સ્મોકિંગને કારણે શરીરમાંનું લોહી જાડું થઈ જાય છે. એ જાડું થઈ જવાને કારણે ક્લૉટિંગ થવાનું રિસ્ક વધે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
હાર્ટ છે તો આપણું જીવન છે. એટલે જ હૃદયની હૃદયપૂર્વક સંભાળ રાખવી જરૂરી છે. આ સંભાળમાં આપણે શું કરવું એ સમજીએ એ પહેલાં આપણે શું ન કરવું જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. અમુક આદતોથી દૂર રહેવાથી પણ હાર્ટને નુકસાનથી બચાવી શકાય છે જેમાં સ્મોકિંગ અને આલ્કોહૉલ બન્ને મોખરે છે. વ્યક્તિ ઉપર જિનેટિક રિસ્ક હોય તો તેણે તો આ બન્ને વસ્તુથી દૂર જ રહેવું, કારણ કે સ્મોકિંગ અને આલ્કોહૉલની આ ખરાબ આદતો હૃદયરોગના રિસ્કને બેવડાવે છે.
સ્મોકિંગને કારણે શરીરમાંનું લોહી જાડું થઈ જાય છે. એ જાડું થઈ જવાને કારણે ક્લૉટિંગ થવાનું રિસ્ક વધે છે. એવું થાય ત્યારે હાર્ટ-અટૅક થવાનું રિસ્ક પણ વધે છે. સ્મોકિંગને કારણે શરીરમાં કાર્બન મૉનોક્સાઇડ (CO)નું પ્રમાણ વધી જાય છે, જેને કારણે શરીરમાં ઑક્સિજનના પ્રમાણ પર અસર થાય છે. હાર્ટમાં જ્યારે લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે ત્યારે ઑક્સિજનની જરૂર પડે છે. એ પૂરતા પ્રમાણમાં ન હોય તો હાર્ટને તકલીફ પડે છે અને એને કારણે પ્રૉબ્લેમનું રિસ્ક વધે છે. સિગારેટમાં રહેલા તમાકુના નિકોટીનને કારણે હૃદયના ધબકારા ઘણા વધી જાય છે. એટલે કે હાર્ટને વધુ વાર ધબકવા માટે વધુ લોહીની જરૂર પડે છે. હવે જે વ્યક્તિની લોહીની નળીઓ અસરગ્રસ્ત હોય તેમને હૃદય સુધી વધુ પ્રમાણમાં લોહી પહોંચાડવામાં તકલીફ થાય જ છે. જેમને સ્મોકિંગની આદત છે, જેમને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશર કે કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ છે તેમની લોહીની નળીઓ નબળી પડી ગઈ હોય છે અને એ હૃદય સુધી જલદીથી લોહી પહોંચાડી શકતી નથી. લોહી ઓછું પહોંચે અને ધબકારા વધી જાય તો પણ હૃદય ડૅમેજ થાય છે. આ રીતે સ્મોકિંગ હૃદયને અસર કરે છે. આમ જો તમને તમારા હાર્ટની ચિંતા હોય તો સ્મોકિંગ છોડવું અનિવાર્ય છે.
ઘણા આલ્કોહૉલ લેતા માણસોના મોઢે પણ આ સાંભળવા મળે છે કે આલ્કોહૉલ તો હેલ્ધી છે એટલે અમે લઈએ છીએ. હકીકત એ છે કે મેડિકલી એ સિદ્ધ થયું નથી. ઊલટું અમેરિકન હાર્ટ અસોસિએશન મુજબ જેમને હાર્ટ પ્રૉબ્લેમ્સ છે, જે લોકોને એક વખત અટૅક આવી ગયો છે, હાર્ટ ફેલ્યર જેવી ક્રિટિકલ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે અને બચી ગયા છે અથવા તો કાર્ડિયોમાયોપથી કે અનિયમિત ધબકારાની સમસ્યા ધરાવે છે તેમને આલ્કોહૉલ લેવાની બિલકુલ મનાઈ હોય છે, કારણ કે તેમના માટે આલ્કોહૉલ અતિ ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે. જો આલ્કોહૉલ હાર્ટ માટે હેલ્ધી નથી. ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ ધરાવતા લોકો માટે પણ એ હાનિકારક છે.
ADVERTISEMENT
- ડૉ. લેખા પાઠક