મહિલા સ્વસ્થ હશે તો પરિવારના બધા જ સભ્યોની તે સારી રીતે દેખભાળ કરી શકશે. એટલે મહિલાઓએ રેગ્યુલર બેઝિસ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાવતા રહી
પ્રતીકાત્મક તસવીર
ઘરની મહિલાનું સ્વાસ્થ્ય ખરાબ થયું હોય ત્યારે એની અસર આખા પરિવાર પર પડે છે. મહિલા સ્વસ્થ હશે તો પરિવારના બધા જ સભ્યોની તે સારી રીતે દેખભાળ કરી શકશે. એટલે મહિલાઓએ રેગ્યુલર બેઝિસ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરાવતા રહીને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ
ઘર અને ઑફિસનું કામ, બાળકોને ઉછેરવાની જવાબદારી નિભાવવામાં મહિલાઓ એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ભૂલી જાય છે. એવામાં મહિલાઓએ કેટલીક ટેસ્ટ અને સ્ક્રીનિંગ રેગ્યુલર બેઝિસ પર કરાવવાનું શરૂ કરવું જોઈએ જેથી કોઈ બીમારી ગંભીર સ્વરૂપ લે એ પહેલાં જ એને પકડી પાડીને સારવાર શરૂ કરી શકાય. નિદાન કરવામાં જેટલું મોડું થાય એટલું સારવાર કરવાનું અઘરું બની જાય અને શારીરિક અને માનસિક યાતના પણ વધુ ભોગવવી પડે. એવામાં જેના પર આખો પરિવાર નિર્ભર હોય એ મહિલાઓએ તો સૌથી પહેલાં પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ.
ADVERTISEMENT
૧- પૅપ સ્મીઅર અને HPV ટેસ્ટ
સમય રહેતાં ખબર પડી જાય તો સર્વાઇકલ કૅન્સર એટલે કે ગર્ભાશયના મુખના કૅન્સરની સારવાર કરવી સરળ બની જાય છે. એ માટે ૨૧ વર્ષની ઉંમરથી જ મહિલાઓએ દર ત્રણ વર્ષે એક વાર પૅપ સ્મીઅર ટેસ્ટ કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ તેમ જ ૩૦ વર્ષની ઉંમર પછી દર પાંચ વર્ષે એક વાર પૅપ સ્મીઅર અને HPV બન્ને ટેસ્ટ કરાવવી જોઈએ.
૨- STD ટેસ્ટ
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે સંભોગ સંક્રમક રોગો, જે યૌન સંબંધોના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એટલે સેક્સ્યુઅલી ઍક્ટિવ થઈ જાઓ ત્યારથી જ દર વર્ષે એક વાર આ ટેસ્ટ કરાવવાની શરૂ કરી દેવી જોઈએ.
૩- બ્રેસ્ટ-કૅન્સર સ્ક્રીનિંગ
વહેલી તકે બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થઈ શકે એ માટે મૅમોગ્રામ ટેસ્ટ કરાવવી જોઈએ. એટલે ૪૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક વાર મૅમોગ્રાફી કરાવવી જોઈએ અને દર મહિને એક વાર સેલ્ફ-એક્ઝામિનેશન કરવું જોઈએ.
૪- ડાયાબિટીઝ સ્ક્રીનિંગ
ડાયાબિટીઝ માટેનું સ્ક્રીનિંગ ૩૫ વર્ષથી ઉંમરથી જ દર વર્ષે કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. એમાં પણ ફૅમિલીમાં કોઈને ડાયાબિટીઝ હોય, સ્થૂળતા હોય, હાઈ બ્લડ-પ્રેશર હોય અથવા હૃદય સંબંધિત બીમારી હોય તો એવા લોકોએ ૨૫ વર્ષની ઉંમરથી જ આ ટેસ્ટ કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
૫- બોન ડેન્સિટી સ્કૅન
મેનોપૉઝ પછી મહિલાઓને ઑસ્ટિઓપોરોસિસ એટલે હાડકાં નબળાં પડવાનું જોખમ વધી જાય છે. એટલે ૬૫ વર્ષ અને તેએથી વધુ ઉંમરની માતાઓએ બોન ડેન્સિટી સ્કૅન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. બોન ફ્રૅક્ચર થયું હોય કે ફૅમિલીમાં કોઈને ઑસ્ટિઓપોરોસિસ થયો હોય તો એવા કેસમાં ૫૦ વર્ષની ઉંમરથી આ સ્કૅન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
૬- બ્લડપ્રેશર -કૉલેસ્ટરોલ ટેસ્ટ
બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ એવી બીમારી છે જેનાં કોઈ એવાં ખાસ લક્ષણો હોતાં નથી અને એ દેખાવાનું શરૂ થાય ત્યાં સુધીમાં તો નુકસાન પહોંચી ચૂક્યું હોય. એટલે ૩૫ વર્ષની ઉંમર પછી મહિલાઓએ આ બન્ને ટેસ્ટ કરાવવી જોઈએ. રેગ્યુલર મૉનિટરિંગથી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટાડી શકાય.

