મેટ્રોના પિલરની સુંદરતા ખરાબ કરતી જાહેરાતનું પોસ્ટર ઉખાડી નાખનારને બિરદાવવામાં આવ્યો
MMMOCLએ કાર્તિક નાદરને સિટિઝન હીરો ગણાવ્યા હતા
મેટ્રોના રૂટ નીચેથી પસાર થતા રસ્તાઓ પર મેટ્રોના રંગબેરંગી પિલરો ખૂબ સુંદર લાગે છે, પણ અમુક લોકો શહેરને સુંદર અને સ્વચ્છ રાખવામાં માનતા જ નથી. મેટ્રો 2Bના પિલર પર એક સૅલોંની જાહેરાતનું પોસ્ટર કોઈએ ચોંટાડી દીધું હતું. એ પોસ્ટર જોઈને ગુસ્સે થયેલા એક સતર્ક નાગરિકે પોસ્ટર ઉખાડીને સોશ્યલ મીડિયા પર આ અંગે રોષ ઠાલવતી પોસ્ટ કરી હતી. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ આ નાગરિકના પ્રયત્નોને બિરદાવીને પોસ્ટર લગાવનાર સૅલોં સામે કાર્યવાહી કરી છે.
ડી. એન. નગર અને મંડાલે વચ્ચે બની રહેલી મેટ્રો 2Bના તાજેતરમાં પેઇન્ટ કરેલા પિલર પર કોઈકે નેઇલ સૅલોંનું પોસ્ટર ચોંટાડ્યું હતું. આ રસ્તા પરથી પસાર થતા કાર્તિક નાદરે આ જોયું તો તેણે આ પોસ્ટર ઉખાડી લીધું. ત્યાર બાદ પોસ્ટર સાથે પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને કૅપ્શન લખી હતી, ‘કોઈ ઇડિયટે પોતાના બિઝનેસની ઍડ મેટ્રો 2Bના પિલર પર ચોંટાડી હતી. મેં એને હટાવી લીધી છે. ઍસ્થેટિક્સ તો બગાડી ન શકાયને.’
ADVERTISEMENT
આ પોસ્ટના જવાબમાં MMMOCLએ કાર્તિક નાદરને સિટિઝન હીરો ગણાવ્યા હતા અને મેટ્રો પરિસરમાં ગેરકાયદે પોસ્ટર અને જાહેરાતો ચોંટાડવી દંડનીય અપરાધ હોવાને લીધે નેઇલ સૅલોંને નોટિસ ફટકારી છે.


