૩૦ ફાઇનલિસ્ટોની યાદી અગાઉ જ તૈયાર થઈ ગઈ છે અને જજને સ્પર્ધક સાથે અફેર છે એવા દાવા કરીને એક નિર્ણાયકે રાજીનામું આપ્યું
મનિકા વિશ્વકર્મા
થાઇલૅન્ડમાં યોજાઈ રહેલી ૭૪મી મિસ યુનિવર્સ સ્પર્ધા વિવાદમાં ફસાઈ છે. આ કાર્યક્રમ માટે સંગીત બનાવનાર જજ અને સંગીતકાર ઓમર હાર્ફુચે બૅન્ગકૉકમાં ફાઇનલના ત્રણ દિવસ પહેલાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્પર્ધકોએ પ્રારંભિક રાઉન્ડમાં ભાગ લીધો એ પહેલાં જ ‘ગુપ્ત સમિતિ’એ ટોચની ૩૦ ફાઇનલિસ્ટની પસંદગી કરી દીધી હતી. તેમણે ગોટાળાનો અને જ્યુરીના સભ્યનું એક સ્પર્ધક સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો છે.
૭૪મી મિસ યુનિવર્સ સ્પર્ધાની ફિનાલે પહેલાં જ સ્પર્ધાની નિષ્પક્ષતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જ્યુરી-પૅનલના બે અગ્રણી જજોએ રાજીનામાં આપી દીધાં છે. આ જજમાંથી એક ઓમર હાર્ફુચે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા એક વિડિયોમાં છેતરપિંડી અને હિતોના સંઘર્ષના સનસનાટીભર્યા દાવા પણ કર્યા છે.
ADVERTISEMENT
બીજી તરફ બીજા જજ ક્લાઉડ મૅકેલેલેએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના જજિંગ પૅનલમાંથી રાજીનામું આપી દીધું છે. ફ્રેન્ચ ફુટબૉલ મૅનેજર અને ભૂતપૂર્વ પ્રોફેસર ક્લાઉડ મૅકેલેલેએ વ્યક્તિગત કારણોસર કાર્યક્રમમાં હાજરી આપવા માટે અસમર્થ હોવાની જાહેરાત કરતી એક પોસ્ટમાં ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ મિસ યુનિવર્સના સશક્તીકરણ, વિવિધતા અને શ્રેષ્ઠતાનાં મૂલ્યોનો આદર કરે છે.
મિસ યુનિવર્સમાં ભારતની મનિકા વિશ્વકર્માએ નૅશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં બૌદ્ધ ધર્મથી પ્રેરિત ડ્રેસ પહેર્યો
થાઇલૅન્ડમાં ચાલી રહેલી ૭૪મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ફાઇનલ રાઉન્ડ પહેલાંના નૅશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં ભારતની સ્પર્ધક મનિકા વિશ્વકર્માએ બૌદ્ધ ધર્મથી પ્રેરિત ડ્રેસ પહેરીને લોકોનાં મન મોહી લીધાં હતાં. મનિકા વિશ્વકર્માએ સોનેરી અને કેસરિયા રંગનો પોશાક પહેર્યો હતો અને સાથે-સાથે માથા પર ભારે મુગટ પણ પહેર્યો હતો. તેની પીઠ પર ધર્મ ચક્રનું સિમ્બૉલ લગાવેલું હતું. મનિકા ભારતમાં બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધના એ સમયને દર્શાવી રહી હતી જ્યારે બોધગયામાં બોધિ વૃક્ષ નીચે રાજકુમાર સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેમણે દુનિયાના લોકોને સાચા અને સત્યના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો હતો. આ પોશાક એ ક્ષણને શ્રદ્ધાંજલિ આપતો હતો. આ પોશાકની રચના બૌદ્ધ મઠોને શણગારતાં સુવર્ણ શિખરો અને સ્તૂપોથી પ્રેરણા લે છે.
સ્પર્ધક સાથે અફેર હોવાનો આરોપ
ઓમર હાર્ફુચે પોતાના ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં સીધો આરોપ લગાવ્યો હતો કે ‘બિનસત્તાવાર નિર્ણાયક પૅનલમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમના મિસ યુનિવર્સ સ્પર્ધકો સાથે અંગત સંબંધો છે. એમાં મતગણતરી અને પરિણામ-વ્યવસ્થાપન માટે જવાબદાર લોકોનો પણ સમાવેશ થાય છે. આવા અંગત સંબંધો સ્પર્ધામાં હિતોનો સંઘર્ષ પેદા કરી શકે છે.’


