Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કૃત્રિમ ગર્ભધારણ દરમ્યાન પુરુષોને વળી શાનું સ્ટ્રેસ?

કૃત્રિમ ગર્ભધારણ દરમ્યાન પુરુષોને વળી શાનું સ્ટ્રેસ?

Published : 12 August, 2024 12:13 PM | IST | Mumbai
Laxmi Vanita

હવે સમય આવી ગયો છે કે નિષ્ણાત સાથે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ દરમ્યાન પુરુષોના તનાવ વિશે વાત કરીએ અને જાણીએ એનું સૉલ્યુશન.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ફર્ટિલિટીની સમસ્યાના ઉકેલરૂપે IVF પ્રોસેસ કરાવવાની હોય ત્યારે મહિલાઓ અનેક માનસિક-શારીરિક પીડામાંથી ગુજરે છે એ વિશે મોકળા મને વાતચીત થતી આવી છે. જોકે આ પ્રક્રિયામાં પુરુષો પણ જબરદસ્ત પ્રેશર ફીલ કરતા હોય છે અને એને કારણે IVFમાં સફળતા મળવામાં મોડું થતું હોઈ શકે છે. પુરુષો પોતાના સ્ટ્રેસ વિશે ન તો પત્ની સાથે વાત કરી શકે છે, ન ડૉક્ટરને કહી શકે છે. હવે સમય આવી ગયો છે કે નિષ્ણાત સાથે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ દરમ્યાન પુરુષોના તનાવ વિશે વાત કરીએ અને જાણીએ એનું સૉલ્યુશન.


૧૯૭૮માં વિશ્વની પહેલી ટેસ્ટટ્યુબ બેબી જન્મી હતી. આજે મેડિકલ ક્ષેત્રમાં આ પદ્ધતિ બહુ જ ઍડ્વાન્સ થઈ ચૂકી છે અને કેટલાંય કપલને માતા-પિતા બનવામાં મદદરૂપ થઈ રહી છે. ૨૦૧૮માં યુરોપિયન સોસાયટી ઑફ હ્યુમન રીપ્રોડક્શન ઍન્ડ એમ્બ્રયોલૉજીના અહેવાલ મુજબ વિશ્વમાં ૮૦ લાખ જેટલાં બાળકો ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે IVF દ્વારા જન્મી ચૂક્યાં છે. આ રિપોર્ટ ૬ વર્ષ પહેલાંનો છે એટલે આ આંકડામાં વધારો થયો જ હશે. અમેરિકામાં દર વર્ષે બે ટકા બાળકો IVFથી જન્મે છે. ભારત વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, પણ એના હજી કોઈ સચોટ આંકડા પ્રકાશિત થયા નથી. જોકે દેશ-વિદેશમાં સાયન્સ અને હેલ્થ જર્નલમાં IVF દરમ્યાન થતા માનસિક તનાવ પર અવારનવાર સંશોધનો અને પેપર્સ પ્રકાશિત થઈ રહ્યાં છે. એમાં કોઈ બેમત નથી કે મહિલાઓ જ સૌથી વધારે માનસિક અને શારીરિક તનાવમાંથી પસાર થાય છે, પરંતુ લગભગ તેમના જેટલો જ માનસિક તનાવ પુરુષોને પણ થાય છે જેની હવે ધીરે-ધીરે ચર્ચા થઈ રહી છે. 



તનાવનું વિષચક્ર ચાલ્યા જ કરે


સેન્ટ્રલ મુંબઈના જાણીતા ઍન્ડ્રોલૉજિસ્ટ અને યુરોલૉજિસ્ટ ડૉ. શર્વિલ થટ્ટે કહે છે, ‘આ વિષય પર લગભગ વાત નથી થતી. આપણો સમાજ પિતૃપ્રધાન છે એટલે બાળકની વાત આવે ત્યારે સૌથી પહેલું સ્ટેપ મહિલાઓ જ લેતી હોય છે. દરેક કેસ અલગ હોય છે. અમુકમાં મહિલાઓને ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે એને ફીમેલ ઇન્ફર્ટિલિટી કહેવાય અને અમુક કેસોમાં પુરુષોને સારવારની જરૂર પડતી હોય જેને મેલ ઇન્ફર્ટિલિટી કહેવાય. એવા કેસો જેમાં મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં કોઈ જ સમસ્યા નથી ત્યારે અંતિમ તબક્કામાં તેમને કહેવામાં આવે છે કે તેમના હસબન્ડને લઈને આવે. પુરુષનું સ્ટ્રેસ અહીંથી જ શરૂ થઈ જાય છે. સમાજ તો એક પરિબળ છે જ, પરંતુ ઈગોને કારણે તેઓ સ્વીકારવા તૈયાર નથી થતા હોતા કે તેમનામાં પણ કોઈ સમસ્યા હોઈ શકે. IVFમાં પુરુષના શુક્રાણુઓની ગુણવત્તા નબળી હોવાનાં ઘણાંબધાં કારણોમાં એક માનસિક તનાવ છે. આ એક કારણ બહુ મોટું બની જાય છે. તનાવને કારણે ધૂમ્રપાન અને આલ્કોહોલની આદત લાગે છે જે તનાવમાં વધારો કરે છે અને શુક્રાણુઓની ગુણવત્તા વધુ નબળી બનાવે છે એટલે એક વિષમ ચક્ર બની જાય છે.’

સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ


મોટા ભાગે પુરુષોમાં બૉર્ડરલાઇન સમસ્યા હોય છે, પણ એને કારણે ગર્ભધારણમાં સફળતા નથી મળતી. પોતાના પેશન્ટની વાત કરતાં ડૉ. શર્વિલ કહે છે, ‘મારા જ એક પેશન્ટને છેલ્લે તેના હસબન્ડને લઈને આવવાનું કહ્યું ત્યારે તપાસમાં ખબર પડી કે બૉર્ડરલાઇન પર સમસ્યા છે. એટલે પરિસ્થિતિને નૅચરલ પરિબળોથી કાબૂમાં લાવી શકાય છે તથા શુક્રાણુઓની ગુણવત્તા સુધારી શકાય એમ છે. કાઉન્સેલિંગમાં ખબર પડી કે તેમની લાઇફસ્ટાઇલ એકદમ હેક્ટિક અને તનાવયુક્ત હતી જેમાં ન તો તેમનું જમવાનું ઠેકાણુ હતું અને ન તો ઊંઘવાનું. તેમને મલ્ટિવિટામિનની ટૅબ્લેટ્સ શરૂ કરાવી, ડાયટ-પ્લાન આપ્યો અને તેમની ઊંઘ નિયમિત કરવાની સલાહ આપી. ત્રણ-ચાર મહિનાની અંદર આ કપલે ગુડ ન્યુઝ આપ્યા. માત્ર લાઇફસ્ટાઇલમાં નાનો બદલાવ IVFના તનાવથી બચાવી શકે છે. સામાજિક અને આર્થિક પરિબળોને તો બદલી ન શકાય, પરંતુ તનાવને કાબૂમાં જરૂર લાવી શકાય એટલે ઘણાંબધાં કપલની સમસ્યાનું આવી રીતે સમાધાન આવતું હોય છે. માનસિક સ્ટ્રેસ શુક્રાણુઓની ગુણવત્તા નબળી બનાવે છે અને જો એ વાત પુરુષો સમજી લે તો વાત IVF સુધી પહોંચતાં અટકાવી શકાય. આ જ તનાવ IVF દરમ્યાન પણ પુરુષો માટે નડતરરૂપ બને છે.’

માનસિક થાકનો થાક

IVF માટે ગયેલું કપલ તનાવથી દૂર રહીને કુદરતી રીતે પ્રેગ્નન્ટ થઈ શકે છે, પરંતુ જે પુરુષ પાસે IVF સિવાય કોઈ વિકલ્પ નથી તેનું શું? એક પુરુષે પોતાની વ્યથા બ્લૉગ પર શૅર કરી હતી : તે કસરત કરીને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવ્યો. જિમમાં પરસેવો પાડવો અને સ્પર્મની ગુણવત્તા વધારવાની કોશિશ કરવાની જેથી તેની વાઇફ પ્રેગ્નન્ટ થઈ શકે. ઍપ ડાઉનલોડ કરીને ઇન્ટરકોર્સનો ટાઇમિંગ અને તારીખ પણ સેટ કરી જેથી કોઈ પણ પગથિયું ચૂકી ન જવાય. તેણે ખરાબ આદતો છોડી દીધી અને ડૉક્ટરે જેટલાં સપ્લિમેન્ટ્સ આપ્યાં એનું નિયમિત સેવન કર્યું. એમ છતાં કોઈ જ પરિણામ ન આવ્યું. તેણે યુટ્યુબ પર લોકોની IVFની જર્નીના વિડિયો જોઈને પોતાને સાંત્વન આપવાનું શરૂ કર્યું. તે બધા રિપોર્ટ અને ચેક-અપ્સથી થાકી ગયો હતો. આ પ્રક્રિયા સાથે ઑફિસનું કામ પણ હોય, ઘર અને હૉસ્પિટલનાં બિલ પણ ચૂકવવાનાં છે અને ભવિષ્ય માટે ફાઇનૅન્સ પણ મૅનેજ કરવાનું છે. તેના માટે કન્સિવ ન થયું એ પહેલાંની જર્ની એટલી થાકભરી હતી કે અત્યારે એની વાત કરવામાં પણ તેને તનાવ લાગી આવે છે.’

સ્ત્રીઓ રડી લે, પુરુષો શું કરે?

મહિલાઓ પોતાના નામ સાથે IVFની જર્ની શૅર કરતી હોય છે, પરંતુ પુરુષો માટે આ કેટલું મુશ્કેલ હોય છે એ વિષય પર પ્રકાશ પાડતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મનન શેઠ કહે છે, ‘IVF દરમ્યાન પુરુષોને થતા માનસિક સ્ટ્રેસ માટે કોઈ યોગ્ય મનોચિકિત્સક નથી એટલે કે ઇન્ફર્ટિલિટીને કારણે થતા ડિપ્રેશન માટે પુરુષો પાસે કોઈ સારવાર નથી. આવા સમયે અમે જ તેમના કાઉન્સેલર અને ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોઈએ છીએ. મહિલાઓ IVFના બે-ત્રણ પ્રયાસ નિષ્ફળ જાય તો અમારી સામે જ રડી લેતી હોય છે અને પોતાનું મન હળવું કરી લેતી હોય છે. તેમની સાથે આવેલા તેમના પાર્ટનરની આંખમાં તમે આંસુ જોઈ શકો છો, પરંતુ એ આંખમાંથી બહાર નથી આવતાં. તે પોતાની પત્નીને સંભાળવામાં વ્યસ્ત થઈ જાય છે. એ પણ તથ્ય છે કે મહિલાઓને ગમે એટલી આકરી ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડે તો પણ છેલ્લા ઇન્જેક્શન સુધી કોઈ ફરિયાદ નથી કરતી, પરંતુ પુરુષો માટે બીજી કોશિશ પણ તેમનામાં સેલ્ફ-ડાઉટ ઊભો કરી દે છે. મારા હમણાંના જ એક કેસમાં કપલમાં મને મેલ પેશન્ટના ચહેરા પરથી નિરાશા દેખાઈ રહી હતી. મેં તેમના કામ, જીવન અને આસપાસની વાતો કરી તો જાણવા મળ્યું કે તેમને સખત કામનું અને આર્થિક સ્ટ્રેસ થતું હતું. આ ટ્રીટમેન્ટમાં ખર્ચ પણ સારોએવો થઈ જતો હોય છે. તે તેમની પત્ની સાથે આ વાત નહોતા કરી શકતા કે ન તો તેમના કોઈ મિત્ર સાથે વાત કરી શકતા. આવી પરિસ્થિતિમાં મૅન-ટુ-મૅન તેમણે મારી સાથે આ વાત કરી. પુરુષો માટે મિત્ર કે પરિવારજનોને પોતાના સ્ટ્રેસની વાત કરવી અને એમાં પણ ઇન્ફર્ટિલિટીની વાત કરવી અશક્ય છે. તેઓ મનમાં ને મનમાં જ એને દબાવી રાખે અને આ જ તેમનામાં પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી પેદા કરે. એટલે ચેઇન રીઍક્શનની જેમ એક સમસ્યાથી બીજી અને બીજીથી ત્રીજી સમસ્યા શરૂ થાય. મારી પાસે એવા કેસ આવ્યા છે જેમાં IVF માટે આવેલાં કપલ આવા જ સ્ટ્રેસને લીધે સેપરેશન સુધી આવી ગયાં છે. ટૂંક સમયમાં ખાસ આ સમસ્યા માટે પુરુષોને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની જરૂર પડી શકે છે.’

IVF દરમ્યાન તનાવને દૂર રાખવા આટલું કરો

ઘણા પેશન્ટને આવી સમસ્યામાં મદદ કરનારા ડૉ. મનન શેઠ કહે છે, ‘લૉકડાઉનમાં એવા ઘણા IVFના પેશન્ટ હતા જેમણે IVF માટે આવ્યા હોવા છતાં કુદરતી રીતે કન્સિવ કર્યું. એ સમયમાં હસબન્ડ અને વાઇફ બન્ને સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતાં હતાં, એકબીજાને કામમાં મદદ કરતાં હતાં. હસબન્ડ વાઇફને ઘરના કામમાં મદદ કરતો અને વાઇફ હસબન્ડને ઑફિસના કામમાં મદદ કરતી. અમુક સમસ્યાઓ એકબીજા સાથે વાત કરવાથી કે એકબીજાને સમજવાથી દૂર થતી હોય છે. એ સિવાય હું દરેક પેશન્ટને યોગ કરવાની સલાહ આપું છું. ખરેખર, તનાવ દૂર કરવાની આ બહુ જ અસરકારક પદ્ધતિ છે. હળવી એક્સરસાઇઝ અને કામમાંથી બ્રેક લઈને ફરવા જવું મદદરૂપ સાબિત થઈ શકે છે.’ 

IVFમાં શું થાય?

સ્ત્રીના અંડાશયમાંથી કાઢવામાં આવેલાં ઈંડાં અને પુરુષોના શુક્રાણુઓને લૅબમાં ફલિત કરવામાં આવે છે. ત્યાર બાદ ફલિત થયેલા ભ્રૂણને યોગ્ય સમયે મહિલાના ગર્ભાશયમાં સ્થાપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2024 12:13 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK