એક સમય હતો જ્યારે લોકો ડિટૉક્સ અને ગ્લો માટે ABC જૂસ પીતા, પણ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હવે ABC અથાણું આવ્યું છે. આ અથાણું કઈ રીતે બનાવવું અને એને ખાવાથી કયા ફાયદા થાય છે એ ઝટપટ જાણી લો
આમળાં, ગાજર અને બીટમાંથી બનાવેલું જૂસ અને અથાણું
એક સમયે ABC એટલે કે ઍપલ, બીટ અને કૅરટ (ગાજર)નું જૂસ હેલ્થ-લવર્સના ફેવરિટ લિસ્ટમાં સામેલ હતું. એ મિરૅકલ ડ્રિન્ક ગણાતું, કારણ કે એ શરીરને ડિટૉક્સિફાય કરે છે અને સ્કિનને ગ્લો આપે છે. જોકે સેલિબ્રિટી મૅક્રોબાયોટિક કોચ ડૉ. શિલ્પા અરોરાનું માનવું છે કે આ જૂસ નૅચરલ શુગરથી ભરપૂર હોય છે, જે ઇન્સ્યુલિનનું લેવલ વધારી શકે છે. તેમણે સોશ્યલ મીડિયા પર ABC જૂસ પીવાને બદલે ABC અથાણું ખાવાની સલાહ આપી છે.
ડૉ. શિલ્પા અરોરાના જણાવ્યા અનુસાર આમળાં, બીટરૂટ અને ગાજરથી બનેલું આથાવાળું અથાણું ગટ-હેલ્થને સુધારવાનો સારો વિકલ્પ છે. તેમણે આ અથાણાને ગ્લો, એનર્જી અને હેલ્થનો ડેઇલી ડોઝ ગણાવ્યો છે.
ADVERTISEMENT
અથાણું બનાવવાની રીત
સૌથી પહેલાં આમળાં, ગાજર અને બીટને નાની-નાની પાતળી સ્લાઇસમાં કાપી લો. આ ત્રણેય વસ્તુને કાચની સૂકી બરણીમાં ભરી દો. એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. એ પછી કાચની બરણીને બંધ કરીને હલાવો જેથી મીઠું સરખી રીતે મિક્સ થઈ જાય. હવે વઘાર તૈયાર કરો. એ માટે એક નાની ચમચી સરસોંનું તેલ લો. એને ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી પીસેલી પીળી રાઈ નાખો. પછી લીલાં મરચાં નાખો. આ વઘારને અથાણામાં નાખી દો. એક ચમચી ધાણાજીરું અને વરિયાળીનો પાઉડર એમાં નાખો. ફરી બરણીને બંધ કરીને હલાવો જેથી બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય. આ બરણીને તમે ૩-૪ દિવસ માટે તડકામાં ફર્મેન્ટ થવા માટે મૂકી દો. તમારું અથાણું ખાવા માટે રેડી છે.
જાણી લો ફાયદા
ભોજનની થાળીમાં જો એક ચમચી ABC અથાણું હોય તો એનાથી શરીરને કઈ રીતે ફાયદા પહોંચી શકે છે એ વિશે ન્યુટ્રિશનિસ્ટ સકીના પાત્રાવાલા વિગતવાર માહિતી આપે છે.
ગટ-હેલ્થ સુધારે
ABC અથાણું ફર્મેન્ટેડ હોય છે. ફર્મેન્ટેશનથી બનનારા પ્રો-બાયોટિક્સ આપણાં આંતરડાંમાં ગુડ બૅક્ટેરિયાની સંખ્યા વધારે છે. આ બૅક્ટેરિયા ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓ જેમ કે ગૅસ, બ્લોટિંગ, કબજિયાત વગેરેને દૂર કરે છે. આપણી ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં જન્ક-ફૂડ, સ્ટ્રેસ, ઊંઘની કમી વગેરે કારણોસર આપણી ગટ-હેલ્થ અવારનવાર બગડી જતી હોય છે. ABC અથાણામાં હાજર નૅચરલ બૅક્ટેરિયા ગટ માઇક્રોબાયોમને બૅલૅન્સ કરે છે. હેલ્ધી ગટ માઇક્રોબાયોમનો સીધો સંબંધ આપણા મૂડ, ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ સાથે હોય છે.
ઇમ્યુનિટી બૂસ્ટ કરે
આમળાંને સૌથી તાકાતવર ઇમ્યુનિટી બૂસ્ટર માનવામાં આવે છે. એમાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. એને જ્યારે બીટરૂટ અને ગાજર સાથે ફર્મેન્ટ કરવામાં આવે ત્યારે એ કૉમ્બિનેશન શરીરને વાઇરસ, બૅક્ટેરિયા અને ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા આપે છે. ફર્મેન્ટેશનથી એમાં રહેલાં વિટામિન્સ અને એન્ઝાઇમ્સ વધારે બાયોઅવેલેબલ થઈ જાય છે એટલે કે શરીર એને સરળતાથી શોષી શકે છે. ઠંડીમાં શરીર સુસ્ત હોય છે અને ઇમ્યુનિટી નબળી પડી જાય છે. એવામાં ABC અથાણું એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. એમાં હાજર વિટામિન્સ, મિનરલ્સ અને નૅચરલ શુગર શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
ડીટૉક્સ કરે
બીટ, ગાજર અને આમળાં ત્રણેયમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. એ શરીરમાં જમા ટૉક્સિન્સને બહાર કાઢે છે અને લિવરને ક્લીન કરે છે. ખાસ કરીને બીટમાં બીટાલેન્સ નામનું પિગમેન્ટ હોય છે જે લિવરને ડીટૉક્સ કરવા માટે ઓળખાય છે. એવી જ રીતે લિવર જ્યારે સરખી રીતે કાર્ય કરે ત્યારે લોહીમાં રહેલાં હાનિકારક તત્ત્વો અસરકારક રીતે ફિલ્ટર થાય છે.
સ્કિન-હેર માટે
ABC અથાણામાં રહેલું આમળાંનું વિટામિન C, બીટનું બીટાલેન્સ અને ગાજરનું કૅરટિનોઇડ્સ ત્વચાને ગ્લો આપે છે અને વાળને મજબૂત બનાવે છે. આ કુદરતી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ સ્કિન-સેલ્સને ડિટૉક્સ કરીને એજિંગ ધીમું કરે છે. એની સાથે જ ગટ-હેલ્થ સુધારીને અંદરથી સ્કિન અને હેર-હેલ્થને બૂસ્ટ કરે છે.
બ્લડ-શુગર કન્ટ્રોલ
ABC જૂસમાં ફળ અને શાકભાજીઓનું નૅચરલ ફ્રક્ટોઝ વધારે પ્રમાણમાં હોય છે. આ જૂસ પીવાથી આ શુગર સીધી બ્લડમાં ચાલ્યું જાય છે, જેનાથી ઇન્સ્યુલિનનું લેવલ અચાનક વધી શકે છે. ABC અથાણામાં એવું નથી થતું, કારણ કે એમાં ફાઇબર અને ફર્મેન્ટેશન બન્ને છે. એ શુગરને ધીરે-ધીરે રિલીઝ કરે છે જેનાથી ગ્લુકોઝનું લેવલ સ્થિર રહે છે.
ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણો
આમળાં, ગાજર અને બીટરૂટ ત્રણેય
ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્ત્વોથી ભરપૂર હોય છે. એ શરીરમાં ઇન્ફ્લમેશન એટલે કે સોજો ઓછો કરે છે જેનાથી સાંધાનો દુખાવો, સ્કિન-ઍલર્જી અને ક્રોનિક થાકમાંથી રાહત મળે છે.
અથાણામાં ધાણા, જીરું, વરિયાળી, પીળી રાઈ અને સરસોંનું તેલ ઉમેરવાથી સ્વાદ સાથે આરોગ્યના અનેક ફાયદા મળે છે. ધાણા અને જીરું પાચન સુધારે છે અને શરીરમાંથી ટૉક્સિન્સ કાઢે છે. વરિયાળી શરીરને ઠંડક આપે છે અને ગૅસ, ઍસિડિટી દૂર કરે છે. પીળી રાઈ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી છે જે સાંધાના દુખાવા અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. સરસોંનું તેલ ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી ફૂડને લાંબો સમય ફ્રેશ રાખે છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે. આ બધું મળીને અથાણાને નૅચરલ ડિટૉક્સ અને હેલ્ધી પ્રો-બાયોટિક ફૂડ બનાવે છે.
ઘરનું અથાણું જ ખાવું
ઉપર જણાવેલા હેલ્થ-બેનિફિટ્સ તો જ થશે જ્યારે અથાણું ઘરે બનાવીને ખાવામાં આવે. ABC અથાણાની સૌથી સારી વાત જ એ છે કે એ ફર્મેન્ટેડ હોય છે. ફર્મેન્ટેશન દરમ્યાન નૅચરલ ગુડ બેક્ટેરિયા એટલે કે પ્રો-બાયોટિક્સ બને છે જે ગટ-હેલ્થને સુધારવાનું કામ કરે છે. માર્કેટમાં વેચાતાં અથાણાં વધુ પડતાં પ્રિઝર્વેટિવ્સ અને વિનેગરથી બનાવવામાં આવે છે જેથી એ લાંબા સમય સુધી ટકી રહે. એનાથી એમાં નૅચરલ પ્રો-બાયોટિક્સ ખતમ થઈ જાય છે અને અસલી ફાયદો નથી મળતો. એ સિવાય રેડીમેડ અથાણામાં વધુ પડતું તેલ, સોડિયમ અને વિનેગર હોય છે જે હેલ્થને ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડે છે.


