ક્રૅમ્પ આવવાનું સૌથી જાણીતું કારણ છે પાણીની કમી. જો શરીરમાં પાણીની કમી સર્જાય તો સ્નાયુ ખેંચાઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
મસલ ક્રૅમ્પ એટલે સ્નાયુનું ખેંચાઈ જવું. મોટા ભાગે હાથ અને પગના સ્નાયુઓમાં જ આ તકલીફ થતી હોય છે. ખાસ કરીને ઘૂંટણથી નીચેના પગમાં પાછળની તરફ અને હાથમાં બન્ને ઉપરના હાથના ગોટલાઓ. હાથ અને પગમાં જ કેમ ક્રૅમ્પ વધુ આવે છે? જ્યારે કોઈ સ્નાયુનો વધુપડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે ક્રૅમ્પ આવી શકે છે. બીજી શરત એ છે કે સ્નાયુ નબળા હોવા જોઈએ. જ્યારે વ્યક્તિ નૉર્મલ રૂટીનમાં જેટલું કામ કરતી હોય છે ત્યારે તેને ક્રૅમ્પ નથી આવતા પરંતુ જ્યારે જરૂર કરતાં વધુ તે સ્નાયુ ચલાવે ત્યારે સ્નાયુને વધુ કામ કરવાની આદત ન હોય એટલે તકલીફ ઊભી થાય છે. સ્નાયુ જો મજબૂત હોય તો આવી તકલીફ આવતી નથી.
ક્રૅમ્પ આવવાનું સૌથી જાણીતું કારણ છે પાણીની કમી. જો શરીરમાં પાણીની કમી સર્જાય તો સ્નાયુ ખેંચાઈ શકે છે. એટલે જ કસરત સમયે થોડી-થોડી વારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થઈ જાય તો પણ ક્રૅમ્પ આવી શકે છે. ગરમીમાં સ્નાયુ ખેંચાઈ જવાની પ્રક્રિયા વધુ બનતી હોય છે. સ્નાયુનો વધુ ઉપયોગ કરવાથી, ખાસ કરીને સ્નાયુની કૅપેસિટી ન હોય, એ કૅપેસિટી બહાર એનો ઉપયોગ કરવાથી આ તકલીફ સર્જાય છે.
ADVERTISEMENT
તમારા ક્રૅમ્પ પાછળ ઉપરોક્ત કારણો હોય તો ક્રૅમ્પ ઉપરાઉપરી વધુમાં વધુ ૨-૪ વખત આવશે. પાણી બરાબર પીશો કે પછી ઇલેક્ટ્રોલાઇટ બૅલૅન્સ કરશો કે સ્નાયુને આરામ આપશો તો એની મેળે એ ઠીક થઈ જશે. પણ જો ક્રૅમ્પ નિયમિત રૂપે આવ્યા કરતા હોય તો એનાં કારણો જુદાં હોય શકે છે. વ્યક્તિને જ્યારે શરીરમાં વિટામિન D કે વિટામિન B12ની ઊણપ સર્જાય છે ત્યારે પણ આ પ્રકારના ક્રૅમ્પ્સ ખૂબ આવી જતા હોય છે. કોઈ પ્રકારની નસોની તકલીફ હોય તો પણ સ્નાયુ જોડે આવું થઈ શકે છે. જેમ કે જે વ્યક્તિને જૂનો ડાયાબિટીઝ હોય એટલે કે ડાયાબિટીઝ થયાને ૧૦-૧૫ વર્ષ થઈ ગયાં હોય કે પછી જેનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન રહેતો હોય તેને સ્નાયુઓની આવી તકલીફ થાય છે. આ સિવાય પોષણની કમી હોઈ શકે છે. જો વ્યક્તિના શરીરમાં મિનરલ્સ કે વિટામિન્સની ભારે કમી હોય તો પણ આ તકલીફ વારંવાર થતી દેખાય છે.
જે વ્યક્તિઓ ડાયયુરેટિક્સ કે સ્ટેટીન જેવી દવાઓ લેતી હોય તેમને આ દવાઓને કારણે સ્નાયુ ખેંચાઈ જવાની તકલીફ રહેતી હોય એવું બને. આ સિવાય ઘણા લોકો રાત્રે સૂવામાં પગ એવી રીતે ખેંચી કાઢે છે કે ઊંઘમાં સ્નાયુ ખેંચાઈ જાય એવું બનતું હોય છે. આમાંથી કયાં કારણો તમને લાગુ પડે છે એ સમજવું જરૂરી છે.
-ડૉ. અમિત મહેતા

