Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમને થકવી રહ્યું છે આજનું પેરન્ટિંગ?

તમને થકવી રહ્યું છે આજનું પેરન્ટિંગ?

Published : 20 November, 2026 12:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ થાકને ઓછો કઈ રીતે કરી શકાય, કઈ જગ્યાએ આપણે બદલવાની જરૂર છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પેરન્ટ્સ બનવું ખૂબ જ ડિમાન્ડિંગ છે. આમ હોવું જોઈએ અને આમ ન જ હોવું જોઈએ એવી અઢળક માહિતીઓનો અતિરેક જોવા મળે છે. સતત જાણવાનો, સમજવાનો અને શીખવાનો પણ ભરપૂર થાક લાગે છે. આજનાં બાળકો રમતાં-રમતાં મોટાં નથી થઈ જતાં. બધું પર્ફેક્ટ કરવાના ચક્કરમાં આજના પેરન્ટ્સ થાકી જાય છે. આ થાકને ઓછો કઈ રીતે કરી શકાય, કઈ જગ્યાએ આપણે બદલવાની જરૂર છે એ જાણીએ

એક સમય એવો હતો કે ઘરમાં કામવાળા નહોતા. કમાવાવાળા એક અને ખાવાવાળા ૧૦ હતા. છતાં કપલ્સ બે-ચાર બાળકોને જન્મ આપતાં, ઉછેરતાં અને મોટાં કરતાં; છતાં કોઈ દિવસ તેમના મોઢેથી થાકી ગયા શબ્દ સાંભળવા મળતો નહીં. આજનાં કપલ્સ પાસે દરેક કામ માટે સૉલ્યુશન છે. એક ઘરમાં સરેરાશ બે કામવાળા હોય જ છે. એ સિવાય ઘણાં ઘરમાં નૅની પણ હોય છે. ક્યાંક અટકો તો હેલ્પ માટે પણ અઢળક ઑપ્શન્સ છે. આજે મહારાજ નથી આવ્યા તો બહારથી ખાવાનું મગાવી લો. ઘરમાં ટમેટાં ખતમ થઈ ગયાં તો શાકવાળા પાસે દોડીને જવું પડતું નથી. ઘરે ૧૦ મિનિટમાં ટમેટાં આવી જાય છે. બાળક સાથે આખી રાત જાગવું અઘરું પડી રહ્યું છે તો નૅની છે. બાળક બીમાર છે તો ડૉક્ટર્સ ફોન પર પણ અવેલેબલ રહે છે. પહેલાંના પ્રમાણમાં આજે આપણે અઢળક સગવડો વચ્ચે જીવીએ છીએ. આટઆટલી સગવડો છતાં આજે માતા-પિતા ખૂબ થાકી જાય છે. એવું કેમ છે?



આજનાં માતા-પિતા અત્યંત વ્યસ્ત છે. બાળકના અઢળક ક્લાસિસ, તેની ઇતર પ્રવૃત્તિઓ, તેના માટે ફિઝિકલ ઍક્ટિવિટીમાં લેવા-મૂકવા જવાનું, સ્કૂલની જુદી-જુદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું એ બધાં તો રૂટીન કામ થયાં. આ સિવાય બાળકને સ્ક્રીનથી દૂર રાખવાનું અને એના માટે બાળકને સતત વ્યસ્ત રાખવાનો પણ એક ટાસ્ક હોય છે. બાળકને હેલ્ધી જ ખવડાવવાનું છતાં તેનું મન ખરાબ ન થાય એ જોવાનો પણ જરૂરી ટાસ્ક હોય છે. બાળક વધુ શાંત તો નથી રહેવા લાગ્યું? બાળક ખુશ તો છે? બાળક ગાળો તો નથી બોલવા લાગ્યું? તેના મિત્રવર્તુળમાં કોઈ ખરાબ છોકરું તો નથીને? કોઈ બાબત તેના મનમાં ઘર તો નથી કરી ગઈ? આવા કેટલાય પ્રશ્નોનો સતત જવાબ મેળવતા રહેવું પણ જરૂરી છે. આ સિવાય તેના મગજનો અને શરીરનો બરાબર વિકાસ થાય છે કે નહીં, તે બધા માઇલસ્ટોન બરાબર પાર કરે છે કે નહીં એ જોવું પણ જરૂરી છે. તેને ફૉનિક્સ બરાબર આવડ્યું કે નહીં? તેને ફ્રેન્ચ ક્લાસિસ કરાવવા જોઈએ, તેનું હાઇજીન વ્યવસ્થિત જળવાવું જોઈએ, નાનપણથી શ્ળોક તો શીખવવા જ જોઈએ. તેને બાસ્કેટબૉલમાં નાખીએ જેનાથી તેની હાઇટ વધે, રીડિંગની આદત તો પાડવી જરૂરી છે પણ કયાં પ્રકારનાં પુસ્તકો તે વાંચે છે કે તેને એ ગમે છે એ પણ સમજવું જરૂરી છે. એના સિવાય બાળકની સેફ્ટીની ચિંતા પણ આજનાં માતા-પિતાને અંદરથી વ્યસ્ત અને ત્રસ્ત રાખે છે. આ બધી જ વસ્તુઓ સાચી છે. એનું ધ્યાન રાખવું જોઈએ એ પણ બરાબર છે, પણ આજના પેરન્ટ્સ માટે એ મોટો ટાસ્ક બની જાય છે. દરેક વસ્તુને તેઓ સહજતાથી નથી કરી શકતા, અતિ ગંભીરતા સાથે કરવા માગે છે એટલે થાક લાગી રહ્યો છે.


માહિતીનો અતિરેક

પહેલાંની મમ્મીઓ ૧૦ જણની રસોઈ ચપટી વગાડતાં કરી શકતી, આજની મમ્મીઓને બે જણની રસોઈ પણ ભારે પડે છે; પહેલાંના પપ્પાઓ ઘરમાં ૧૦ માણસની જવાબદારી હસતાં-હસતાં ઉઠાવતા, આજે તેઓ નથી ઉઠાવી શકતા એમ સમજાવતાં પેરન્ટિંગ કોચ પ્રિયા ધારિયા કહે છે, ‘સ્ટ્રેસ પહેલાં પણ હતું અને આજે પણ છે. સ્ટ્રેસ લેવાની વ્યક્તિગત ક્ષમતા ઓછી થતી જાય છે. શારીરિક ક્ષમતાની સાથે-સાથે માનસિક ક્ષમતા પણ ઘણી ઓછી થતી જાય છે. એનું એક કારણ છે કે આપણી પાસે માહિતીઓનો અતિરેક જમા થઈ ગયો છે. પહેલાંના સમયમાં પેરન્ટ્સ તરીકે તમે એ જ કરતા જે તમારા પેરન્ટ્સે કર્યું છે. દાદી-નાની સમજાવતી એ રીતે બાળક મોટું થતું. આજે એવું રહ્યું નથી. આજની પેઢીને બાળકનો ઉછેર જૂની પેઢીની જેમ કરવો જ નથી એવું તેણે નિર્ધારિત કર્યું છે. જેને લીધે નવી ઘોડી નવો દાવ જેવું થઈ ગયું છે અને માહિતીનો અતિરેક તેમના જીવનમાં આવી ગયો છે. બાળઉછેર માટે શું કરવું અને શું ન કરવું એ સતત દુનિયા, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા એમને જણાવી રહ્યાં છે. આ સતત જાણવાનો, સમજવાનો અને શીખવાનો પણ ભરપૂર થાક લાગે છે. વધુ પડતી માહિતી તેમને થકવી રહી છે, કારણ કે કંઈ પણ કરો, પૂરું પડતું જ નથી.’


તેમની જોડે બાળપણમાં જે પણ ખોટું થયું તેઓ તે પોતાનાં બાળકો સાથે કરવા નથી માગતા, એમ સમજાવતાં પ્રિયા ધારિયા કહે છે, ‘એને કારણે તેમને વધુ પડતું જાગૃત રહેવું પડે છે. આજનાં માતા-પિતા કોઈ પણ જગ્યાએ કશું જ ખોટું કરવા નથી માગતાં. કશું ચૂકી જવા નથી માગતાં એટલે થાકી જાય છે. તેમણે માર ખાધો હતો, પણ પોતાનાં બાળકોને મારવાં નથી. તેમણે ટ્રૉમા લીધો હતો, પણ બાળકોને આપવો નથી. આમ, ઉછેર દરમ્યાન તેઓ પોતે પણ હીલ થઈ રહ્યાં છે, જેને લીધે એફર્ટ વધારવા પડી રહ્યા છે અને સમય પણ લાગી રહ્યો છે. આ બધામાં થાક લાગવો સહજ છે.’ 

શું કરવું જોઈએ?

 મારે બાળક માટે શું-શું કરવું જોઈએ એ ન વિચારીને મારે બાળક સાથે કેવી રીતે રહેવું એ વિચારવાનું છે. દરેક ક્ષણે કંઈક શીખવવું જરૂરી નથી. ક્યારેક બાળક સાથે બેસવું, તેની વાત સાંભળવી, તેની સાથે હસવું એ પણ પેરન્ટિંગ છે. ઊલટું એ સૌથી મહત્ત્વનું છે જે આપણે મિસ કરી રહ્યા છીએ.

 બાળકને મોટું કરવાનું છે, તેને ઠીક નથી કરવાનું. વળી, બાળકને બધું જ શીખવવાની જવાબદારી માતા-પિતાની નથી. બાળક જીવન પાસેથી પણ ઘણું શીખી શકે છે. તેની પોતાની મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીઓ તેને શીખવશે. બાળકની દરેક શીખની જવાબદારી માતા-પિતાની નથી. તેને પોતાની રીતે શીખવા દો, જેમ કે બાળક પડી જાય તો તરત ઉઠાવવું જરૂરી નથી. બાળક કંટાળે છે તો તરત આપણે શું કરી શકીએ એ વિચારવાની જરૂર નથી. બાળક કોઈ કામ નથી કરી શકતું તો સૉલ્યુશન લઈને તેની પાસે ભાગવાની જરૂર નથી.

 પેરન્ટિંગમાંથી પર્ફેક્ટ શબ્દ કાઢી નાખવો પડશે. એના માટે બીજા પેરન્ટ્સ સાથે સરખામણી કરવાનું મૂકી દેવું અત્યંત જરૂરી છે. આજના પેરન્ટ્સ ખૂબ દેખાદેખી કરી રહ્યા છે. આપણે બીજા પેરન્ટ્સને જોઈને નક્કી કરીએ છીએ કે આપણા બાળકે શું કરવું જોઈએ. ફલાણી વ્યક્તિનું બાળક આ કરે છે તો આપણું રહી ન જાય એ આપણી મુખ્ય ચિંતા બની જતી હોય છે. આપણે માઇલસ્ટોનને મહત્ત્વ આપીએ છીએ, પણ આમાં બાળક ખોવાઈ જાય છે. હંમેશાં અપૂર્ણ હોવાનો અહેસાસ કરાવીએ છીએ, જે એક મોટો પ્રૉબ્લેમ છે.

પેરન્ટ્સને લાગે છે કે તેમણે બાળકના બધા સવાલોનો જવાબ આપવો જોઈએ. એટલું જ નહીં, આજકાલ પેરન્ટ્સને લાગે છે કે એ જવાબ પણ એકદમ સાચો અને અર્થપૂર્ણ હોવો જોઈએ. જ્યારે બાળક તમને સવાલ પૂછે કે આમાં હું શું કરું? તો તરત જવાબ આપવાની જરૂર નથી. તને શું લાગે છે? તું શું કરવા માગે છે કે કેવી રીતે કરવા માગે છે? આમ કરવાથી બાળકને નિર્ણયો લેવાની ખબર પડે છે. આ રીતે તે સ્વાવલંબી બને છે. આજના પેરન્ટ્સને લાગે છે કે બાળકોનું ભવિષ્ય તેમણે બનાવવાનું છે. એવું ન હોવું જોઈએ. તમારું કામ એને એવું વાતાવરણ આપવાનું છે જ્યાં તે ધીમે-ધીમે પોતે વિચારતાં શીખે. પોતાના નિર્ણય લેતાં શીખે અને પોતાની જવાબદારી લઈ શકે. આવું થાય ત્યારે પેરન્ટિંગનો ભાર બદલાય છે. કેટલાક કેસમાં બાળકને વધુ આપવાની જરૂર નથી હોતી, પેરન્ટ્સે થોડું ઓછું કરવાનું શીખવાનું હોય છે.

થાકની શરૂઆત

બીજી તકલીફ એ છે કે પેરન્ટ્સ માટે બાળક હવે બાળક નથી રહ્યું, જીવનનો એકમાત્ર પ્રોજેક્ટ બની ગયું છે. બધા પેરન્ટ્સ એક ટ્રોફી પાછળ ભાગી રહ્યા છે, એ છે  ‘પર્ફેક્ટ ચાઇલ્ડની ટ્રોફી’. એને મેળવવા માટે બધા ભાગી રહ્યા છે. લોકોને ખૂબ મોડું સમજાય છે કે જેના માટે ભાગતા હતા એ ટ્રોફીનું તો અસ્તિત્વ જ નથી. આ રેસનું સૌથી મોટું નુકસાન એ છે કે આપણે બાળકનું બાળપણ છીનવી લઈએ છીએ. આજના પેરન્ટ્સ બાળકનો ઉછેર કરે તો એમાં થાકે નહીં, પરંતુ તેઓ બાળકોને તેમના પ્રમાણે બરાબર બનાવવામાં થાકી રહ્યા છે.

આ વાતને ઉદાહરણ સાથે સમજાવતાં પેરન્ટિંગ કોચ અમિત શાહ કહે છે, ‘બાળકને રમવું ગમે છે, પણ આપણે તેના માટે ઍક્ટિવિટી ક્લાસિસ શોધીએ છીએ. રમકડાં લેવાં જઈએ ત્યારે એ નથી વિચારતા કે તેને મજા આવશે, આપણે એ જ વિચારીએ છીએ કે તેને આમાંથી શું શીખવા મળશે કે તેની કઈ સ્કિલ વિકાસ પામશે? બાળકને ખાલી બેઠેલું આપણે જોઈ નથી શકતા. આપણે તેને કેવી રીતે વ્યસ્ત રાખી શકીએ એ વિચારતા રહીએ છીએ. જો બાળક આપણી કલ્પનાતીત રેસમાં પાછળ રહી જાય તો આપણે ટેન્શન લઈએ છીએ. બાળક જો આગળ હોય તો તેને વધુ આગળ લઈ જવાની ચિંતા કરીએ છીએ, જેમ કે બાળક ચેસ સારું રમતું હોય તો આપણે એનાથી ખુશ નથી. આપણને ચિંતા તેના રૅન્કની હોય છે. એટલે આ રીતે આપણે પેરન્ટિંગ નથી માણતા, બાળકનો ઉછેર નથી કરતા, પણ એક પ્રોજેક્ટ મૅનેજ કરી રહ્યા છીએ. અને અહીંથી થાક શરૂ થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK