આજની મૉડર્ન મહિલાઓ ઘર-પરિવાર તેમ જ નોકરીની જવાબદારીમાંથી થોડો બ્રેક લઈને મેનોપૉઝની સમસ્યા પર ધ્યાન આપી શકે, એને કઈ રીતે મૅનેજ કરવું એ સમજી શકે તેમ જ પોતાની જાતની માવજત કરી શકે એ ખાસ ઉદ્દેશ સાથે મેનોપૉઝ રિટ્રીટ પ્રોગ્રામ્સ શરૂ થયા છે.
પ્રતીકાત્મક તસવીર
આજની મૉડર્ન મહિલાઓ ઘર-પરિવાર તેમ જ નોકરીની જવાબદારીમાંથી થોડો બ્રેક લઈને મેનોપૉઝની સમસ્યા પર ધ્યાન આપી શકે, એને કઈ રીતે મૅનેજ કરવું એ સમજી શકે તેમ જ પોતાની જાતની માવજત કરી શકે એ ખાસ ઉદ્દેશ સાથે મેનોપૉઝ રિટ્રીટ પ્રોગ્રામ્સ શરૂ થયા છે. મેનોપૉઝ રિટ્રીટ પ્રોગ્રામ્સમાં શું હોય છે, એમાં કઈ ઍક્ટિવિટી કરાવવામાં આવે, કઈ રીતે એ મેનોપૉઝનાં લક્ષણોને મૅનેજ કરવામાં મદદ.
સામાન્ય રીતે ૪૫થી ૫૫ વર્ષની ઉંમરે મહિલાઓમાં મેનોપૉઝ એટલે કે રજોનિવૃત્તિની સમસ્યા શરૂ થઈ જતી હોય છે. એને કારણે તેમના શરીરમાં અનેક બદલાવ થતા હોય છે જેની અસર તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આજની મૉડર્ન મહિલાઓ હવે મેનોપૉઝને લઈને બોલતી થઈ છે, પોતાની તકલીફો શૅર કરતી થઈ છે અને મદદ માગતી થઈ છે. સોશ્યલ મીડિયાની પણ આમાં મોટી ભૂમિકા છે. મહિલાઓની આ ખાસ જરૂરિયાતને ધ્યાનમાં લઈને મેનોપૉઝ રિટ્રીટ જેવા વેલનેસ પ્રોગ્રામ્સ શરૂ થયા છે.
મેનોપૉઝ રિટ્રીટ શું છે?
મેનોપૉઝની સમસ્યામાંથી પસાર થઈ રહેલી મહિલાઓ માટેનો આ એક વેલનેસ પ્રોગ્રામ છે. એટલે કે જે મહિલાઓ મેનોપૉઝને કારણે શારીરિક, માનસિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરી રહી હોય એમાંથી તેમને રાહત આપવાનો છે. અનેક વેલનેસ સેન્ટર્સ અને સ્પા તરફથી ખાસ મેનોપૉઝ રિટ્રીટ પ્રોગ્રામ ઑફર કરવામાં આવતા હોય છે. આમાં યોગ, મેડિટેશન, મસાજ, ડાયટ, થેરપી, કાઉન્સેલિંગના માધ્યમથી તેમને મેનોપૉઝને કારણે થતી તકલીફમાંથી રાહત આપવાનું કામ થાય છે. દરેક સેન્ટરના પોતાની રીતે ડિઝાઇન કરેલા પ્રોગ્રામ્સ હોય છે એટલે એમાં જે ઍક્ટિવિટીઝ કરાવવામાં આવે કે થેરપી આપવામાં આવે એ અલગ હોય છે. આવાં સેન્ટર્સમાં ડૉક્ટર્સ, નર્સ અને અન્ય હેલ્થકૅર પ્રોફેશનલ્સની ટીમ હોય છે જે વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપવાનું કામ કરે છે. સાથે જ મેનોપૉઝ સંબંધિત જાણકારી અને એનાં લક્ષણોને કઈ રીતે મૅનેજ કરી શકાય એને લઈને એજ્યુકેશનલ વર્કશૉપ લેવામાં આવે છે. એવી જ રીતે રિટ્રીટના માધ્યમથી મેનોપૉઝની સમસ્યા સામે ઝઝૂમી રહેલી મહિલાઓ એકબીજાના સંપર્કમાં આવે છે અને પોતાના અનુભવો શૅર કરીને એકબીજાને સપોર્ટ આપવાનું કામ કરે છે. સામાન્ય રીતે આ પ્રોગ્રામ્સ સાતથી ૧૪ દિવસ સુધીના હોય છે. મહિલાઓએ તેમનાં સેન્ટર્સમાં રોકાવાનું હોય છે. અહીં તેમની વિશેષ કાળજી રાખવામાં આવતી હોય છે.
આ વિશે વધુ માહિતી આપતાં સુજોક થેરપી અને હોલિસ્ટિક હીલિંગ સ્પેશ્યલિસ્ટ એવા મોનિશા’સ મંત્રનાં ફાઉન્ડર મોનિશા રાવત કહે છે, ‘મેનોપૉઝના અલગ-અલગ સ્ટેજ હોય જેમ કે પ્રી-મેનોપૉઝ, મેનોપૉઝ અને પોસ્ટ-મેનોપૉઝ. મેનોપૉઝલ ટ્રાન્ઝિશન એટલે કે બદલાવનો આ સમયગાળો છે એ ચારથી સાત વર્ષ સુધી ચાલે છે. આ સમયગાળામાં શરીરમાં થતા બદલાવને કારણે તેમને મૂડ-સ્વિંગ્સ થાય, વજન વધે, એનર્જી ન રહે, ઊંઘ ન આવે. આ બધી સમસ્યામાં કુદરતી રીતે એટલે કે યોગ, ડાયટ અને બીજી થેરપીના માધ્યમથી રાહત પહોંચાડવાનું કામ અમે અમારા હોલિસ્ટિક મેનોપૉઝ રિટ્રીટમાં કરીએ છીએ. અમે તેમને યોગ, પ્રાણાયામ, મેડિટેશન, નેચર-ટ્રેઇલ કરાવીએ. સાથે જ તેમને સમજાવીએ કે કયા યોગ કરવાથી શરીરને કઈ રીતે ફાયદો થાય, મેડિટેશનથી કઈ રીતે મન શાંત થાય. સાથે જ અમે કોરિયન સુજોક થેરપી કરાવીએ. આ થેરપીમાં કોઈ પણ જાતની મેડિસિનના ઉપયોગ વગર હાથ-પગના ચોક્કસ પૉઇન્ટ્સ દબાવીને કઈ રીતે હીલ થઈ શકાય એ શીખવાડીએ એટલું જ નહીં, સ્પેશ્યલ ડાયટ ડિઝાઇન કરીને આપીએ. ખાસ માઇન્ડ-પ્રોગ્રામિંગ શીખવાડીએ જેમાં વિચારોને કઈ રીતે સકારાત્મક દિશામાં લઈ જવા એ શીખવાડીએ. સાથે જ અમે અનેક ફન-ઍક્ટિવિટી કરાવીએ. અમારા આ પ્રોગ્રામના માધ્યમથી અમે તેમને શીખવાડીએ કે મેનોપૉઝ એટલે જીવનનો અંત નથી, તમારા જીવનની આ બીજી ઇનિંગ્સ છે. આગળ જઈને તેમણે કઈ રીતે હેલ્ધી લાઇફ મેઇન્ટેન કરવી જોઈએ એ શીખવાડીએ. એ બધી જ વસ્તુનું અમે તેમને માર્ગદર્શન આપીએ છીએ. આવા પ્રોગ્રામ્સ મહિલાઓને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે હીલ થવાનો સમય આપે છે.’
ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?
અગાઉની જનરેશનમાં પણ મહિલાઓને મેનોપૉઝ વખતે અનેક શારીરિક અને માનસિક તકલીફો થતી. એને લઈને કોઈ બોલતું નહોતું. થવાનું હતું એ થઈ ગયું, પતી ગયું એવું તેમનું વલણ હતું. જોકે આજની જનરેશન એવું નથી વિચારતી. મેનોપૉઝની સમસ્યાને લઈને હવે મહિલાઓ બોલતી થઈ છે. પોતાના અનુભવો શૅર કરતી થઈ છે. મદદ માગતી થઈ છે. અગાઉ ફક્ત મેનોપૉઝની વાતો મહિલાઓ ડૉક્ટર સાથે શૅર કરતી, હવે એવું નથી. સોશ્યલ મીડિયા પર ખુલ્લી રીતે એની વાતો થાય છે. એટલે લોકોમાં આને લઈને અવેરનેસ વધી છે. બીજી બાજુ વેલનેસ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ પણ થઈ રહ્યો છે. એવામાં વેલનેસ રિસૉર્ટ્સ મેનોપૉઝનો સામનો કરી રહેલી મહિલાઓ માટે વિશેષ પ્રોગ્રામ્સ ડિઝાઇન કરી રહ્યા છે. મહિલાઓ ત્યાં જઈને સેલ્ફ-કૅર લઈ રહી છે. પોતાનો એક્સ્પીરિયન્સ બીજી મહિલાઓ સાથે શૅર કરી રહી છે. સોશ્યલ મીડિયા પર એની ચર્ચાઓ થઈ રહી છે એટલે વધુમાં વધુ મહિલાઓને ખબર પડી રહી છે. આ રીતે મેનોપૉઝ રિટ્રીટનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
મેનોપૉઝ રિટ્રીટ કામ કરે?
મેનોપૉઝ રિટ્રીટ પ્રોગ્રામ ખરેખર કામ કરે છે કે નહીં એ વિશે માહિતી આપતાં ૩૦ વર્ષનો અનુભવ ધરાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘મેનાપૉઝમાં મહિલાઓને જલદી ગુસ્સો આવી જાય. બ્રેઇન-ફૉગ થઈ જાય એટલે કે કોઈ વસ્તુ લેવા ફ્રિજ ખોલ્યું હોય તો ભુલાઈ જાય કે કઈ વસ્તુ લેવાની છે કે પછી સામે કોઈ વ્યક્તિ ઊભી છે જેને તમે ઓળખો છો પણ તેનું નામ યાદ નથી આવી રહ્યું. કોઈ કંઈ કહે તો વાત-વાતમાં ખોટું લાગી જાય. હૉટ ફ્લશિસ આવે એટલે કે અચાનકથી એટલીબધી ગરમી લાગવા લાગે કે AC રૂમમાં બેઠા હોઈએ તો પણ પરસેવો છૂટી જાય. થાક બહુ લાગે. માંસપેશીઓ અને સાંધામાં દુખાવો થાય. સ્કિન ડ્રાય થઈ જાય, વજાઇનલ ડ્રાયનેસની સમસ્યા થઈ જાય એટલે સંભોગ કરતી વખતે સમસ્યા થાય. દરેક મહિલાને અલગ-અલગ સમસ્યા થતી હોય છે. એની તીવ્રતા પણ ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. એટલે એની સારવાર પણ અલગ-અલગ હોય. અમુક મહિલાઓને હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપીથી, અમુકને વિટામિન્સની ગોળીઓથી તો અમુકને કાઉન્સેલિંગથી ફાયદો થતો હોય છે. કોઈ એવી વસ્તુ નથી જે આપણે કરીએ અને એનાથી ૧૦૦ ટકા ફાયદો થાય. એવામાં કોઈ મહિલાએ કોઈ ટ્રીટમેન્ટ ટ્રાય કરી હોય અને તેને ફાયદો થયો હોય તો તે બીજી મહિલાઓને એ વસ્તુની ભલામણ કરે. મેનોપૉઝ રિટ્રીટનું પણ કંઈક એવું જ છે. ઘણાને ફાયદો થઈ જાય અને ઘણાને ન પણ થાય.’
આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. ધૃપ્તિ દેઢિયા કહે છે, ‘એસ્ટ્રોજન આપણાં પ્રજનન તંત્ર, હાડકાંઓ, ત્વચા, મૂડ, કૉગ્નિટિવ ફંક્શનને સપોર્ટ કરવાનું કામ કરે છે. મેનોપૉઝમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય છે. એટલે પછી આ બધી સંબંધિત સમસ્યા શરૂ થઈ જાય છે. આપણી જીવનશૈલીમાં બદલાવ કરીને આપણે મેનોપૉઝનાં લક્ષણોને મૅનેજ કરી શકીએ. આપણાં હાડકાં અને માંસપેશીઓ નબળાં પડતાં જાય છે. એટલે યોગ, એક્સરસાઇઝ કરવાં ખૂબ જરૂરી છે. તમને એ ન ગમતું હોય તો તમે સાઇક્લિંગ, જૉગિંગ, સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ, ટેનિસ રમવું વગેરે કરી શકો. એવી જ રીતે મેડિટેશન કરવું પણ જરૂરી છે. મેડિટેશનમાં પણ મંત્રજાપ કરીને કોઈ એવી જગ્યા, યાદો, વ્યક્તિને ઇમૅજિન કરીને તમારા શ્વાસ પર ફોકસ કરીને મેડિટેશન કરી શકો. મેનોપૉઝમાં રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થતી હોય છે. તેમના માટે મેડિટેશન ખૂબ કામની વસ્તુ છે. સાથે જ સંતુલિત આહાર લેવો જરૂરી છે. આપણા ભારતીય આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ તો આરામથી મળી જાય છે, પણ પ્રોટીન એટલું મળતું નથી. એટલે પ્રોટીનનું પ્રમાણ વધુ હોય એવા ફૂડનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. ભરપૂર પ્રમાણમાં લીલી શાકભાજી ખાવી જોઈએ જેથી શરીરમાં આયર્નનું સ્તર જળવાઈ રહે. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. મેનોપૉઝ રિટ્રીટ સેન્ટરમાં આ જ વસ્તુ પર ફોકસ કરાવવામાં આવે છે. મહિલાઓને
મસાજ-થેરપી આપવામાં આવે છે. એને કારણે મસલ્સ રિલૅક્સ થાય, સ્ટ્રેસ ઓછું થાય, ઊંઘ સારી આવે. એટલે એક રીતે જોવા જઈએ તો મેનોપૉઝ રિટ્રીટ સેન્ટર સારું કામ કરે છે.’કરી શકે, એ કેટલા અસરકારક છે એ તમામ પાસાંઓ પર ચર્ચા કરીએ.
અહીં ખાસ એ વસ્તુ નોંધવા જેવી છે કે મેનોપૉઝ રિટ્રીટ પ્રોગ્રામ પ્રમાણમાં થોડા મોંઘા હોય છે. તમે જે પ્રોગ્રામ પસંદ કર્યો છે એમાં કેટલા દિવસનો સ્ટે છે, કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે એ બધા પર એનો ખર્ચ નિર્ભર છે. લક્ઝરી રિટ્રીટ હોય તો ખર્ચ લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે.

