Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ત્રીસીમાં પ્રવેશેલો આજનો યુવાવર્ગ કેવો લાગે તમને?

ત્રીસીમાં પ્રવેશેલો આજનો યુવાવર્ગ કેવો લાગે તમને?

Published : 28 February, 2025 09:37 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજે મુખ્ય વર્કિંગ ક્લાસ તરીકે દેશના અર્થતંત્રથી લઈને સામાજિક વ્યવસ્થાને પણ પોતાના ખભે લઈને આ પેઢી આગળ વધી રહી છે ત્યારે ખરેખર તેમની વિશેષતાઓ અને તેમની મર્યાદાઓ વિશે ચર્ચા થવી મહત્ત્વની છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘લાઇફ બહોત છોટી હૈ દોસ્તોં પર દિલ સે જીઓ તો બહોત હૈ....’ આ ડાયલૉગ ૧૯૮૦થી ૧૯૯૬ના ગાળામાં જન્મેલી મિલેનિયલ જનરેશન માટે કદાચ પર્ફેક્ટ છે. એમાંય જે અત્યારે પોતાની ત્રીસીમાંથી પસાર થઈ રહ્યા છે એ આ જ ફન્ડા સાથે આગળ વધી રહ્યા હોય એવું કહેવું વધુપડતું નહીં ગણાય. આખી દુનિયામાં મિલેનિયલ જનરેશન અત્યારે ડંકો વગાડી રહી છે અને ભારતનો તો આ ગોલ્ડન પિરિયડ છે, કારણ કે ભારતની ૩૪ ટકા વસ્તી આ એજ-ગ્રુપમાં આવે છે. થોડાંક વર્ષ પહેલાં ઍમૅઝૉનની એક પ્રેસ-કૉન્ફરન્સમાં સરપ્રાઇઝ એન્ટ્રી મારનારા ઍમૅઝૉનના માલિક જેફ બેઝોસે કહેલું, ‘હું દાવા સાથે કહી શકું કે ૨૧મી સદી ભારતની સદી છે કારણ કે અહીંની યુવાપેઢીનાં એનર્જી, ડાયનૅમિઝમ જુદા જ સ્તરનાં છે. હું ભારતના જે પણ યુવાનોને મળ્યો છું તેમનું એક જ લક્ષ્ય છે, ગ્રોથ અને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ.’


મિલેનિયલ જનરેશન માટે ઍમૅઝૉનના ફાઉન્ડરનું આ સ્ટેટમેન્ટ મહત્ત્વનું છે. આજે મુખ્ય વર્કિંગ ક્લાસ તરીકે દેશના અર્થતંત્રથી લઈને સામાજિક વ્યવસ્થાને પણ પોતાના ખભે લઈને આ પેઢી આગળ વધી રહી છે ત્યારે ખરેખર તેમની વિશેષતાઓ અને તેમની મર્યાદાઓ વિશે ચર્ચા થવી મહત્ત્વની છે.




કિંજલ પંડ્યા, સાઇકોથેરપિસ્ટ

સંતુલનમાં બેસ્ટ


છેલ્લા બે દાયકાનો પોતાનો અનુભવ શૅર કરતાં કાઉન્સેલર અને સાઇકોથેરપિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘મિલેનિયલ જનરેશન મારી ફેવરિટ છે કારણ કે જૂની પેઢીનું ડહાપણ અને નવી પેઢીની મોકળાશ આ જનરેશનમાં છે. અમુક બાબતોમાં એ ઓલ્ડ-સ્કૂલ છે જેથી એનામાં તમને વધુપડતું ઉભડકપણું નહીં દેખાય. એ વિચારશીલ છે અને એની પાસે પોતાની થિન્કિંગ પ્રોસેસ છે, પણ સાથે એક મસ્તી પણ છે. એ વાતાવરણને ગમગીન નથી થવા દેતી. એ બિનજરૂરી સિરિયસ થઈને કે દુખી અથવા બિચારી થઈને નથી જીવતી. તકલીફમાં પણ મોજને મહત્ત્વ આપે છે. મેં જોયા છે એવા યંગસ્ટર્સ જે કાઉન્સેલિંગ માટે આવ્યા હોય. અંદરથી સ્ટ્રેસમાં હોય અને છતાં જોક્સ દ્વારા લોકોને હસાવતા હોય. માહોલને હળવાશભર્યો રાખવાની એક અનેરી કળા મેં આ ત્રીસીમાં પ્રવેશેલા લોકોમાં જોઈ છે. મને આ પેઢી બૅલૅન્સ્ડ લાગી છે. એની પાસે મૉડર્ન અપ્રોચ છે તો સાથે જૂની વૅલ્યુ-સિસ્ટમ પણ છે. એ રિલૅક્સ રહેવાની સાથે જવાબદારીઓને જાણે છે. રૂઢિઓનું આંધળું અનુકરણ કરવામાં ન માનતી અને વૈજ્ઞાનિક અભિગમને મહત્ત્વ આપતી આ જનરેશન પરિવારના સુખને અને આદર્શોને ધુત્કારતી પણ નથી. ખાસ કરીને આજનાં પચીસથી ૪૦ વર્ષનાં યુવક-યુવતીઓમાં એક ગજબનાક સંતુલન છે.’

ચિંતન નાયક, સાઇકોથેરપિસ્ટ

અધધધ સ્ટ્રેસ

આ પેઢીને કેટલીક વિશેષતાઓ મળી છે તો કેટલીક મર્યાદાઓ પણ એના માથે ઝિંકાઈ છે. પોતે પણ મિલેનિયલ જનરેશનમાં જ આવતા સાઇકોથેરપિસ્ટ અને કાઉન્સેલર ચિંતન નાયક કહે છે, ‘પચીસથી ૩૫ના એજ-ગ્રુપમાં જવાબદારીઓ કયા સ્તર પર વધી છે એનું વર્ણન કરું તો તમને સમજાશે કે આ પેઢી માનસિક, શારીરિક, સામાજિક અને પારિવારિક રીતે કયા લેવલના પ્રેશર હેઠળ છે. એના સંજોગો જ એવા છે કે અમુક ગૂંચવણો બાય ડિફૉલ્ટ એની સામે આવી છે. ખાસ કરીને જે પ્રૉબ્લેમ્સ આજની પહેલાંની જનરેશન મિડલાઇફમાં એટલે કે ૪૫ પછી અનુભવતી હતી એ હવેની પેઢીએ પચીસથી ૩૫ વર્ષમાં જ જોવા પડી રહ્યા છે. ૪૫ વર્ષની ઉંમર હવે મિડલાઇફ ક્રાઇસિસ નહીં પણ ક્વૉર્ટર લાઇફ ક્રાઇસિસ બની ગઈ છે અને ૩૦ની ઉંમર મિડલાઇફ ક્રાઇસિસવાળી બનતી જાય છે.’

કેટલાક દાખલા સાથે સમજાવતાં ચિંતન કહે છે, ‘સૌથી પહેલાં ભણવાની વાત કરીએ તો હવે માત્ર ગ્રૅજ્યુએશન પૂરતું ભણો તો ચાલે એમ નથી. તમારે સ્પેશ્યલાઇઝેશન કરવું જ પડે અને તો જ તમે સ્પર્ધામાં ટકી શકો. તમે તમારું ભણવાનું પૂરું કરો ત્યાં સુધી ૨૭ વર્ષની ઍવરેજ ઉંમર પર પહોંચી ગયા હો. હવે લાઇફ-પાર્ટનર શોધવાનો છે, તમારે કરીઅરમાં સેટલ થવાનું છે અને બીજી બાજુ તમારાં ઘરડાં થઈ રહેલાં મા-બાપ તરફ ધ્યાન આપવાનું છે. ભણવા માટે તમે લીધેલી એજ્યુકેશન લોન ભરવાની છે. એ દરમ્યાન જો લગ્ન કરવાં હોય તો પોતાનું ઘર હોવું જોઈશે. હજી તો તમારી કરીઅર સ્ટાર્ટ જ થઈ છે. એમાં આર્થિક રીતે ચારેય બાજુથી આવેલા પ્રેશરને મૅનેજ કરતાં-કરતાં કરીઅરમાં આગળ વધવાનું છે. બીજી બાજુ સોશ્યલ લેવલ પર પણ તમે જ ઘરના મુખિયા બનવા તરફ આગળ વધી રહ્યા હો એટલે એ તરફ પણ ધ્યાન આપતા જવાનું છે. એટલે બની શું રહ્યું છે કે જીવવાનું હજી શરૂ થાય એ પહેલાં જ બહુ બધા ફ્રન્ટ પરથી આર્થિક, સામાજિક, પારિવારિક અને વ્યાવસાયિક જવાબદારીનો ભાર ત્રીસીમાં પ્રવેશેલા યુવા વર્ગે વેંઢારવાનો છે. આજથી ત્રીસેક વર્ષ પહેલાં સ્થિતિ આવી નહોતી. વીસ-બાવીસ વર્ષે લગ્ન થાય ત્યાં સુધી છોકરો કામે લાગતો. મા-બાપ જ ઘરની જવાબદારી સંભાળી રહ્યાં હોય. કરીઅરમાં થોડોક સ્ટેબલ થયો હોય એટલે લગ્ન થાય. પેરન્ટ્સ અને પરિવાર સાથે લાઇફ સ્ટેબલ થતી જાય અને કરીઅરમાં પણ ગ્રોથ આવતો જાય ત્યાં સુધીમાં બાળક આવે. પછી પારિવારિક જવાબદારીઓ વધે ત્યાં સુધી આર્થિક સુરક્ષિતતા આવી ગઈ હોય. બધું જ તબક્કાવાર થતું અને એક પછી એક જવાબદારીઓ આવતી. અત્યારે બધું જ એકસાથે છે. આ જ કારણ છે કે જે રોગો અને તકલીફો ૪૫-૫૦ વર્ષ પછી આવતાં એ હવે ત્રીસ વર્ષની ઉંમરની જનરેશનમાં જોવા મળી રહ્યાં છે. અને આમાં કોઈને દોષ પણ આપવા જેવો નથી. આવા સમયે ઇમોશનલી સ્ટ્રૉન્ગ થવું અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું બધી જ રીતે જતન થાય એવા પ્રયાસો મહત્ત્વના છે.’

ક્યાંક સૅન્ડવિચનો અનુભવ

પોતે કંઈક ખોઈ રહ્યા હોય એવી ફોમો એટલે કે ફિયર ઑફ મિસિંગ આઉટની અવસ્થામાં પણ આ પેઢી છે. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘એવું ઘણુંબધું છે જે આ પેઢી કરવા માગતી હતી પણ કરી ન શકી અને તેમના પછીની જેન-ઝી એ કરી રહી છે એ વસવસો તેમનામાં છે. તેમને પૈસા અને નામનાની તીવ્ર ઝંખના છે. આ પેઢીનો મહત્તમ હિસ્સો લગ્નથી દૂર ભાગી રહ્યો હોય એવું પણ દેખાય છે. તેમને કમાવું છે અને મજા કરવી છે પણ જેવા ચાલીસ ક્રૉસ કરે પછી શરીરમાં આવી રહેલી નબળાઈ વચ્ચે તેમને ફીલ થાય કે એકલા પડી ગયા. આ પેઢીને અધ્યાત્મ સાથે સંબંધ છે. ભગવાનમાં માને છે. મા-બાપને હજીયે આ પેઢી રિસ્પેક્ટ આપે છે. આ પેઢીની ખાસિયત કહું તો એ આંખમાં આંખ નાખીને વાત કરી શકે. પોતે જે માને છે એમાં તે નીડરતા સાથે જાતને એક્સપ્રેસ કરી શકે છે. તેમની થિન્કિંગ પ્રોસેસ ફાસ્ટ છે અને તરત જ નવી વસ્તુઓ શીખી જાય છે. તેમને ઑપોર્ચ્યુનિટીને ઓળખતાં આવડે છે અને એને ગ્રૅબ કરતાં પણ આવડે છે. આત્મવિશ્વાસ આ પેઢીમાં છે. તેઓ ફ્લેક્સિબલ છે. એક જ બાબતમાં અટવાઈ જાય એવા નથી. અનેક દિશાઓમાં એકસાથે કામ કરવાની મલ્ટિટાસ્કિંગ એબિલિટી આ પેઢીમાં મેં જોઈ છે. તેમને સમાજના નિયમ નડતા નથી. તેઓ લગ્નમાં કૉન્ફિડન્સ સાથે જીન્સ પહેરીને જશે અને રસ્તામાં ઊભા રહીને શોખથી પાણીપૂરી ખાશે.’

પાંચ ખૂબી છે મિલેનિયલ્સની
 ઇમોશનલી મૅચ્યોર્ડ
 નિર્ણયાત્મક શક્તિમાં આગળ
 આત્મવિશ્વાસથી ભરપૂર
 નીડરતા સહજ
 ફ્લેક્સિબલ અને ઍડ્જસ્ટેબલ

સાઈકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટીની પાંચ સલાહ
 

  • ઊંઘ સાથે રમત ન કરો, પૂરતી ઊંઘ લો દરરોજ.
  • તમારા શરીરનું બરાબર ધ્યાન રાખો. સફળતા જોઈતી હશે તો પણ શરીર તો જોઈશે જ સાથે.
  • નિયમિત મેડિટેશનનો અભ્યાસ કરો.
  • ભૂતકાળમાંથી શીખો અને પેરન્ટ્સની સલાહને અવગણો નહીં.
  • પરિવાર સાથે સમય પસાર કરો. જૉબ અને કરીઅરમાં એટલા ન ડૂબી જાઓ કે સંતાનો સાથે તમારી કોઈ મેમરીઝ જ ન બને.

દુનિયામાં મિલેનિયલ જનરેશન ડંકો વગાડી રહી છે અને ભારતનો તો આ ગોલ્ડન પિરિયડ છે, કારણ કે ભારતની ૩૪ ટકા વસ્તી આ એજ-ગ્રુપમાં આવે છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 09:37 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK