Sulagna Chaterjee: "એક દિવસ હું પણ એવા શૉ લખીશ, જેને લોકો હમેશાં યાદ રાખે" ટેલિવિઝન જોઈને નાની ઉમરે સપનાનું બીજ વાવનાર સુલગ્ના ચેટર્જી આજે ભારતના જાણીતાં સ્ક્રીનરાઇટર્સમાંની એક છે. વાંચો આ યુવાન ક્વિયર લેખકની પ્રેરણાદાયી વાર્તા.
સુલગ્ના ચેટર્જી
"એક દિવસ હું પણ એવા શૉ લખીશ, જેને લોકો હમેશાં યાદ રાખે" ટેલિવિઝન જોઈને નાની ઉમરે સપનાનું બીજ વાવનાર સુલગ્ના ચેટર્જી આજે ભારતના જાણીતા સ્ક્રીનરાઇટર્સમાંની એક છે. ખાસ કરીને LGBTQIA+ આધારિત વાર્તાઓ માટે તેને ઓળખવામાં આવે છે. હાલમાં MTV પર રિલીઝ થયેલી `નિષેધ સિઝન 3` માટે તે હેડ રાઈટર તરીકે કામ કરી રહી છે. નિષેધના નવા ઍપિસોડસ પર વાત કરતાં સુલગ્નાએ ગુજરાતી મિડ-ડે સાથે LGBTQIA+,સમકાલીન સમાજ, સામાજિક સમસ્યાઓ જેવા વિષય પર પોતાનો મત આપ્યો હતો.
ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતાં સુલગ્નાએ કહ્યું કે, "2003માં હું મારી દાદી સાથે ટીવીમાં શૉ જોતી હતી. એક વખત એક શૉ ચાલતો હતો અને સ્ક્રીન પર આવ્યું - `Concept: Ekta Kapoor`. ત્યારે વિચાર આવ્યો કે હું પણ એવી વાર્તાઓ લખવા માગુ છું, જે વાર્તાઓ લોકો યાદ રાખે." જોકે સુલગ્નાએ પહેલા પીઆર (Public Relations), ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક ક્ષેત્રમાં કામ કર્યું હતું. પરંતુ 2017માં પ્રથમ વાર એક રાઈટિંગ કંપનીમાં એન્ટ્રી મળી અને ત્યાંથી તેની જર્ની શરૂ થઈ.
ADVERTISEMENT
જુહી ચતર્વેદી અને શુભ્રા ચેટર્જી મારી પ્રેરણા છે
સુલગ્નાએ જણાવ્યું હતું કે, "જુહી ચતર્વેદી મારી મનપસંદ લેખિકા છે. તેમની વાર્તાઓમાં દુઃખ, પ્રેમ, અસ્વીકાર જેવી માનવીય લાગણીઓ ખૂબ સરળતાથી રજૂ કરવામાં આવે છે." "શુભ્રા ચેટર્જી મારા માટે મેન્ટોર જેવા છે. 22 વર્ષની વયે જ્યારે મેં તેમને આસિસ્ટ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે મને ખૂબ માર્ગદર્શન આપ્યું અને મારો આત્મવિશ્વાસ પણ વધાર્યો.
સુલગ્નાએ ‘The Visit’ અને ‘Pehli Date’ નામની શોર્ટ ફિલ્મ લખી અને દિગ્દર્શિત કરી છે. "હવે મને લાગે છે કે માત્ર લખવાથી નહીં, પણ દિગ્દર્શનનું ટેકનિકલ નૉલેજ હોવું જરૂરી છે, જેમ કે એડિટિંગ, સાઉન્ડ ડિઝાઇન અને કેમેરા વર્ક. મને લાગે છે કે જ્યારે લેખકને આ બધાની સમજ હોય છે, ત્યારે તે વધુ સારો ડિરેક્ટર બની શકે છે", સુલગ્નાએ કહ્યું. "હું હમણાં એક શૉર્ટ ફિલ્મ પર કામ કરી રહી છું જેમાં સાઉન્ડ ડિઝાઇન ખુબ મહત્વપૂર્ણ છે. એટલે હવે હું પણ મારી સાઉન્ડ ડિઝાઇનર સાથે બેસીને કામ કરું છું. હું ડિરેક્ટર તરીકે પણ આગળ વધવા માગું છું, પણ તેના સાથે આ બધી સ્કિલ્સ હોવી પણ જરૂરી છે.
`ફક્ત પ્રતિનિધિત્વ જ મહત્વપૂર્ણ નથી, તે સાચું પણ હોવું જોઈએ`
"અમે ફક્ત ગે, લેસ્બિયન, બાય-સેક્સ્યુઅલ નથી, અમે બીજા બધાની જેમ લાગણીઓ ધરાવતા માણસો છીએ. કેટલીક હૉલિવુડ ફિલ્મોમાં પણ, પાત્રોને કોઈ ઊંડાણ વગર ફક્ત "ગે બેસ્ટ ફ્રેન્ડ્સ" તરીકે મૂકવામાં આવે છે. પ્રતિનિધિત્વ ફક્ત ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે વાર્તાઓ વાસ્તવિક લોકોના અનુભવો પર લખાય છે, પરીકથાઓ પર નહીં. પરંતુ આ પરિવર્તન લેખકો અને પ્રોડક્શન સ્ટુડિયોઝ બંનેએ સાથે લાવવું પડશે" સુલગ્નાએ કહ્યું. તેનું કહેવું છે કે ફક્ત ક્વિયર સંઘર્ષો જ નહીં, પણ વાસ્તવિક વાર્તાઓ અને ક્વિયર અનુભવોને સ્ક્રીન પર જીવંત કરવા મહત્વપૂર્ણ છે.
"મારું ક્વિયર હોવું મારા માટે અવરોધ ન બને"
સુલગ્ના કહે છે કે, ઘણા ક્વિયર સર્જકો ખુલીને લખી શકતા નથી કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમને માત્ર એક શ્રેણીમાં મૂકી દીધા છે. "મારા પેરેન્ટ્સે પણ એક દિવસ કહ્યું કે `ક્વિયર રાઈટર` નહીં પણ `રાઇટર હૂ ઈઝ ક્વિયર` (રાઇટર જે ક્વિયર છે) કહેજે. કારણ કે જો તું પોતાને ક્વિયર રાઈટર કહીશ તો લોકો માનશે કે તું ખાલી ક્વિયર સ્ટોરીઝ જ સારી લખી શકે છે, જે તારા વિકાસ માટે અવરોધ બની શકે છે" લેખન માત્ર વિચાર વ્યક્ત કરવાનો માધ્યમ નથી, પરંતુ આજના સમયમાં તે એક જવાબદારી બની ગયું છે. એવી જવાબદારી, જે વિચાર, રાજકારણ અને પ્રતિસાદ વચ્ચે સંતુલન રાખે. કહેવાય છે ને કે `વાણી અને પાણી ગાળી ને વાપરવા` - આ વિષય પર સુલગ્નાએ કહ્યું કે આજના યુગમાં કેન્સલ કલ્ચર એટલી હદ સુધી પહોંચી ગયું છે કે લેખકોને કોઈની લાગણી ન દુભાવાય તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આના લીધે હવે કોઈ લેખક ખૂલીને દિલથી સામાજિક સમસ્યાઓ વિશે લખી શકતો નથી.
આજની રોમેન્ટિક વાર્તાઓને પણ બદલવાની જરૂર છે
જ્યારે સુલગ્નાને હળવાશથી પૂછ્યું કે તે કઈ બૉલિવુડ લવ સ્ટોરીનો અંત ફરીથી તેની સ્ટાઇલમાં લખવા માગશે ત્યારે તેણે કહ્યું કે તે `કલ હો ના હો`નો અંત ફરીથી લખવા માગશે. "અમન અને નૈનાએ એકબીજાની જરૂર છે, પણ પ્રેમમાં નહીં, બંનેને મનોવિજ્ઞાની પાસેથી સારવાર લેવી જોઈએ હતી! હું તે ફિલ્મનું એન્ડીંગ ખૂબ સરળ લખત. હું ફિલ્મનો અંત એવો કરત કે બંને વાત કરે કે બનેનું જીવન બદલાયું છે તે સ્વીકારે, અને સંભવતઃ મિત્રો બની રહે, પ્રેમી નહીં."
લેખન, દિગ્દર્શન અને પ્રતિનિધિત્વના ક્ષેત્રમાં સુલગ્નાની સફર આજના યુવાનો માટે માત્ર પ્રેરણા નથી, પણ એક આહ્વાન છે કે, તમારી ઓળખ તમારા માર્ગનો અવરોધ નહીં, પરંતુ તમારી શક્તિ બની શકે છે.

