આ દસ્તાવેજો ગૂગલ ‘સર્ચ’માંથી કેવી રીતે ડેટા કલેક્ટ કરે છે એને લગતા છે
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
અગાઉ મોટા પાયે ડેટા લીકનો સામનો કરી ચૂકેલા ગૂગલ માટે નવી મુસીબત સર્જાઈ છે. ગયા અઠવાડિયે જ ગૂગલ સર્ચને લગતા ૨૫૦૦ ડૉક્યુમેન્ટ્સ લીક થયાના અહેવાલો આવ્યા હતા. હવે ગૂગલે દસ્તાવેજ લીક થયાનો સ્વીકાર કર્યો છે. આ દસ્તાવેજો ગૂગલ ‘સર્ચ’માંથી કેવી રીતે ડેટા કલેક્ટ કરે છે એને લગતા છે. આ ડેટાના આધારે ગૂગલ વેબપેજિસને રૅન્ક આપે છે. એટલે કોઈ પણ સર્ચ પછી કયા પેજિસ સૌથી પહેલાં અને કયા પછી દેખાશે એને લગતા આ ડૉક્યુમેન્ટ્સ છે. શરૂઆતમાં જ્યારે લીકના અહેવાલ આવ્યા ત્યારે ગૂગલે આ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું પણ હવે કંપનીએ સ્વીકાર્યું છે કે ઑથેન્ટિક ડૉક્યુમેન્ટ્સ લીક થયા છે. હવે કંપનીએ દસ્તાવેજો કેવી રીતે લીક થયા એની તપાસ શરૂ કરી છે. રેન્ડ ફિશકીન નામના SEO (સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશન) એક્સપર્ટે ગુપ્ત સ્રોત પાસેથી આ લીક ડૉક્યુમેન્ટ્સ મળ્યા હોવાનું જણાવ્યું છે. ડૉક્યુમેન્ટ્સ લીક કરનારે એવો દાવો કર્યો છે કે સર્ચ એન્જિનના ઍલ્ગરિધમને લઈને ગૂગલના કર્મચારીઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેથી તેમને એક્સપોઝ કરવા માટે આ ડૉક્યુમેન્ટ્સ લીક કરાયા છે. જોકે ગૂગલે લીક થયેલા દસ્તાવેજો અધૂરા અને આઉટડેટેડ ગણાવ્યા છે.