આજે શ્રી દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાનું પ્રતિનિધિમંડળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BMCના કમિશનર ભૂષણ ગગરાણીને મળીને મંદિરનિર્માણ માટે રજૂઆત કરશે
કાટમાળ દૂર કરવામાં આવ્યા બાદ ગઈ કાલે ભગવાનને જૈન મંદિરમાં પધરાવવામાં આવ્યા હતા.
વિલે પાર્લે-ઈસ્ટમાં કાંબલીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૧૬ એપ્રિલે અચાનક તોડી પાડ્યું હતું. આ ઘટનાથી ચોંકી ઊઠેલા જૈન સમાજે શનિવારે એકતા અને આક્રમકતાનું જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ તોડકામનો આદેશ આપનારા BMCના અધિકારી નવનાથ ઘાડગેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને BMCના કમિશનરે તોડકામના સ્થળેથી કાટમાળને દૂર કરીને પૂજા કરવાની મંજૂરી આપી હતી. કાટમાળ દૂર થઈ ગયા બાદ ગઈ કાલે સવારના જૈન મંદિરની જગ્યામાં ભગવાનને પધરાવવામાં આવ્યા હતા અને સાધુભગવંતો સહિત શ્રાવકોએ પૂજા કરી હતી.
ADVERTISEMENT
શનિવારે સાંજે BMCની ટીમે તોડી પાડવામાં આવેલા બાંધકામનો કાટમાળ હટાવ્યો હતો ત્યારે એમાંથી ભગવાનની મૂર્તિઓ પણ નીકળી હતી. આ જોઈને જૈન સમાજમાં ફરી રોષ જોવા મળ્યો હતો.
શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માગણી મુજબ BMCએ શનિવારે સાંજે જૈન મંદિરના બાંધકામને તોડ્યા બાદ અહીં પડેલો કાટમાળ દૂર કર્યો હતો. અમે ભગવાનને મંદિરમાં પધરાવીને પૂજા કરી શકીએ એવી વ્યવસ્થા થઈ ગઈ છે એટલે સાધુભગવંતોની સાથે પૂજા, અભિષેક અને દર્શન કરવાની શરૂઆત કરી હતી. જૈન મંદિર ફરી શરૂ થઈ ગયું હોવાની જાણ થતાં અહીં કાયમ પૂજા-દર્શન કરવા માટે આવતા શ્રાવકો આવવા લાગ્યા છે.’
ગઈ કાલે સવારે સાધુભગવંત અને શ્રાવકોએ જૈન મંદિરમાં પૂજા અને અભિષેક કર્યાં હતાં.
જૈન શ્રાવકો ગદ્ગદ
શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાં કાયમ પૂજા-દર્શન કરવા આવતા શ્રાવકોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન મંદિરની બધી દીવાલો તોડી પાડવામાં આવી છે એને લીધે ભગવાનને ખુલ્લામાં રાખવા પડ્યા છે એનું દુઃખ છે. જેમણે પણ અમારું મંદિર તોડ્યું છે તેમને ક્યારેય માફ નહીં કરીએ. જ્યાં સુધી મંદિરનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ.’
દીવાલો તોડવા પર કોર્ટે સ્ટે મૂક્યો
જૈન મંદિરને બચાવવા માટે ટ્રસ્ટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. એના પર ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે કોર્ટ તોડકામ પર સ્ટે મૂકે એ પહેલાં જ મંદિરને BMCની ટીમે સવારના આઠ વાગ્યે તોડી નાખવાની શરૂઆત કરી હતી. આ કાર્યવાહી બાદ જૈન મંદિરમાં હવે બે દીવાલ જ બાકી રહી છે. હાઈ કોર્ટે આ દીવાલને ન તોડવાનો આદેશ BMCને આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આજે તેઓ મુખ્ય પ્રધાન અને BMCના કમિશનરને મળશે
ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું હતું કે ‘અમારું મંદિર BMCએ તોડ્યું છે અને એ નવેસરથી BMC જ બાંધી આપે એવી અમારી માગણી છે. કાયદેસરના મંદિરને તોડવાનો કોઈને અધિકાર નથી. આમ છતાં કોઈની સુપારી લઈને મંદિર તોડવામાં આવ્યું છે. આ સંબંધે આજે શ્રી દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના અધ્યક્ષ જમનલાલ જૈન હપાવતની આગેવાનીનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BMCના કમિશનર ભૂષણ ગગરાણીને મળશે અને જૈન મંદિરને બાંધવા માટેની માગણી કરશે.’
આજે તેઓ મુખ્ય પ્રધાન અને BMCના કમિશનરને મળશે
ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું હતું કે ‘અમારું મંદિર BMCએ તોડ્યું છે અને એ નવેસરથી BMC જ બાંધી આપે એવી અમારી માગણી છે. કાયદેસરના મંદિરને તોડવાનો કોઈને અધિકાર નથી. આમ છતાં કોઈની સુપારી લઈને મંદિર તોડવામાં આવ્યું છે. આ સંબંધે આજે શ્રી દિગમ્બર જૈન ગ્લોબલ મહાસભાના અધ્યક્ષ જમનલાલ જૈન હપાવતની આગેવાનીનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BMCના કમિશનર ભૂષણ ગગરાણીને મળશે અને જૈન મંદિરને બાંધવા માટેની માગણી કરશે.’

