ઍલ્યુમિનિયમમાંથી બનેલું જૂનું અને ક્ષતિગ્રસ્ત પ્રેશર કુકર ઍસિડિક ખોરાકના સંપર્કમાં આવે છે ત્યારે સીસું અને ઍલ્યુમિનિયમના કણો ખોરાકમાં ઓગળી જાય છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં ૨૦ વર્ષોથી ઘરમાં રહેલા ઍલ્યુમિનિયમના જૂના પ્રેશર કુકરમાં જમવાનું બનાવીને ખાતા મુંબઈના એક પરિવારના ૫૦ વર્ષના પુરુષને સીસાના ઝેરનું નિદાન થયું છે. આ કેસ વિશે એક ડૉક્ટરે સોશ્યલ મીડિયા પર જાણકારી આપતાં કહ્યું, ‘ઍલ્યુમિનિયમમાંથી બનેલું જૂનું અને ક્ષતિગ્રસ્ત પ્રેશર કુકર ઍસિડિક ખોરાકના સંપર્કમાં આવે છે ત્યારે સીસું અને ઍલ્યુમિનિયમના કણો ખોરાકમાં ઓગળી જાય છે અને એનો વધુ પડતો ભાગ શરીરમાં ન્યુરોનલ કૅલ્શિયમ ચૅનલોને અવરોધે છે. ચેતા કોષોમાં ખાસ પ્રકારનાં પ્રોટીન હોય છે જે કૅલ્શિયમના માધ્યમથી ચેતાકોષો વચ્ચે સિગ્નલ્સની આપ-લે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એને ન્યુરોનલ કૅલ્શિયમ ચૅનલ કહેવાય છે. આ ચૅનલ્સમાં અવરોધથી શરીરમાં ચેતા કોષોની સિગ્નલ-વ્યવસ્થા ખોવાય છે જેને કારણે મગજથી શરીરને મળતા સંકેતો ધીમા પડી જાય છે. આ દરદીની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી, તે થાક અને પગમાં તીવ્ર દુખાવો અનુભવતો હતો. આ તમામ લક્ષણો સીસાના રાસાયણિક ઝેરને કારણે થાય છે.’
ડૉક્ટરે આ પુરુષના કેસ વિશે જણાવતાં કહ્યું, ‘તેનાં તમામ પરીક્ષણો સામાન્ય હતાં એટલે પછી અમે તેના શરીરમાં હેવી મેટલ સ્ક્રીનિંગ કરાવ્યું ત્યારે સ્પષ્ટ નિદાન થઈ શક્યું હતું. એનું નિદાન ક્રૉનિક સીસાનું ઝેર હતું. આ દરદીને ચેલેશન-થેરપી પર મૂકવામાં આવ્યો હતો, જેના પછી તે સ્વસ્થ થઈ ગયો હતો. ચેલેશન થેરપીમાં ખાસ પ્રકારનાં કેમિકલ્સનું મિશ્રણ ડાયરેક્ટ બ્લડ-સ્ટ્રીમમાં ગ્લુકોઝના બાટલાની જેમ ડ્રિપ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે, જે શરીરમાં વધારાના મેટલ અને ટૉક્સિન્સને મૂત્રવાટે બહાર ફેંકવાનું કામ કરે છે.’
ADVERTISEMENT
સીસાની ઝેરી અસર ત્યારે થાય છે જ્યારે શરીરમાં સીસાનો સંચય થાય છે જે વિવિધ સ્વાસ્થ્ય-સમસ્યાઓનું કારણ બને છે. બાળકો સીસાના ઝેર પ્રત્યે સંવેદનશીલ હોય છે પણ પુખ્ત વયના લોકો પણ સીસાના સંપર્કમાં આવવાથી નોંધપાત્ર સ્વાસ્થ્ય-સમસ્યાઓનો અનુભવ કરે છે. સીસાની ઝેરી અસર મગજ, કિડની અને પ્રજનનતંત્ર સહિત અનેક અંગ-પ્રણાલીઓને અસર કરી શકે છે, જેમાં સૂક્ષ્મથી ગંભીર લક્ષણોનો સમાવેશ થાય છે.
સીસાનું ઝેર શું છે?
સીસાનું ઝેર ત્યારે થાય છે જ્યારે તમે સીસાના ઉચ્ચ સ્તરના સંપર્કથી પ્રભાવિત થાઓ છો, જે સામાન્ય રીતે સીસું ખાવાથી અથવા પીવાથી થાય છે. જોકે ઝેરી ધાતુને સ્પર્શ કરવાથી અથવા શ્વાસ લેવાથી પણ એ થઈ શકે છે. ડૉક્ટરો કહે છે કે સીસું તમારા શરીરના ઘણા ભાગોને અસર કરે છે જેમાં મગજ, ચેતાતંત્ર, લોહી, પાચનઅંગો અને ઘણુંબધું સામેલ છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તમારી નર્વસ સિસ્ટમ, મગજ અને અન્ય અવયવોને નુકસાન થઈ શકે છે, ઉપરાંત શીખવાની અને વર્તણૂકીય સમસ્યાઓ પણ થઈ શકે છે, જેમાં અચાનક મગજને નુકસાન અને લાંબા ગાળાની બૌદ્ધિક ખામીઓનો સમાવેશ થાય છે.

