લાલ કિલા મેટ્રો સ્ટેશન પાસે ચાલતી ગાડીમાં બ્લાસ્ટ: ૧૧ જણના જીવ ગયા, ૧૬ વ્યક્તિ ઘાયલ
કારનું પુલવામા કનેક્શન? જે i20 કારમાં બ્લાસ્ટ થયો એ ગુડગાંવના મોહમ્મદ સલમાનના નામે રજિસ્ટર્ડ હતી, પણ તેણે એ વેચી દીધી હતી અને એ અલગ-અલગ હાથોમાં થઈને છેલ્લે પુલવામાના તારિક પાસે પહોંચી હતી એવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
ઘટનાસ્થળે વિસ્ફોટક અવશેષોની હાજરી હોવાથી આતંકવાદી હુમલો હોવાની પુષ્ટિઃ ધડાકો એટલો મોટો હતો કે મેટ્રો સ્ટેશનના કાચ તૂટી ગયા, અનેક વાહનો સળગી ઊઠ્યાં : દેશભરમાં હાઈ અલર્ટ
જમ્મુ અને કાશ્મીર પોલીસે પોતાના રાજ્યમાં આતંકવાદી મૉડ્યુલનો પ્રર્દાફાશ કર્યો એના છેડા ફરીદાબાદમાં પણ નીકળ્યા, ત્યાંથી પણ મોટા પ્રમાણમાં શસ્ત્રો સાથે એક ડૉક્ટર પકડાયો; ફરીદાબાદના આ ટેરરિસ્ટનો જ દિલ્હી બ્લાસ્ટમાં હાથ હોવાની આશંકા
ADVERTISEMENT
દિલ્હીને હચમચાવી નાખનાર આતંકવાદી અટૅક પછી માત્ર ૧૦ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચીને અમિત શાહે કહ્યું... બહુ જલદી આ બ્લાસ્ટનું કારણ લોકોની સામે હશે

ગઈ કાલે બ્લાસ્ટ થયા પછી તરત જ ગૃહપ્રધાન અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સુરક્ષા એજન્સીઓને જરૂરી નિર્દેશ આપ્યા હતા.
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ-નંબર એક પાસે ગઈ કાલે સાંજે લગભગ ૬.૫૫ વાગ્યે એક ચાલતી કારમાં જોરદાર ધમાકો થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશનના કાચ પણ તૂટી ગયા હતા. વિસ્ફોટને નજરે જોનારા લોકોનું કહેવું હતું કે ધમાકાનો અવાજ એક-દોઢ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસમાં ઊભેલી પાંચથી ૬ કારમાં પણ આગ લાગી હતી. આ હુમલામાં કુલ ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૬ જણ ઘાયલ થયા હતા.
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ અને ફૉરેન્સિક ટીમે આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી અને બૉમ્બ-સ્ક્વૉડને તપાસમાં લગાવી દીધી હતી. પોલીસે કહ્યું હતું કે આ સામાન્ય બ્લાસ્ટ નહીં, આતંકી હુમલો છે. સુરક્ષા એજન્સીઓ હવે આતંકી મૉડ્યુલની ખૂટતી કડીઓ શોધવામાં લાગી છે. આ ધમાકામાં જે કાર વપરાઈ હતી એ હરિયાણાનું રજિસ્ટ્રેશન ધરાવતી i20 કાર હતી. ઘટનાસ્થળ પરથી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટકોના અવશેષ મળી આવ્યા હતા. એ પરથી પોલીસે પુષ્ટિ કરી હતી કે આ ધમાકો સુનિયોજિત આતંકવાદી હુમલો છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અરેસ્ટ કરી હતી અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે.

ઘટનાસ્થળની મુલાકાત પછી અમિત શાહે લોકનાયક જયપ્રકાશ હૉસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી.
અમિત શાહે મુલાકાત લીધી
ગઈ કાલે બ્લાસ્ટ થયા પછી ૧૦ જ મિનિટમાં ગૃહપ્રધાન અમિત શાહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘નૅશનલ સિક્યૉરિટી એજન્સીઓએ દરેક ઍન્ગલથી ઊંડી તપાસ શરૂ કરી દીધી છે અને આસપાસના તમામ CCTV કૅમેરાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. બહુ જલદી આ બ્લાસ્ટનું કારણ લોકોની સામે હશે.’ એ પછી અમિત શાહે નજીકની હૉસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલોની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરીને ઘટના સમયે શું થયું હતું એની ચર્ચા કરી હતી.
હાઈ અલર્ટ
દેશભરમાં આતંકવાદી હુમલા કરવાના ષડયંત્રમાં રચાયેલી ટોળકીઓ ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના ફરીદાબાદથી પકડાઈ છે ત્યારે દિલ્હીના આતંકી હુમલાને ગંભીરતાથી લઈને દિલ્હી ઉપરાંત મુંબઈ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
વડા પ્રધાને પીડિતો માટે દુઃખ વ્યક્ત કર્યું
લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ પર ઊંડું દુ:ખ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘દિલ્હીમાં આજે સાંજે થયેલા ધમાકાઓમાં જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો જલદી સાજા થાય એની કામના કરું છું. પ્રભાવિત લોકોને બનતી તમામ મદદ કરવામાં આવી રહી છે. ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.’
હરિયાણાના મોહમ્મદ સલમાન નામના માણસની i20 કાર
જે i20 કારમાં ધમાકો થયો હતો એ હરિયાણાના ગુડગાંવમાં મોહમ્મદ સલમાનના નામે રજિસ્ટર્ડ છે. મોહમ્મદ સલમાનનું કહેવું છે કે તેણે આ કાર વેચી દીધી હતી જે છેલ્લે પુલવામાના તારિક નામના માણસ પાસે હતી. કાર ચાલતી હતી ત્યારે એમાં બ્લાસ્ટ થયો હતો અને એમાં કેટલાક લોકો પણ બેઠેલા હતા.


