આપણા શરીરમાં ઑક્સિજન અપૂરતી માત્રામાં મળે એનાં ઘણાં કારણો હોઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
વધી રહેલા પ્રદૂષણ અને બગડેલી લાઇફસ્ટાઇલે ફેફસાંના રોગોનું પ્રમાણ પણ વધાર્યું છે. આપણા શરીરના પ્રત્યેક કોષ માટે જરૂરી એવા ઑક્સિજન ફેફસાં થકી જ આખા શરીરને મળે છે. ઑક્સિજન શરીર માટે જરૂરી છે અને એટલે જ આજકાલ ઑક્સિજન બાર અને ઑક્સિજન ક્લબ જેવા કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યા છે. ઑક્સિજનનું પ્રમાણ વધુ હોય એવા વાતાવરણમાં જઈને શ્વાસ લેવાથી શરીરને વધુ ઑક્સિજન મળે એવું થાય? સાચું કહું તો ચાન્સ બહુ જ ઓછા છે.
આપણા શરીરમાં ઑક્સિજન અપૂરતી માત્રામાં મળે એનાં ઘણાં કારણો હોઈ શકે છે. અસ્થમા, પલ્મનરી ફાઇબ્રોસિસ જેવી હેલ્થ કન્ડિશન હોય. સ્મોકિંગ, અથવા પૉલ્યુટેડ ઍરમાં વધુપડતો સમય રહેવાથી પણ લંગ્સની ક્ષમતા ઘટતી હોય છે. ઘણી વાર રેસ્પિરેટરી રેટ વધુપડતો હોય તો પણ લંગ્સ અને સ્નાયુઓ થાકે અને ઑક્સિજન ઍબ્સૉર્પ્શન ઘટે. કોમા, બ્રેઇન-ટ્યુમર જેવી અવસ્થામાં રેસ્પિરેટરી રેટ ઘટી જાય ત્યારે પણ શરીરમાં ઑક્સિજન ડેફિશિયન્સી સર્જાય. ઘણી વાર શરીરમાં કૅન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ જેવી એકથી વધુ બીમારી હોય તો પણ બ્રીધિંગ ઇશ્યુઝ થાય અને ઑક્સિજન લેવલ ઘટી જાય. બીજું, હાઈ અલ્ટિટ્યુડ પર ઓછું હોય છે ત્યારે પણ શરીરમાં ઑક્સિજન લેવલ ઘટી શકે છે.
ADVERTISEMENT
એક વાત ખાસ કહીશ કે તમારા શરીરનાં લક્ષણોને ઓળખીને તમારાં ફેફસાં પૂરતા પ્રમાણમાં કામ કરી રહ્યાં છે કે નહીં અને તમારા શરીરનું ઑક્સિજન લેવલ સ્ટેબલ રહે છે કે નહીં એનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે. એનાં લક્ષણોમાં મુખ્યત્વે ખૂબ થાક લાગવો, બરાબર ઊંઘ ન આવવી, જરાક ચાલો અને થાકી જવું, કામ કરવાની તાકાત ન હોવી, ખાંસી આવે ત્યારે શ્વાસ રૂંધાવો, એકેય કામમાં મજા ન આવવી વગેરે હોઈ શકે.
આવાં લક્ષણો દેખાય ત્યારે તપાસ કરાવવી જોઈએ. આજકાલ ઑક્સિજન સિલિન્ડરને ક્યાંય પાછળ છોડી જાય એવાં ઑક્સિજન મશીન આવ્યાં છે જેને લોકો ઘરમાં પણ રાખી શકે. કૉસ્ટ ઇફેક્ટિવ આ મશીન ઑક્સિજન થેરપી આપીને દરદીઓને અદ્ભુત પરિણામ આપવા સમર્થ છે. ઑક્સિજન કૉન્સન્ટ્રેટર એવા આ મશીનનો ઉપયોગ ન કરવો પડે એ માટે પહેલેથી જ શરીરની ઑક્સિજનની માત્રા જાળવી રાખવા પોષણયુક્ત આહાર, કસરત, યોગ-પ્રાણાયામ, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, માસ્ક પહેરવો અને ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ કરવી જેવા બદલાવ લાવી શકાય.
- ડૉ. આગમ વોરા

