RCF કમ્પાઉન્ડમાં પાણીની ક્વૉલિટી ચેક કરતી વખતે ભૂલમાં CNGની પાઇપલાઇનમાં ડ્રિલિંગ થઈ ગયું
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓને રવિવાર બપોરથી કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ની પાઇપલાઇમાં ડૅમેજ થવાથી સપ્લાય ઘટી જતાં ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી જે મંગળવાર રાત સુધી ચાલુ રહી હતી. મહાનગર ગૅસ લિમિટેડ દ્વારા ૭૦૦ એન્જિનિયરની ટીમ બનાવીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને આખરે મંગળવારે સાંજે એ કામ પૂરું થયા બાદ ધીમે-ધીમે પ્રેશર વધારીને ગૅસની સપ્લાય પૂર્વવત્ કરવામાં આવી હતી. મુંબઈગરાઓએ આ મુશ્કેલી શા માટે વેઠવી પડી એનું ચોંકાવનારું કારણ એ જાણવા મળ્યું હતું કે રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)ના કમ્પાઉન્ડમાં અન્ડરગ્રાઉન્ડ વૉટરનું રૂટીન ચેક કરવા ડ્રિલ મશીનથી ડ્રિલિંગ કરતી વખતે ભૂલથી ગૅસની પાઇપલાઇન ડૅમેજ થઈ ગઈ હતી એટલે ગૅસની સપ્લાય રોકી દેવી પડી હતી.
આ બાબતે જાણવા મળ્યા મુજબ RCF દ્વારા સમયાંતરે અન્ડરગ્રાઉન્ડ વૉટરની ક્વૉલિટી ચેક કરવામાં આવતી હોય છે. એ ચેક કરવા જમીનમાં ડ્રિલ કરીને પાણીનું સૅમ્પલ લેવામાં આવતું હોય છે. કમ્પાઉન્ડમાંથી ગૅસની પાઇપલાઇન પાસ થાય છે એની જાણ હોવા છતાં રવિવારે એ રૂટીન ચેકિંગ દરમ્યાન જમીનની દસ ફુટ નીચે નાખવામાં આવેલી ગૅસની પાઇપલાઇનમાં ડ્રિલિંગ થઈ જતાં આ સમસ્યા સર્જાઈ હતી. વળી એ ડ્રિલિંગ એટલે ઊંડે સુધી કરવામાં આવ્યું હતું કે ગૅસની પાઇપલાઇનમાં બહુ મોટું ડૅમેજ થઈ ગયું હતું.
સમારકામ બહુ જ ચોકસાઈ અને સેફ્ટી જાળવીને કરવાનું હતું
ADVERTISEMENT
ગૅસની પાઇપલાઇનમાં મોટું ડૅમેજ થયું હોવાને કારણે એનું સમારકામ કરવું એ પણ ચૅલેન્જ હતી. ગૅસની પાઇપલાઇનને થયેલું નુકસાન એટલું મોટું હતું કે એનો તૂટેલો પોર્શન પૅચ (થીગડું) મારીને પૅક કરી શકાય એમ નહોતો. પાઇપલાઇનનો એટલો હિસ્સો જ બદલવો પડે એમ હતો. એથી એટલી નવી પાઇપ જ ત્યાં બેસાડવાની હતી. એ પોર્શનની બન્ને બાજુના પાઇપમાં ઓછા પ્રેશર સાથેનો ગૅસ મોજૂદ હોય ત્યારે એમાં વેલ્ડિંગ કરવું બહુ જોખમી હતું અને ચોકસાઈ સાથે સેફ્ટી જાળવીને કામ કરવું પડે એમ હતું. એથી ૭૦૦ જેટલા એન્જિનિયરોને કામ પર લગાડીને પૂરતી ચોકસાઈ અને સેફ્ટી સાથે એ કામ પાર પાડવામાં આવ્યું હતું. આમ મુંબઈગરા પોતાને પડેલી તકલીફને લીધે ક્રોધિત થઈ રહ્યા હતા ત્યારે એન્જિનયરોએ સતત કામ કરીને એ ભગીરથ કાર્ય પૂરું કર્યું હતું.


