થોડા દિવસ પહેલાં જ ૨૪ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મિશા અગ્રવાલે આત્મહત્યા કરીને બધાને વિચારતા કરી મૂક્યા છે કે આપણને રીલ્સ અને પોસ્ટમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની જે લાઇફ દેખાય છે
પ્રતીકાત્મક તસવીર
હજી થોડા દિવસ પહેલાં જ ૨૪ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મિશા અગ્રવાલે આત્મહત્યા કરીને બધાને વિચારતા કરી મૂક્યા છે કે આપણને રીલ્સ અને પોસ્ટમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની જે લાઇફ દેખાય છે એ હકીકત સાથે કેટલો મેળ ખાય છે. બહારથી પર્ફેક્ટ દેખાતી તેમની લાઇફમાં એવા કેવા-કેવા પ્રૉબ્લેમ્સ આવે છે જે આપણે જોઈ નથી શકતા, પણ માનસિક રીતે એનો સામનો તેઓ કરી રહ્યા છે. આજે અહીં સાઇબર સાઇકોલૉજિસ્ટ સાથે વાત કરીને તેમના જીવનની જે બીજી બાજુ છે એના પર એક નજર નાખીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી
સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મિશા અગ્રવાલે હજી થોડા દિવસ પહેલાં જ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું. એ પછીથી તેના જીજાજીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી, ‘મારી નાની બહેને ઇન્સ્ટાગ્રામ અને તેના ફૉલોઅર્સને પોતાની દુનિયા બનાવી લીધી હતી. તેના જીવનનું ધ્યેય દસ લાખ ફૉલોઅર્સ સુધી પહોંચવાનું અને ફૅન્સ બનાવવાનું હતું. તેના ફૉલોઅર્સ ઘટવા લાગતાં તે ચિંતામાં મુકાઈ ગઈ હતી અને પોતાને બેકાર સમજવા લાગી હતી. એપ્રિલ મહિનાથી જ તે ઘણી ડિપ્રેસ્ડ દેખાઈ રહી હતી. તે ઘણી વાર મારી સામે રડીને કહેતી કે મારા ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ આમ જ ઘટતા રહ્યા તો હું શું કરીશ? મારી કરીઅર ખતમ થઈ જશે. એ સમયે મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ જ તેની પૂરી દુનિયા નથી. એ નહીં ચાલે તો પણ કંઈ દુનિયા ખતમ થવાની નથી. હું તેને તેની ટૅલન્ટ જેમ કે તેની LLBની ડિગ્રી, તેની PCSJની તૈયારી વિશે યાદ અપાવીને કહેતો હતો કે તું એક દિવસ જજ બનીશ અને તારે કારકિર્દીની ચિંતા કરવાની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામ ફક્ત એક મનોરંજનનું સાધન છે અને એને લઈને ચિંતા કરવાની જરૂર નથી. દુર્ભાગ્યે મિશાએ મારી વાત ન સાંભળી અને આત્મહત્યા જેવું પગલું લઈ લીધું.’
ADVERTISEMENT
આત્મહત્યા કરનારી ૨૪ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મિશા અગ્રવાલ
આ ઘટનાને લઈને અભિનેત્રી તાપસી પન્નુએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું, ‘આ કંઈક એવું છે જેનો મને લાંબા સમયથી ડર હતો, કારણ કે મારી આસપાસના ઘણા એવા લોકો છે જે સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સને લઇને ઑબ્સેસ્ડ છે. એક દિવસ એવો આવી જશે જ્યારે સોશ્યલ મીડિયા ફૉલોઅર્સના નંબર્સ જીવન પર હાવી થતા જશે. વર્ચ્યુઅલ પ્રેમની સખત જરૂરત તમને તમારી આસપાસના અસલી પ્રેમ પ્રતિ અંધ કરી દેશે. લાઇક્સ અને કમેન્ટ્સથી મળનારી તરતની સંતુષ્ટિ અને વૅલિડેશન એ ડિગ્રીઓને પાછળ છોડી દેશે જે તમને ઘણી વધુ મૂલ્યવાન બનાવે છે.’
મિશા અગ્રવાલે આત્મહત્યા કરી એટલે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ કેવી-કેવી મેન્ટલ ચૅલેન્જિસનો સામનો કરી રહ્યા છે એ તરફ લોકોનુ ધ્યાન દોરાયું છે. એને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. અનેક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાઇકોલૉજિસ્ટ પાસે જઈને મદદ માગી રહ્યા છે. સોશ્યલ મીડિયાનો આ આખો ખેલ શું છે અને એ કઈ રીતે લોકોને પોતાની માયાજાળમાં ફસાવે છે અને તેમના જીવનને અસર પહોંચાડે છે એ વિશે દસથી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં સાઇબર સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા સાથે વાત કરીએ. નિરાલી ભાટિયા સાઇબર બાપ નામથી એક ઍન્ટિ-સાઇબર બુલિંગ ઑર્ગેનાઇઝેશન પણ ચલાવે છે.
મેન્ટલ ચૅલેન્જિસ
મારી પાસે એક મૉમ ઇન્ફ્લુઅન્સર આવેલી. તેનું બાળક દોઢ વર્ષનું હતું ત્યારથી તેણે તેની સાથે મળીને કન્ટેન્ટ બનાવવાનું શરૂ કરેલું જેમાં તેને સફળતા પણ મળવા લાગી. લોકો તેની કન્ટેન્ટને પસંદ પણ કરતા હતા. લાઇક, કમેન્ટ્સ, ફૉલોઅર્સ બધું જ મળી રહ્યું. જોકે તેનું બાળક ત્રણ-ચાર વર્ષનું થયું એ પછીથી તેણે કો-ઑપરેટ કરવાનું બંધ કરી દીધું. સ્વાભાવિક છે કે બાળક થોડું મોટું થાય એટલે તેને પોતાની મરજી મુજબ કરવા જોઈએ. તેમ છતાં બાળકને ફોર્સ કરીને કે તેને ઇમોશનલી બ્લૅકમેલ કરીને કે પછી કોઈ વસ્તુની લાલચ આપીને તે તેની સાથે કન્ટેન્ટ ક્રીએટ કરતી. એને કારણે તેના અને બાળક વચ્ચેનું રિલેશન ખરાબ થઈ ગયું. એ બાળકનું તેની મમ્મી કરતાં તેની આયા સાથે વધુ ફાવતું. એટલે એ મૉમ ઇન્ફ્લુઅન્સર પોતાની જાતને નિસહાય સમજવા લાગી. તેને દેખાઈ રહ્યું હતું કે સોશ્યલ મીડિયાને કારણે તેનો અને તેના બાળકનો સંબંધ ખરાબ થઈ રહ્યો છે, પણ તેમ છતાં તે તેની આદત છોડી શકતી નહોતી. મારી પાસે એવી એક ફીમેલ ઇન્ફ્લુઅન્સર પણ આવેલી જેને ઍન્ગ્ઝાયટી પ્રૉબ્લેમ થઈ ગયેલો. નેગેટિવ કમેન્ટ્સ અને ઑનલાઇન ટ્રોલિંગથી તે ખૂબ જ સ્ટ્રેસમાં આવી ગઈ હતી. સવારે ઊઠીને ઇન્સ્ટાગ્રામ ખોલી જોવામાં પણ ડર લાગે કે ખબર નહીં કોની શું નેગેટિવ કમેન્ટ હશે.
કન્ટેન્ટ કન્ઝ્યુમ કરનાર એટલે કે આપણી જેવા કન્ટેન્ટ જોનારા લોકોમાં પણ સોશ્યલ મીડિયાનું ઍડિક્શન ખૂબ હોય છે. મારી પાસે ૧૪ વર્ષના એક છોકરાનો કેસ આવેલો જેને યુટ્યુબર કૅરી મિનાટીના વિડિયોઝ જોવા એટલા ગમતા કે જમતી વખતે, વૉશરૂમમાં બધી જ જગ્યાએ તેને હાથમાં મોબાઇલ જોઈએ. તેને તેના પેરન્ટ્સ ટોકે તો તેને ખૂબ જ ગુસ્સો આવી જતો. એક વાર તો તેની મમ્મીએ તેના હાથમાં મોબાઇલ છીનવી લીધો તો તેણે તેમના પર હાથ ઉઠાવી લીધેલો.
બે પ્રકારના લોકો
સોશ્યલ મીડિયા પર બે પ્રકારના લોકો છે એક કન્ટેન્ટ ક્રીએટર્સ એટલે કે જેઓ રીલ્સ, વિડિયો બનાવે છે અને બીજા કન્ટેન્ટ કન્ઝ્યુમર જેનું કામ વિડિયો, રીલ્સ જોઈને લાઇક, કમેન્ટ અને ફૉલો કરવાનું છે. આ બન્ને લોકો સતત એક પ્રેશરમાં જીવતા હોય છે. બન્ને પ્રકારના લોકો સોશ્યલ મીડિયાની માયાજાળમાં ફસાયેલા છે અને મેન્ટલ ચૅલેન્જનો સામનો કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સથી આજના યુવાનો ખૂબ પ્રભાવિત થાય છે. તેમની લોકપ્રિયતા, તેમની લાઇફસ્ટાઇલ, પૈસા જોઈને તેમને એમ થાય કે આ લોકો તો કેટલું સરસ મજાનું જીવન જીવે છે. કાશ! અમે પણ આવું જીવન જીવતા હોત. તેમને તો બેઠાં-બેઠાં પૈસા મળે છે. અમને કલાકો સુધી ઑફિસમાં ઢસરડા કર્યા પછી પણ કંઈ મળતું નથી. એટલે પોતાના જીવનની સરખામણી સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે કરીને તેઓ સ્ટ્રેસમાં રહેતા હોય છે. તેમની અચીવમેન્ટ્સ જોઈને આપણે આપણા જીવનમાં જે સફળતા મેળવી છે એનું મૂલ્ય ઓછું આંકી દઈએ. તેમનો પર્ફેક્ટ લુક જોઈને આપણે આપણી સુંદરતાને ઓછી આંકી દઈએ. તેમના કૉન્ફિડન્સને જોઈને આપણે એમ સમજી લઈએ કે આપણને તો કંઈ આવડતું જ નથી એટલે આપણે સતત તેમનું જીવન જોઈ, તેમની સાથે સરખામણી કરીને આપણો જ આત્મવિશ્વાસ ઓછો કરી દઈએ છીએ. આપણે એટલું જ જોઈએ છીએ જે એ લોકો આપણને દેખાડે છે, પણ એ નથી જોઈ શકતા કે કૅમેરા પાછળ જઈને તેમણે કેટલો મેકઅપ કર્યો છે, કેટલા રીટેક કર્યા છે, તેમણે કેટલી મહેનત કરી છે.
સિક્કાની બીજી બાજુ
લોકોને એ નથી દેખાતું કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સે કઈ રીતે આ બધી વસ્તુની ઇમોશનલ કૉસ્ટ ચૂકવવી પડે છે. મોટા ભાગના કન્ટેન્ટ ક્રીએટર્સ લાઇક્સ, કમેન્ટ, ફૉલોઅર્સ મેળવવાના પ્રેશરમાં રહેતા હોય છે. બીજા કન્ટેન્ટ ક્રીએટર્સ સાથે તેમની સતત રેસ ચાલુ હોય છે. આ રેસમાં તેમને સફળતા પણ મળે અને નિષ્ફળતા પણ મળે. આ ગૅમ્બલિંગ જેવું છે જે તેમને સોશ્યલ મીડિયાની જાળમાં ફસાવી રાખે. સોશ્યલ મીડિયા પર પોતાનું અસ્તિત્વ અને દબદબો જાળવી રાખવાનું કામ ખૂબ જ તનાવપૂર્ણ હોય છે. સોશ્યલ મીડિયા પર મળતા પ્રતિસાદને આધારે તેઓ તેમનું મૂલ્ય આંકે છે. લાઇક્સ, કમેન્ટ્સ, ફૉલોઅર્સ મળતા રહે ત્યાં સુધી તેમને મોટિવેશન મળતું રહે, રિવૉર્ડ મળ્યો હોય એવું ફીલ થાય, પોતાની જાત પર વધુપડતો આત્મવિશ્વાસ આવી જાય. એની વિપરીત જ્યારે તેમને રિસ્પૉન્સ મળતો બંધ થઈ જાય એટલે તરત ડીમોટિવેટેડ ફીલ કરવા લાગે, તેમને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ ન રહે. ઘણા લોકો એવા હોય જેમની કોઈ રીલ એટલી વાઇરલ થઈ જાય કે રાતોરાત સફળતા મળી જાય. એટલે તેઓ એમ સમજવા લાગે કે તેઓ કંઈક છે. પણ આવી સફળતા ક્ષણભર માટે હોય છે. એટલે જ્યારે તેમને લોકો ભૂલી જાય ત્યારે તેમને પોતાના અસ્તિત્વને લઈને સવાલો થવા લાગે છે.
કૉન્ફિડન્સમાં નિર્ભરતા
લોકો પાસેથી વૅલિડેશન એટલે કે સહમતી મેળવતા રહેવું એ માનવીય સ્વભાવ છે. એક સમય એવો હતો કે ક્યાંય બહાર જવા માટે આપણે રેડી થયા હોઈએ ત્યારે અરીસામાં જોઈએ અને મમ્મી-પપ્પાને એક વાર પૂછી લઈએ એટલે કૉન્ફિડન્સ આવી જાય અને પછી બહાર નીકળી જઈએ. હવે એમાં વચ્ચે એક સ્ટેપ આવી ગયું છે કે સેલ્ફી લઈને ઑનલાઇન મૂકીએ. એટલે હવે મારો કૉન્ફિડન્સ એ વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે એ સેલ્ફીને કેટલા લાઇક્સ આવે છે. જનરલી આપણને બધી જ વસ્તુમાં વૅલિડેશન જોઈતું હોય જેથી આપણને ડિસિઝન લેવામાં થોડી સરળતા પડે અને પોતાના પર આત્મવિશ્વાસ પણ આવે. હવે સોશ્યલ મીડિયા પર આ વૅલિડેશન આપણને ઘણાબધા લોકો પાસેથી મળે છે અને એ પણ ઇન્સ્ટન્ટ મળે છે. સેલ્ફી અપલોડ કરો એટલે તરત લાઇક્સ આવવા માંડે, અટેન્શન મળવા લાગે જે યંગસ્ટર્સને ખૂબ આકર્ષિત કરે છે. એ લોકો એવું વિચારે છે કે મારે હવે કોઈને પૂછવાની જરૂર નથી. હું ફક્ત સોશ્યલ મીડિયા પર નાખી દઈશ અને મારું કામ થઈ જશે. જોકે એ લોકો એ નથી સમજી શકતા કે હવે તેઓ લાઇક્સ પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે. જે દિવસે તેમને કોઈ સેલ્ફી પર ઓછા લાઇક્સ મળશે એટલે તરત તેમનો કૉન્ફિડન્સ ડાઉન થઈ જશે.
ઈઝી અને કમ્ફર્ટેબલ મની
સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટને જેટલા લાઇક્સ અને વ્યુઝ મળ્યા હોય એના આધાર પર સોશ્યલ મીડિયા કંપનીઓ પૈસા આપતી હોય છે. એટલે એ પૈસા કમાવાનો પણ એક સારો અને સુવિધાજનક રસ્તો છે. ઉપરથી આ કામ એવું છે કે બધા જ બધું કરી શકે છે. એમાં ઉંમર, લોકેશન, જેન્ડર સાથે કોઈ લેવાદેવા નથી. એટલે વધુમાં વધુ લોકો એના તરફ આકર્ષાય છે. જોકે આની જે નકારાત્મક બાજુ છે એ લોકો જોઈ જ નથી રહ્યા. આપણી નોકરી કે કામધંધો હોય એનો એક ફિક્સ ટાઇમ હોય, જેમાં આપણે આપણું કામ પતાવીને બાકીનો સમય ફૅમિલી અને આપણા માટે હોય. જોકે કન્ટેન્ટ ક્રીએશનનું કામ એવું છે જે કોઈ દિવસ ખતમ જ થવાનું નથી. ખરું કામ કન્ટેન્ટ બનાવીને અપલોડ કરી દીધા પછી જ શરૂ થાય છે. આ કન્ટેન્ટને કેટલાક વ્યુ મળ્યા? આને વધુ લોકો જુએ એટલા માટે શું કરું? નેક્સ્ટ કન્ટેન્ટ શેના પર બનાવું? તો આ બધા વિચારો ચોવીસ કલાક તેમના મગજમાં ઘુમરાયા જ કરતા હોય. એટલે એક રીતે એ તેમના મગજને સતત એક પ્રકારના મેન્ટલ પ્રેશરમાં રાખી દે છે. સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ ક્રીએટર્સની કોઈ કમી નથી, પણ એમાંથી કમાણી કેટલા લોકોને થઈ રહી છે એ પણ વિચારવાની વાત છે.
રિયલ કનેક્શન ડિસકનેક્ટ
સોશ્યલ મીડિયા કઈ રીતે રિલેશનશિપ્સ પર અસર પાડી રહ્યું છે, લોકોને ભાવવિહીન બનાવી રહ્યું છે. કોઈ પણ વસ્તુની અતિ થઈ જાય એટલે એનું ખરાબ પરિણામ જ આવતું હોય છે. હવે જે કન્ટેન્ટ ક્રીએટર્સ હોય છે તેમનો માઇન્ડસેટ જ એવો થઈ જાય કે તેમને બધી જગ્યાએ કન્ટેન્ટ જ દેખાતી હોય છે. ફૅમિલીમાં પણ કંઈ થાય તો તેમનું મગજ એ રીતે ચાલે કે આમાંથી હું રીલ કેવી રીતે બનાવું? એટલે આ વસ્તુ તેમને લાગણીહીન બનાવી રહી છે. આ વસ્તુ કન્ટેન્ટ કન્ઝ્યુમરને પણ એટલી જ લાગુ પડે છે. એ લોકો સોશ્યલ મીડિયાના એટલા ઍડિક્ટ થઈ ગયા છે કે તેઓ તેમના રિયલ વર્લ્ડથી દૂર થઈ રહ્યા છે. શું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે એ જાણવાના ચક્કરમાં અને હું બીજા લોકોથી પાછળ ન રહી જાઉં એ ડરથી તેઓ સોશ્યલ મીડિયા પર કલાકો પસાર કરી રહ્યા છે. આજે કોઈ એવી દુર્ઘટના પણ બની હોય તો મદદ કરવા કોઈ નહીં જાય, બધા જ કૅમેરા ચાલુ કરીને શૂટ કરવામાં લાગી જશે કારણ કે તેમને એમ હોય કે બધાથી પહેલાં હું જણાવી દઉં, અટેન્શન મેળવી લઉં.
માઇન્ડસેટ બદલી રહી છે
સોશ્યલ મીડિયાનું ઍલ્ગોરિધમ એવી રીતે કામ કરે છે કે આપણે જે વસ્તુ લાઇક કરીએ એવા જ પ્રકારની બીજી રીલ એ આપણી ફીડમાં દેખાડ્યા કરે. જેમ કે તમે કોઈ પૉલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતા હો અને એની રીલ તમારી ફીડમાં આવે અને તમે એને લાઇક કરો તો આગળ બધી જ એ રિલેટેડ રીલ્સ જ ઇન્સ્ટાગ્રામ દેખાડશે. એટલે ધીમે-ધીમે તમને એમ લાગવા માંડે કે હું જે વિચારું છું એ જ સાચું છે. એવામાં ઘણી વાર જો કોઈ તમારા મત સાથે સહમત ન થાય તો એનો સ્વીકાર તમે કરી શકતા નથી. એટલે સોશ્યલ મીડિયા આપણા માઇન્ડસેટને રિસ્ટ્રિક્ટ કરી રહ્યું છે. એને કારણે દુનિયાને નવી દૃષ્ટિથી જોવાની આપણી ક્ષમતા વિકસિત જ થઈ શકતી નથી. આપણી માનસિકતા જડ થઈ જાય છે, જેની અસર અંગત અને વ્યવહારિક જીવનમાં પણ દેખાવાની શરૂ થઈ જાય છે.
તમને ખબર છે?
ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા પ્રમોટ કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ્સ સુધી પહોંચવામાં બાવન ટકા ટીનેજર્સ પ્રેશર અનુભવે છે એવું એક અભ્યાસ કહે છે. ૬૩ ટકા લોકો તેમના જીવનની સરખામણી ઇન્ફ્લુઅન્સર્સ સાથે કરીને પોતાની જાતને ઊતરતી કક્ષાની સમજે છે.
એક અભ્યાસ મુજબ દિવસમાં પાંચ કલાકથી વધુ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સનો વપરાશ કરનાર ઇન્ફ્લુઅન્સર્સમાં નકારાત્મક ભાવનાઓ આવવાનું પ્રમાણ વધુ હોય છે.
એક રિપોર્ટ મુજબ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ ૩૪ ટકા ટીનેજ ગર્લ્સને પોતાના જીવનને લઈને ખરાબ ફીલ કરાવે છે, જ્યારે ૨૦ ટકા ટીન બૉય્ઝ પણ એવું માને છે.
એક સ્ટડી મુજબ ૬૦ ટકા ટીનેજર્સ રાત્રે બેડ પર સૂતા પછી પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા રહે છે, પરિણામે તેમને રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનનો યુઝ ન કરતા ટીનેજર્સની સરખામણીમાં એક કલાક ઓછી ઊંઘ મળે છે.
આ જાળમાંથી કેમ કરીને નીકળવું?
સોશ્યલ મીડિયા યુવાનોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે એટલે સંપૂર્ણપણે એની જાળમાંથી બહાર નીકળવું અશક્ય છે, પણ આપણે સાવચેત રહીને એનો ઉપયોગ કરીએ જેથી ઍડિક્શન ન થાય એનું ધ્યાન રાખવાનું આપણા હાથમાં છે. જો તમે કન્ટેન્ટ ક્રીએટર છો તો તમારે મગજમાં એ વાત બેસાડી દેવી પડશે કે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અલગ છે. આપણને ખબર છે કે હું કોઈ પોસ્ટ મૂકીશ તો એમાં કમેન્ટ કરવા માટે જાતજાતના લોકો આવશે. બધા જ સારી કમેન્ટ કરશે એ જરૂરી નથી. એટલે એવી કોઈ નેગેટિવ કમેન્ટ આવે તો એને દિલ પર લેવાની જરૂર નથી. તમારે માઇન્ડને એ પ્રમાણે ટ્રેઇન કરવું પડશે કે લોકોની જે નેગેટિવ કમેન્ટ આવે છે એ મારા માટે નથી આવતી, મારી જે થૉટ પ્રોસેસ છે એને લઈને આવે છે. તમારી કોઈ પોસ્ટ એવી હોય જેના પર નેગેટિવ કમેન્ટ આવી શકે એની તમને પહેલેથી જ ખબર હોય તો સોશ્યલ મીડિયા પર એવી સુવિધા છે જ કે તમે કમેન્ટ ઑફ કરી દો એટલે કોઈ કમેન્ટ કરી જ ન શકે. એ સિવાય તમને લાગતું હોય અમુક ચોક્કસ લોકો છે જે તમારી દરેક પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ કે ટ્રોલિંગ કરે છે તો તેમને તમે બ્લૉક કરી શકો. એવી જ રીતે જે લોકો આખો દિવસ સોશ્યલ મીડિયા પાછળ સમય વેડફે છે તેમને પણ માઇન્ડફુલ રહેતાં શીખવું પડશે. આપણે જે પણ એક ચીજ વધુપડતી એટલા માટે કરતા હોઈએ કે એ આપણી કોઈ એક ઇમોશનલ નીડ છે એને સૅટિસ્ફાઇ કરવાનું કામ કરે છે. એ નીડને બીજી કોઈ ઍક્ટિવિટીથી રિપ્લેસ કરી દેવામાં આવે તો આપોઆપ ચેન્જ આવી જશે. ઉદાહરણ તરીકે તમે બહુ બોર થઈ રહ્યા છો અને એટલે સોશ્યલ મીડિયા પર સમય પસાર કરતા હો તો તમારે એની જગ્યાએ બીજી કોઈ એવી ઍક્ટિવિટી કરવા પર ધ્યાન રાખવું જોઈએ જે તમને ગમે છે. સોશ્યલ મીડિયા પર કેટલો સમય પસાર કરો છો એની સાથે કેવી કન્ટેન્ટ જોઈ રહ્યા છો એનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે કારણ કે એ પણ આપણા મૂડ, દિમાગ પર અસર કરતા હોય છે. સોશ્યલ મીડિયા પર એવાં ફીચર પણ છે જેમાં તમે એક ડેઇલી ટાઇમ લિમિટ સેટ કરી શકો. નોટિફિકેશન્સ બંધ રાખો જેથી વારંવાર તમારું ધ્યાન મોબાઇલ તરફ ન જાય.
મારી પાસે એવી એક ફીમેલ ઇન્ફ્લુઅન્સર પણ આવેલી જેને ઍન્ગ્ઝાયટી પ્રૉબ્લેમ થઈ ગયેલો. નેગેટિવ કમેન્ટ્સ અને ઑનલાઇન ટ્રોલિંગથી તે ખૂબ જ સ્ટ્રેસમાં આવી ગઈ હતી. સવારે ઊઠીને ઇન્સ્ટાગ્રામ ખોલી જોવામાં પણ ડર લાગે કે ખબર નહીં કોની શું નેગેટિવ કમેન્ટ હશે. સમજો કે આ બધાની ઇમોશનલ કૉસ્ટ ચૂકવવી પડતી હોય છે.
- નિરાલી ભાટિયા, સાઇબર સાઇકોલૉજિસ્ટ

