Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હિમાલય જેવા મજબૂત અને અડગ બનવું છે?

હિમાલય જેવા મજબૂત અને અડગ બનવું છે?

22 April, 2024 12:16 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આપણે ત્યાં પ્રાચીન સમયમાં ગાયનું ગોબર અને માટીના મિશ્રણનું ઘરની સ્ત્રીઓ જે લીંપણ કરતી અને એ જ ઘરમાં રહેવાની પરંપરા હતી એનો સીધો જ સંબંધ પૃથ્વી તત્ત્વના સંતુલન સાથે હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તો શરીરમાં રહેલા પૃથ્વી તત્ત્વને સંતુલિત કરો. આપણો આકાર, શારીરિક અને માનસિક બંધારણ તથા એની સ્વસ્થતામાં અર્થ એલિમેન્ટ એટલે કે પૃથ્વી તત્ત્વનો અકલ્પનીય હિસ્સો રહેલો છે. આજે વર્લ્ડ અર્થ ડે છે ત્યારે સમજીએ કે જેમ ધરતીમા આપણને દરેક રીતે પોષણ આપવાનું કામ કરે છે એમ પૃથ્વી તત્ત્વ પણ આપણને પોષણ આપીને સ્ટ્રૉન્ગ બનાવે છે. યોગના કયા- કયા અભ્યાસો તમારી અંદરના પૃથ્વી તત્ત્વને પાવરફુલ કરવાનું કામ કરશે એ જાણી લો

કેટલાક યોગિક નિષ્ણાતો માને છે કે હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેનારા લોકોમાં માનસિક અસ્વસ્થતાની સંભાવના વધી જાય છે. કારણ ખબર છે? પૃથ્વી તત્ત્વનું અસંતુલન. એવું કહેવાય છે કે જેમ-જેમ ઊંચાઈ પર જાઓ એમ પૃથ્વી તત્ત્વ સાથેની ઘનિષ્ઠતા ઘટતી જાય અને એટલે જ ખુલ્લા પગે ઘાસમાં ચાલવાનો ક્રમ પૃથ્વી તત્ત્વ સાથેના નાતાને ઘનિષ્ઠ કરવાનું કામ કરે છે. થોડાક મહિનાઓ પહેલાં વિવિધ ગોળાકાર પથ્થરો, માટી અને ઘાસ પર ચાલતા મોદીજીનો વાઇરલ વિડિયો તમે જોયો હશે. માટીમાંથી બનેલું શરીર ભલે માટીમાં મળી જવાનું હોય પણ જીવતેજીવ પણ આ માટી તમને સુદૃઢ કરવાનું કામ કરે છે. મડ બાથથી લઈને સંતુલિત આહાર, વિવિધ યોગાભ્યાસથી લઈને પ્રકૃતિ સાથે લય સાધવાની તમામ ક્રિયા તમારા શરીરમાં રહેતા પૃથ્વી તત્ત્વને પ્રભાવિત કરે છે. આજના સમયમાં ગ્રાઉન્ડિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઇલેક્ટ્રિક કનેક્શન પણ જો પ્રૉપર અર્થિંગ વિનાનું હોય તો શૉર્ટ સર્કિટ કરી શકે છે તો જીવનમાં શૉર્ટ સર્કિટ ટાળવા માટે પૃથ્વી તત્ત્વને કઈ રીતે આપણા શરીરમાં સંતુલિત કરવું અને એમાં યોગ કઈ રીતે ઉપયોગી છે એ જાણીએ. 

પૃથ્વી તત્ત્વ અસંતુલિત હોય
પૃથ્વી તત્ત્વ અસંતુલિત હોવાની ફિઝિકલ સાઇન એટલે શરીરમાં નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો, હાડકાં બટકણાં થઈ જવાં, શારીરિક બૅલૅન્સ રાખવામાં તકલીફ પડવી, વજન ખૂબ વધારે હોવું અથવા તો વજન ખૂબ ઓછું હોવું એ પણ પૃથ્વી તત્ત્વના અસંતુલનની નિશાની છે. કૉલેસ્ટરોલ વધુ હોવું એ પૃથ્વી તત્ત્વનું અસંતુલન સૂચવે છે. માનસિક લક્ષણોમાં વ્યક્તિમાં અધીરાઈ ખૂબ હોય, હવાઈ કિલ્લાઓ ચણવાની આદત હોય, માનસિક રીતે સતત રેસ્ટલેસ મહસૂસ કરે, જલદી ગુસ્સે થઈ જાય, ફોકસ ન રહે, મનની અસ્થિરતાને કારણે એકેય કામ વ્યસ્થિત ન કરી શકે, સ્વભાવે જિદ્દી હોય, બદલાવ કે પરિવર્તનનો સહજ સ્વીકાર ન કરી શકે. ભૌતિકતાની ચીજો પ્રત્યે ખૂબ આકર્ષણ હોય અથવા બિલકુલ આકર્ષણ ન હોય. સતત મનમાં ભય અને અસુરક્ષિતતાનો ભાવ રહ્યા કરે જેવાં કેટલાંક લક્ષણો પૃથ્વી તત્ત્વના અસંતુલનને સૂચવે છે.



સંતુલિત કેમ કરશો?
ઉઘાડા પગે માટીમાં ચાલો. જમીન પર આસન પાથરીને સુઓ. જાતે પ્લાન્ટેશન કરો જેમાં માટી ખોદવાથી લઈને છોડવાને રોપવા સુધીની ક્રિયા તમારા હાથે કરો ત્યારે એ માટીનો સ્પર્શ તમારા માટે હીલરનું કામ કરતો હોય છે. મડબાથ પણ એક થેરપીનું કામ કરી શકે તમારા માટે. આપણે ત્યાં પ્રાચીન સમયમાં ગાયનું ગોબર અને માટીના મિશ્રણનું ઘરની સ્ત્રીઓ જે લીંપણ કરતી અને એ જ ઘરમાં રહેવાની પરંપરા હતી એનો સીધો જ સંબંધ પૃથ્વી તત્ત્વના સંતુલન સાથે હતો. માટીનાં વાસણોનો પ્રયોગ વધારો. પ્લાસ્ટિકના બાટલાને બદલે માટીથી બનેલા માટલાનું પાણી પીઓ. લાલ, કથ્થઈ, બ્રાઉન વગેરે રંગનાં વસ્ત્રો પૃથ્વી તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. એનો ઉપયોગ પણ અસંતુલિત પૃથ્વી તત્ત્વને સંતુલિત કરવાનું કામ કરશે. જેમનામાં પૃથ્વી તત્ત્વ ઓછું હોય એ લોકોએ કંદમૂળ, અનાજ, ડ્રાયફ્રૂટ જેવી જમીનમાં ઊગતી વસ્તુઓને ઓછામાં ઓછી પ્રોસેસ કરીને ખાવી. પૃથ્વી તત્ત્વ જરૂર કરતાં વધારે હોય ત્યારે ફ્રેશ અને સીઝનલ કાચાં ફળ ખાઓ, વધુપડતો ખોરાક અવૉઇડ કરો. આસનોથી ખૂબ મદદ થશે. જોકે આસનો ધીમી ગતિએ અને લાંબા સમય સુધી સ્થિરતાપૂર્વક કરવામાં આવે તો લાભ કરશે. ખાસ કરીને બૅલૅન્સિંગ આસનો જેમાં ત્રિકોણાસન, તાડાસન, વૃક્ષાસનથી પૃથ્વી તત્ત્વના સંતુલનમાં મદદ કરશે. સ્થિરતા લાવવાથી પૃથ્વી તત્ત્વની કમી દૂર થાય છે. ખૂબ પાણી પીઓ. ઝડપ હોય એવી રનિંગ, ડાન્સિંગ કે અન્ય એક્સરસાઇઝ કરી શકાય. કપાલભાતિ, ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ ઉપયોગી થશે. કંઈક નવી વસ્તુઓ પર હાથ અજમાવો અને ક્રીએટિવ દિશામાં જાતને સક્રિય કરશો તો વધુપડતા પૃથ્વી તત્ત્વને સંતુલિત કરી શકાશે.



તમને ખબર છે? પૃથ્વી તત્ત્વ સંતુલિત હોય એવી વ્યક્તિમાં સહનશક્તિ ગજબ સ્તરની હોય.

વર્લ્ડ અર્થ ડે અને આપણી સંસ્કૃતિ
આ વર્ષે ‘પ્લૅનેટ વર્સસ પ્લાસ્ટિક’ની થીમ સાથે સેલિબ્રેટ થઈ રહેલા ‘વર્લ્ડ અર્થ ડે’ની ઉજવણીની શરૂઆત છેક ૧૯૭૦માં થઈ હતી. વધી રહેલા પ્રદૂષણમાં પ્રકૃતિના સંવર્ધન વિશે લોકજાગૃતિ લાવવાના ધ્યેય સાથે બે અમેરિકનોએ આ દિવસની ઉજવણી શરૂ કરી હતી. આખી દુનિયા હવે નેચરને બચાવવાની વાતો કરી રહી છે પરંતુ ભારતીય પરંપરામાં તો હજારો વર્ષથી પૃથ્વીને જનેતાની ઉપમા આપીને એનું પૂજન કરવાની પરંપરા છે. અહીં યોગ નિષ્ણાત ડૉ. રક્ષા વાઢૈયા કહે છે, ‘આપણાં શાસ્ત્રોમાં એક શ્લોક આવે છે, સવારે ઉઠો એટલે એક મહત્ત્વનો શ્લોક બોલવાનો હોય છે જેમાં આપણે ધરતી મા પર પગ મૂકી રહ્યા છીએ એના માટે ક્ષમા યાચતા હોઈએ છીએ.

 ‘સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે; વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદ સ્પર્શ ક્ષમસ્વમે.’ 
એટલે કે સમુદ્રરૂપી વસ્ત્રોવાળી, પર્વતરૂપી સ્તનવાળી અને વિષ્ણુભગવાનની પત્નીરૂપી એ પૃથ્વી દેવી, તમને નમસ્કાર કરું છું. મારા પગનો તમને સ્પર્શ થાય છે એ માટે મને ક્ષમા કરો. આ આપણું કલ્ચર છે. ઇકોલૉજી પ્રત્યે આપણે સતત ગ્રૅટિટ્યુડ વ્યક્ત કરતા રહીએ છીએ. ધરતીને મા ગણીએ છીએ અને એટલે જ માતાને નુકસાન ન જ પહોંચાડાય એ આપણા સંસ્કારોમાં વણાયેલું છે. આપણાં ઉપનિષદોમાં એક શબ્દ આવે છે, ‘આત્મૌપમ્ય દૃષ્ટિ.’ એટલે કે આ પૃથ્વીના કણ-કણમાં ચૈતન્ય શક્તિ છે, જેના આદર અને સન્માન થાય. આ દૃષ્ટિ કેળવાય તો આજે જે પ્રકૃતિનું હનન થઈ રહ્યું છે અને જે રીતે પૃથ્વીનો સર્વનાશ થઈ રહ્યો છે એ આપોઆપ અટકી જાય.’


પૃથ્વી તત્ત્વના સંતુલન માટે બેસ્ટ છે આ યોગિક અભ્યાસો

અનુલોમ-વિલોમ પ્રાણાયામ


વૃક્ષાસન

અનુલોમ-વિલોમ પ્રાણાયામ

 

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2024 12:16 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK