે માન્યતા મળી છે એટલે જ ઓઝેમ્પિક વધુમાં વધુ બે મિલીગ્રામનો હાયર ડોઝ હોય છે, જ્યારે વિગોવીનો ડોઝ ૨.૪ મિલીગ્રામ સુધી વધારી શકાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 01:11 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK