Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કેમ પુરુષો કરતાં વધુ સ્ત્રીઓ ઑલ્ઝાઇમર્સનો ભોગ બને છે?

કેમ પુરુષો કરતાં વધુ સ્ત્રીઓ ઑલ્ઝાઇમર્સનો ભોગ બને છે?

21 September, 2021 05:07 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

વિજ્ઞાન કહે છે કે સ્ત્રીઓમાં ઑલ્ઝાઇમર્સ ડિસીઝ વધુ જોવા મળે છે વળી, આ રોગ સ્ત્રીઓમાં વધુ ઝડપથી વિકાસ પામે છે. આજે જાણીએ કે સ્ત્રીઓમાં આ રોગ થવાનાં કારણો અને એનાથી બચવાના ઉપાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૬૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં બ્રેસ્ટ કૅન્સરના રિસ્ક કરતાં ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું રિસ્ક બમણું હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રેસ્ટ કૅન્સરનો ઇલાજ છે, એનાથી બચી શકાય છે પરંતુ ઑલ્ઝાઇમર્સથી બચી શકાતું નથી એટલે આ બાબતે જાગૃતિ વધુ જરૂરી છે. દુનિયામાં લગભગ ઑલ્ઝાઇમર્સ ડિસીઝના દરદીઓમાં ૬૬ ટકા સ્ત્રીઓ છે. આમ દર એક પુરુષે બે સ્ત્રીઓ ઑલ્ઝાઇમર્સ ડિસીઝથી પીડિત છે.

ઉંમર  |  ઑલ્ઝાઇમર્સ રોગનું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર ઉંમર માનવામાં આવે છે. વ્યક્તિની ઉંમર વધવાની સાથે મગજમાં આવતા અમુક પ્રકારના બદલાવને કારણે ઑલ્ઝાઇમર્સ થાય છે. એક અરસા સુધી એવું માનવામાં આવતું હતું કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ જીવે છે અને તેમનું લાંબું જીવન જ ઑલ્ઝાઇમર્સ માટે કારણભૂત હોઈ શકે છે. જોકે ઘણાં નવાં રિસર્ચ જણાવે છે કે ઑલ્ઝાઇમર્સ સ્ત્રીઓને વધુ થવા પાછળ બીજાં કારણો પણ છે.



મેનોપૉઝ  |  જર્નલ ન્યુરોલૉજીમાં છપાયેલા લેટેસ્ટ રિસર્ચ અનુસાર ઑલ્ઝાઇમર્સ ડિસીઝ સંબંધિત મગજના ફેરફાર સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ જોવા મળે છે. આ રિસર્ચમાં ૧૨૫ વ્યક્તિઓના મગજનો સ્કૅન કરતાં જણાયું હતું કે સ્ત્રીઓમાં બીટા એમીલોયડ વધુ હોય છે, ગ્લુકોઝ મેટાબોલિઝમ ઓછું હોય છે અને ગ્રે અને સફેદ મૅટર વૉલ્યુમ પણ ઘણું ઓછું હોય છે. મગજના એ અમુક ફેરફાર છે જે તમને ભવિષ્યમાં ઑલ્ઝાઇમર્સ તરફ ધકેલે છે. આ ફેરફારો સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ જોવા મળ્યા હતા. આ રિસર્ચના સંશોધકો એવા તારણ પર પણ પહોંચ્યા હતા કે સ્ત્રીઓમાં મેનોપૉઝ એ એક એવું સ્ટેજ છે જેમાં ઘણા હૉર્મોનલ બદલાવ આવે છે, જેને કારણે મગજમાં અમુક પ્રકારના ફેરફાર થઈ જતા હોય છે. પુરુષોમાં આવા કોઈ પડાવ આવતા નથી. જોકે દરેક સ્ત્રીમાં આવા ફેરફારો થતા નથી. પરંતુ મેનોપૉઝ એ પોતાનામાં એક મોટું રિસ્ક ફૅક્ટર ગણી શકાય એવું આ સંશોધકો માને છે.


સામાજિક કારણો  |  પહેલાંના સમયમાં સમાજમાં સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછું ભણવા દેવામાં આવતી હતી. આજે પણ ઘણી જગ્યાએ આ કુરિવાજો જોવા મળે છે. ઑલ્ઝાઇમર્સથી બચવા માટે બ્રેઇનને સતત કાર્યરત રાખવાથી ફાયદો થતો જોવા મળે છે. જે સ્ત્રીને ભણવા દેવામાં ન આવે તેનું મગજ જેને ભણાવી હોય એ સ્ત્રી કરતાં ઓછું કામ લાગ્યું હશે એમ માની શકાય. એટલે પણ એ સમયથી સ્ત્રીઓ પર આ રિસ્ક વધુ હોવાની શક્યતા છે. આ ઉપરાંત સ્ટ્રેસ પણ છે જે ઑલ્ઝાઇમર્સ માટે કારણભૂત હોઈ શકે છે. વર્ષોથી સ્ત્રીઓ ઘરનું, બાળકોનું અને કામનું સ્ટ્રેસ ઉઠાવે છે એને કારણે પણ તેમનામાં આ રોગનું રિસ્ક વધુ હોઈ શકે છે.

આ સમસ્યાથી બચવા શું કરવું એ જાણો નિષ્ણાત પાસેથી


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ પાસેથી જાણીએ ઑલ્ઝાઇમર્સથી બચવા માટે શું કરવું જોઈએ.

- દરેક છોકરીએ ખૂબ ભણવું. ભણવાથી મગજનો ઉપયોગ વધુ થાય છે અને તે સ્ટ્રૉન્ગ બને છે.

- મગજને સતત પઝલ્સ, ક્રૉસવર્ડ, માઇન્ડ ગેમ્સ વગેરે સાથે કસતા રહેવું. મગજના કોષો વધુ શાર્પ બને છે. વળી દર ૬ મહિને તેને બદલાવતા રહેવી જેથી મગજને નવી ચૅલેન્જ આપતા રહો.

- દર વર્ષે નવી ભાષા શીખો.

- ઉંમર થઈ ગઈ એટલે હવે કોઈ રચનાત્મક પ્રવૃત્તિઓ જેમ કે ડાન્સ, ગાયન, કોઈ વાજિંત્ર શીખવું વગેરે નહીં થઈ શકે એવી ગ્રંથિ કાઢી નાખો.

- જીવનમાંથી રસ ક્યારેય ગાયબ ન થવા દો. કશુંક સતત નવું અને રસપ્રદ શોધ્યા કરો અને શીખતા રહો. શોખીન બનો. 

- દરરોજ ઓછામાં ઓછી ૨૦ મિનિટ શરીરને થકવી નાખે એવી કસરતો કરવી. ખાસ કરીને કાર્ડિયો એક્સરસાઈઝ જેમ કે બ્રિસ્ક વૉકિંગ, જૉગિંગ, સાઇક્લિંગથી ફાયદો થશે.

- તમારાં બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ વગેરે કન્ટ્રોલમાં રાખવાં.

- આલ્કોહૉલ અને સ્મોકિંગથી દૂર રહેવું.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 05:07 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK