કુપોષણ સાથે સીધી રીતે જોડાયેલો આ કોઈ નવો રોગ નથી, પરંતુ એનું નામ હમણાં આપવામાં આવ્યું છે અને એને ગંભીરતાથી લેવાની પહેલ પણ હવે શરૂ થઈ છે
પ્રતીકાત્મક તસવીર
હાલમાં બૅન્ગકૉકમાં યોજાયેલી વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ ડાયાબિટીઝમાં ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશન દ્વારા ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ નામના ડાયાબિટીઝની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી હતી. નિષ્ણાતોના કહેવા મુજબ આ સત્તાવાર જાહેરાતમાં ભારતીય ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોનું પ્રદાન ઘણું છે. કુપોષણ સાથે સીધી રીતે જોડાયેલો આ કોઈ નવો રોગ નથી, પરંતુ એનું નામ હમણાં આપવામાં આવ્યું છે અને એને ગંભીરતાથી લેવાની પહેલ પણ હવે શરૂ થઈ છે
૧૦ કરોડથી વધુ લોકોને ભારતમાં ડાયાબિટીઝ છે. એટલે જ ભારતને ડાયાબિટીઝ કૅપિટલ માનવામાં આવે છે. ટાઇપ ટૂ ડાયાબિટીઝ અને ટાઇપ વન ડાયાબિટીઝ જેવા પ્રકારો વિશે આપણે અવગત છીએ. જોકે હાલમાં બૅન્ગકૉકમાં યોજાયેલી વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ ડાયાબિટીઝમાં ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશન દ્વારા ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ નામના ડાયાબિટીઝની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી હતી. ૧૯૬૦માં એની નોંધ પહેલી વાર લેવામાં આવેલી. એ પછી હવે ફરી વખત એના પર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. એક ગ્લોબલ ટાસ્ક ફોર્સ ઘડવામાં આવી છે જેના દ્વારા આ રોગ વિશે અધ્યયન કરવામાં આવશે. એ અંતર્ગત આ રોગ કઈ રીતે શરીરમાં જન્મી રહ્યો છે એ બાબતથી લઈને એને રોકવા માટે શું-શું કરી શકાય એ બાબતો પર કામ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આંકડાઓ મુજબ અઢીથી ત્રણ કરોડ લોકોને દુનિયામાં આ રોગ છે. આ રોગ શું છે? કોને થાય? એ બધા વિશે મેડિકલ લિટરેચરમાં પણ ગાઇડલાઇન્સ હવે નોંધાશે. છતાં આ રોગ વિશેની મૂળભૂત સમજ મેળવવાનો પ્રયાસ આપણે કરીએ.
ADVERTISEMENT
શું છે આ રોગ?
ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ છે શું? આ પ્રશ્નનો જવાબ આપતાં અંધેરીનાં એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. તન્વી પટેલ કહે છે, ‘જે વ્યક્તિ કુપોષણનો શિકાર હોય તેને થતો ડાયાબિટીઝ એટલે ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ. ડાયાબિટીઝમાં વ્યક્તિની શુગર વધે છે એ મૂળભૂત માહિતી તો બધાને જ ખબર છે, પરંતુ એ વધવા પાછળનાં કારણોમાં જ્યારે મુખ્ય કારણ કુપોષણ હોય ત્યારે એ ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ બને છે. આ પરિસ્થિતિ ગરીબ દેશોમાં વધુ જોવા મળે છે એ સમજી શકાય એવી બાબત છે. આ રોગ સાઉથ એશિયાના દેશો અને આફ્રિકાના દેશોમાં વધુ જોવા મળતો રોગ છે કારણ કે આ દેશોમાં કુપોષણનાં શિકાર બાળકો ઘણા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આપણા દેશમાં સ્ત્રીઓમાં પણ કુપોષણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે ત્યારે જે સ્ત્રી ખુદ કુપોષિત છે તે જે બાળકને જન્મ આપે છે તેના કુપોષિત હોવાની શક્યતા ઘણી વધારે છે. એટલે આ બાળકોમાં આ રોગ થવાનું રિસ્ક પણ વધુ છે.’
ભારતનું પ્રદાન
શું આ કોઈ નવો રોગ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં બોરીવલી અને ગોરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આ રોગ નવો નથી, એનું નામ નવું છે. એક સમયે આ રોગ જમૈકામાં જોવા મળેલો એટલે એને ટાઇપ J ડાયાબિટીઝ પણ કહેવામાં આવેલો. ભારતીય ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ આ બાબતે ઘણા લેખ લખ્યા છે, ઘણી વાર વર્લ્ડ ફેડરેશનનું ધ્યાન આ તરફ દોર્યું છે જે છેક હવે તેમના ધ્યાનમાં આવ્યું છે. એની પાછળ પણ ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો ફાળો હું માનું છું. અહીંના ડૉક્ટરોને પણ આ પરિસ્થિતિ ઘણાં વર્ષોથી ખબર જ છે. જે વ્યક્તિઓ કુપોષણનો શિકાર છે તેમનામાં ડાયાબિટીઝનાં ચિહનો અહીંના ડૉક્ટરો દ્વારા જોવા મળ્યાં જ છે.’
કુપોષણ શું કરે?
કુપોષણ કઈ રીતે વ્યક્તિને ડાયાબિટીઝ તરફ લઈ જાય છે? એ પરિસ્થિતિ સમજાવતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘કુપોષણને કારણે બાળકોનો સર્વાંગી વિકાસ થતો નથી એટલે કે બાળક જન્મે પછી તેને પૂરતું પોષણ મળે તો તેનાં અંગ વિકાસ પામે; પરંતુ કુપોષણને કારણે જ્યારે પૅન્ક્રિયાસ અવિકસિત રહી જાય, ખાસ કરીને તેના બીટા સેલ્સ વ્યવસ્થિત કામ ન કરે એને કારણે પૅન્ક્રિયાસનું જે મુખ્ય કામ છે એ કાર્ય થાય નહીં, જે છે ઇન્સ્યુલિનનું નિર્માણ કરવાનું કાર્ય. આ દરદીઓમાં પૅન્ક્રિયાસ ઇન્સ્યુલિન બનાવે તો છે પરંતુ ઓછી માત્રામાં બનાવે છે એટલે કદાચ એક ઉંમર સુધી વાંધો નથી આવતો, પરંતુ થોડી ઉંમર વધે અને શરીરને વધુ ઇન્સ્યુલિનની જરૂર પડે ત્યારે એ ઓછા ઇન્સ્યુલિનથી કામ ચાલતું નથી. એટલે લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે અને આ પરિસ્થિતિ લાંબો સમય ટકે તો ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ આવી ગયો છે એમ કહી શકાય.’
જાડાને નહીં, દૂબળાને
ડાયાબિટીઝ મેદસ્વી લોકોને થતી બીમારી છે એવું માનવામાં આવે છે કારણ કે ટાઇપ ટૂ ડાયાબિટીઝ થવાનાં કારણોમાંનું એક કારણ ઓબેસિટી ગણવામાં આવે છે, પરંતુ ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ એવો છે જે દુર્બળ લોકોને થાય છે. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘જે વ્યક્તિ દુર્બળ છે, જેનું શરીર નબળું છે, જેનો બૉડી માસ ઇન્ડેક્સ ૧૮.૫થી પણ ઓછો હોય તેને આ રોગ થાય છે. એટલે એક રીતે એ ટાઇપ ટૂથી તદ્દન વિપરીત પરિસ્થિતિ થઈ ગણાય. જે પ્રી-ટર્મ બેબીઝ છે, જેમનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું હતું અને પછી પાછળથી પણ વધી શક્યું નથી તેમને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. જોકે અહીં સમજવાનું એ છે કે દરેક કુપોષિત બાળકને આ રોગ થતો નથી. ટાઇપ ટૂ ડાયાબિટીઝ જેટલો આ રોગ વ્યાપક પણ નથી.’
બીજા ડાયાબિટીઝ કરતાં અલગ
ટાઇપ વન ડાયાબિટીઝ અને ટાઇપ ટૂ ડાયાબિટીઝ કરતાં આ પ્રકારનો ડાયાબિટીઝ કઈ રીતે અલગ પડે છે? એ બાબતે વાત કરતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘ટાઇપ ટૂ ડાયાબિટીઝ જિનેટિક હોય છે, પરંતુ ટાઇપ ફાઇવ જિનેટિક હોવાની શક્યતા ઘણી ઓછી છે કારણ કે કુપોષણને કારણે પૅન્ક્રિયાસનો વિકાસ ન થવાને લીધે આ ડાયાબિટીઝ આવતો હોય છે. ટાઇપ વન ડાયાબિટીઝ જે લગભગ જન્મથી જ આવતો ડાયાબિટીઝ છે એમાં શરીર ઇન્સ્યુલિનનું નિર્માણ કરતું જ નથી. જોકે ટાઇપ ફાઇવમાં એવું નથી કે ઇન્સ્યુલિન બનતું જ નથી. બને છે, પણ થોડી માત્રામાં બને છે જે પૂરતું પડતું નથી. આમ એ ટાઇપ વન અને ટાઇપ ટૂ કરતાં ઘણો જુદો છે.’
દવાઓનો ભેદ
આ સિવાયના ભેદ સમજાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ટાઇપ ટૂ ડાયાબિટીઝમાં કામ કરતી બે દવાઓ મેટફોર્મિન અને પાઓગ્લિટાઝોન ટાઇપ ફાઇવ પ્રકારના ડાયાબિટીઝમાં કામ લાગતી દવા નથી. જો ડૉક્ટર પાસે દરદી આવે અને તેનું નિદાન યોગ્ય ન થાય, ટાઇપ ફાઇવને ટાઇપ ટૂ સમજીને ડૉક્ટર દવા આપે તો થશે એવું કે તે દરદી પર આ દવાઓ કામ જ નહીં કરે. વળી ટાઇપ ટૂ ડાયાબિટીઝના દરદીઓ દવા સાથે આરામથી દસથી ૧૫ વર્ષ જીવી શકે છે. એ પછી તેમને ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે. જોકે ટાઇપ ફાઇવના દરદીઓ ૨-૩ વર્ષમાં જ ઇન્સ્યુલિન પર આવી જશે, કારણ કે સમય જતાં ફક્ત દવાઓ દ્વારા તેમનું મૅનેજમેન્ટ કવું અઘરું બની શકે છે.’
બચી શકાય?
કુપોષણ જ જો આ રોગનો કારક હોય છે તો શું આ રોગથી બચી શકાય? આ બાબતે માર્ગદર્શન આપતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘કુપોષણ ઘણા જુદા-જુદા રોગનું કારક છે. જો આપણે એને જડથી દૂર કરી શકીએ તો ચોક્કસ આ ડાયાબિટીઝથી બચી શકાય. જો કુપોષણ નહીં હોય તો દરદીના શરીરનો વિકાસ વ્યવસ્થિત થશે અને એને કારણે ટાઇપ ફાઇવ ડાયાબિટીઝ નહીં આવે. જો નવજાત બાળકને કે નાના બાળકને કુપોષણ છે તો તેનો ઇલાજ કરવાથી, તેને પૂરતું પોષણ આપવાથી શક્યતા છે કે તેનું પૅન્ક્રિયાસ વ્યવસ્થિત વિકાસ પામી શકે છે. એટલે જે પણ કરવું હોય એ એકદમ નાની ઉંમરમાં કરવું જરૂરી છે.’
આ બાબતે સ્પષ્ટતા કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘એક વખત વ્યક્તિના વિકાસનાં વર્ષો પતી ગયાં, તેનું પૅન્ક્રિયાસ અવિકસિત રહી ગયું હોય એ પછી કંઈ થઈ શકતું નથી. પછી એને પોષણ આપો તો પણ એ ફરીથી વિકાસ પામે એવું શક્ય નથી. આ પરિસ્થિતિમાં તો તમારે ઇલાજ જ કરવો પડે. પહેલાં દવા અને પછી ઇન્સ્યુલિન આપવું જ પડે.’

