ઍસિડિટીને કારણે વ્યક્તિને જે ખાટા ઓડકાર આવે છે તેને ઍસિડ રિફલક્સ કહેવાય છે એટલે કે ઍસિડનું મોઢામાં આવવું. જોકે આ એક કારણ નથી કે ઍસિડ મોઢામાં આવી જાય
					
					
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજકાલ ઍસિડિટી દરેક વ્યક્તિને થતો નૉર્મલ પ્રૉબ્લેમ બની ગયો છે. આપણી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, બહારનું ખાવા-પીવાનું વગેરેને કારણે આપનું પાચનતંત્ર બગડે છે અને વ્યક્તિને ગૅસ અને ઍસિડિટીના પ્રૉબ્લેમ થાય છે. આ ઍસિડિટીને કારણે વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય, ખાટા ઓડકાર આવે, પેટમાં કે છાતીમાં બળતરા થાય વગેરે પ્રૉબ્લેમ્સ નડી શકે પરંતુ એને કારણે દાંત પણ ઘસાઈ જતા હોય છે. ઊલટું આજકાલ તો મોઢામાં ઍસિડ અટૅક દાંત ઘસાઈ જવાનું મુખ્ય કારણ હોય છે.
ઍસિડિટીને કારણે વ્યક્તિને જે ખાટા ઓડકાર આવે છે તેને ઍસિડ રિફલક્સ કહેવાય છે એટલે કે ઍસિડનું મોઢામાં આવવું. જોકે આ એક કારણ નથી કે ઍસિડ મોઢામાં આવી જાય. બહારથી આપણે જે ઍસિડિક ખોરાક ખાઈએ છીએ જેમ કે કોલા ડ્રિન્ક્સ કે ઠંડાં પીણાં વગેરે એ પણ મોઢામાં ઍસિડ ફેલાવે છે. આમ તો કુદરતી રીતે આપણા બધાના દાંત પર પ્રોટેક્ટિટીવ લેયર, જેને આપણે ઇનૅમલ કહીએ છીએ એ હોય છે. ઍસિડ અટૅકથી ઇનૅમલ ઘસાય છે જેને આપણે દાંત ઘસાઈ ગયા એમ કહીએ છીએ. જો દાંત પર ઍસિડ અટૅક ચાલુ જ રહ્યો તો લાંબા ગાળે એવું પણ થાય કે દાંત ખવાતા જાય.
ADVERTISEMENT
એનો પહેલો ઇલાજ તો એ જ છે કે જો તમને ઍસિડિટી રહેતી હોય તો એને જડથી દૂર કરવાની કોશિશ કરો. ખાનપાન અને લાઇફસ્ટાઇલ સુધારો. આ સિવાય જેમાં વિનેગર નાખવામાં આવ્યા હોય, કોલા ડ્રિન્ક્સ, પૅક્ડ જૂસ, અથાણાં કે કોઈ પણ પ્રિઝર્વેટિવ્ઝવાળી વસ્તુઓમાં ઍસિડ હોય છે. આવા કોઈ પણ પ્રકારના ઍસિડિક ખાદ્ય પદાર્થો કે પીણાંથી દૂર રહો. જો સાવ ખાવાનું બંધ ન કરી શકો તો મોઢામાં રાખીને વધુ સમય ચાવવા કે ચગળવાને બદલે જલદીથી ગળે ઉતારી જવા જોઈએ જેથી દાંત સાથે એનો સંપર્ક ઓછો થાય. જો કોલા ડ્રિન્ક્સ કે બીજા પૅક્ડ જૂસ ન છોડી શકો તો જ્યારે પણ પીઓ ત્યારે સ્ટ્રૉનો ઉપયોગ કરો. સ્ટ્રૉને કારણે પીણાં દાંતના સંપર્કમાં ઓછાં આવે છે અને સીધાં ગળે ઉતારી શકાય છે. જો ઍસિડિક ખાદ્ય પદાર્થ કે પીણાં લો તો તરત જ કોગળા કરી લેવા જેથી ઍસિડની અસરને થોડી ઘટાડી શકાય. જો તમને ઍસિડિટીની તકલીફ સતત રહેતી હોય તો એનો ઇલાજ કરાવવો ખૂબ જરૂરી છે. સાથે-સાથે ઍસિડિટી ન રહે એ માટે લાઇફસ્ટાઇલમાં જરૂરી બદલાવ લાવવો પણ ખૂબ જરૂરી છે, જેના કારણે ઍસિડિટીનો પ્રૉબ્લેમ વારંવાર ન થાય. જો તમને દાંતમાં ઝણઝણાટી થતી હોય, દાંત પહેલાં કરતાં અલગ રંગના કે પીળાશ પડતા દેખાતા હોય કે સતત ઍસિડિટીનો પ્રૉબ્લેમ રહેતો જ હોય તો તાત્કાલિક દાંતના નિષ્ણાતને બતાવો. એ સિવાય પણ દર ૬ મહિને એક વખત દાંતનું ચેકઅપ કરાવતા રહો.
		        	
		         
        

