BJP કોઈ ખાનને મુંબઈના મેયર બનવા નહીં દે એવું બોલ્યા પછી વિવાદ થયો એટલે અમીત સાટમે સ્પષ્ટતા કરી
અમીત સાટમ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના પ્રમુખ અમીત સાટમે ગઈ કાલે કહ્યું હતું કે ‘તેમનો પક્ષ કોઈ પણ ખાનને મુંબઈના મેયર બનવા દેશે નહીં. જોકે પછી તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે તેઓ કોઈ ચોક્કસ સમુદાયનો નહીં પણ રાષ્ટ્રવિરોધી માનસિકતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યુ યૉર્કના મેયરની ચૂંટણીમાં જીત્યા બાદ અમીત સાટમે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘જે રીતે અમુક આંતરરાષ્ટ્રીય શહેરો રંગ બદલે છે, અમુક મેયરોની સરનેમ જોઈ અને મહા વિકાસ આઘાડીની વોટ-જેહાદ પણ જોઈ, ત્યારે મુંબઈના સંદર્ભમાં સાવધાન રહેવું જરૂરી છે. મુંબઈ પર કોઈએ ખાનને થોપવાનો પ્રયત્ન કર્યો તો સહન કરવામાં નહીં આવે. જાગો મુંબઈકર.’
ADVERTISEMENT
આ ટિપ્પણી બાદ અનેક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. શિવસેના (UBT)ના આનંદ દુબેએ અમિત સાટમ વિશે કહ્યું હતું કે ‘તેમનું માનસિક સંતુલન હલી ગયું છે. જ્યારથી મુંબઈ BJPના પ્રમુખ બન્યા ત્યારથી તેમને ખબર છે કે તેમનો નાશ થવાનો છે એટલે મુંબઈના મેયર બાબતે શરૂઆતથી જ આવી ટિપ્પણીઓ કરે છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.’
ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા હોવાના આરોપોને ફગાવતાં અમિત સાટમે કહ્યું હતું કે ‘જ્યારે હું ખાન કહું છું ત્યારે હું એક માનસિકતા વિશે વાત કરું છું. મેં ૧૭ સપ્ટેમ્બરે પણ આ જ કહ્યું હતું. હું મુંબઈવાસીઓને એવી માનસિકતા સામે ચેતવું છું જે રૅલીઓમાં પાકિસ્તાનના ધ્વજ લહેરાવે છે, જ્યાં બૉમ્બવિસ્ફોટના આરોપી ઉમેદવાર માટે પ્રચાર કરવા આવે છે. આ એક વિભાજનકારી અને કટ્ટરવાદી માનસિકતા છે. હું એવા ખાન વિશે વાત કરી રહ્યો છું જે રાષ્ટ્રવિરોધી છે.’


