જો તમે વેઇટલૉસ જર્ની પર હશો તો એક્સરસાઇઝ કરતી વખતે તમને મનમાં એવો સવાલ તો થયો જ હશે કે શરીરની ચરબી ઓગળીને જાય છે ક્યાં? એટલે તમારા એ સવાલનો અહીં જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
આપણાં ખરાબ ખાનપાન અને અયોગ્ય જીવનશૈલીને કારણે નાનાથી લઈને મોટાઓ બધા જ સ્થૂળતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે હવે તો લોકોમાં જાગૃતિ આવી છે અને તેઓ પોતાની ફિટનેસનું ધ્યાન રાખતા થયા છે. એ માટે યોગ, ડાયટિંગ, જિમમાં જઈને પરસેવો પાડતા પણ થયા છે. શરીરમાં જામેલી ચરબીને ઓગાળતા થયા છે. એવામાં શું તમને ક્યારેય એવો સવાલ થયો છે કે આ ચરબી ઓગળીને જાય છે ક્યાં?
આ સવાલનો જવાબ જાણતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે શરીરમાં ચરબી જમા કઈ રીતે થાય છે? આપણા શરીરને જેટલી કૅલરીની જરૂર હોય એનાથી વધારે કૅલરીનું સેવન કરીએ ત્યારે જે વધારાની કૅલરી છે એ ચરબીના રૂપે શરીરમાં જમા થઈ જાય છે. આપણું બેઠાડુ જીવન હોય અને વધારે શારીરિક કામ કરવાનું ન હોય ત્યારે કૅલરી ઓછી વપરાય છે અને બાકીની જે વપરાયા વગરની કૅલરી છે એ ફૅટના રૂપે ચરબી કોશિકાઓમાં જમા થતી રહે છે. એને કારણે શરીરનો આકાર બદલાવા લાગે છે અને એ બેડોળ થઈ જાય છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. એટલે વધતા વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
વેઇટલૉસ માટે આપણે રોજિંદા જીવનમાં જેટલી કૅલરી વાપરતા હોઈએ એનાથી ઓછી કૅલરીનું સેવન કરવાનું હોય છે. દરેક વ્યક્તિની જીવનશૈલીના હિસાબે કૅલરીની જરૂરિયાત અલગ-અલગ હોય છે. જ્યારે આપણે ઓછી કૅલરીનું સેવન કરીએ છીએ અને વધુ શારીરિક ગતિવિધિ કરીએ તો શરીરને વધુ ઊર્જાની આવશ્યકતા હોય છે. આ સ્થિતિમાં શરીર ચરબી કોશિકાઓમાં સંગ્રહિત ફૅટને એનર્જીમાં પરિવર્તિત કરવા માટે એક મેટાબોલિક પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા ચાલતી રહે તો શરીરમાં જમા થયેલી ફૅટનો એનર્જીના રૂપે ઉપયોગ થતો રહે છે જેનાથી શરીરની ચરબી ઓછી થવા લાગે છે. ચરબી કોશિકાઓમાં રહેલી ફૅટ બર્ન થઈ જવાથી એ સંકોચાવા લાગે છે એને કારણે શરીર ફરી એના ઓરિજિનલ આકારમાં આવે છે.
એનર્જી બનાવવાની પ્રોસેસ દરમિયાન બે બાયપ્રોડક્ટ્સ રિલીઝ થાય છે. એક કાર્બનડાયૉક્સાઇડ અને બીજું પાણી. શ્વાસ લેતી વખતે કાર્બનડાયૉક્સાઇડ શરીરની બહાર નીકળી જાય છે. એવી જ રીતે મૂત્ર અને પરસેવાના માધ્યમથી પાણી પણ શરીરની બહાર આવે છે. એક્સરસાઇઝ કરતી વખતે આ બન્ને વસ્તુ વધુ ઝડપથી શરીરની બહાર નીકળે છે.

