વેદિક મંત્રોચ્ચાર અને પૂજા કરીને થયું ભૂમિપૂજન : ૫૦૦૦ પોલીસ, ૪૦ પોલીસચોકીઓ અને ૧૭ ફાયર-સ્ટેશનો બનશે
ગઈ કાલે ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમ ક્ષેત્રમાં ત્રિવેણી માર્ગ પર પોલીસના અધિકારીઓ તેમ જ વિદ્વાન આચાર્યોએ વિધિવિધાનથી માઘ મેળાનું ભૂમિપૂજન કર્યું હતું.
૨૦૨૬ની શરૂઆત થતાં જ પ્રયાગરાજના સંગમતટ પર માઘ મેળો ભરાશે. એની તૈયારીઓ ગઈ કાલે શરૂ થઈ ગઈ હતી. શ્રી મઠ વાઘમ્બરી ગાદીના પીઠાધિશ્વર મહંત બલવીર ગિરિએ વેદિક મંત્રોચાર સાથે માઘ મેળાનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. ભૂમિપૂજનની સાથે પોલીસ વિભાગે પણ ધ્વજનું પૂજન કર્યું હતું. પોલીસ-કમિશનર જોગિંદરકુમારે કહ્યું હતું કે ‘આ વખતે માઘ મેળાની વ્યવસ્થા લગભગ ૮૦૦ હેક્ટરમાં ૭ સેક્ટરમાં વહેંચાયેલી હશે. ગયા માઘ મહિનાની તુલનામાં આ વખતે વધુ ભક્તોની ભીડ થવાની સંભાવના હોવાથી સુરક્ષા-વ્યવસ્થા કડક રાખવાની તૈયારીઓ થઈ ગઈ છે. ૧૭ અસ્થાયી થાણાં, ૪૦ પોલીસચોકીઓ, ૧૭ ફાયર-સ્ટેશન અને ૫૦૦૦થી વધુ પોલીસો અહીં તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ, ઇન્ટેલિજન્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય રહેશે.’


