કપલ્સમાં અણબનાવ અને ફરિયાદો લાંબા ગાળા સુધી સૉલ્વ ન થાય તો એ ધીરે-ધીરે સંબંધોને કોરી ખાય છે અને આ જ કારણે ડિટૅચમેન્ટ, ઇમોશનલ ટાયર્ડનેસ વધે છે જે તેમના સંબંધોના પાયા નબળા પડવાનું કારણ બને છે
પ્રતીકાત્મક તસવીર
દિવસભર એકધારું કામ કરીને શરીર થાકે ત્યારે આપણે આરામ કરીએ છીએ, પણ સંબંધ થાકે ત્યારે શું? ઘણી વાર કોઈ ને કોઈ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા હોય છે અને તનાવ સર્જાતો હોય છે. જોકે એ સામાન્ય છે પણ જો અમુક એવા ઝઘડા હોય જે લાંબા ચાલે અને પછી એનું કોઈ સોલ્યુશન જ ન આવે તો ત્યારે ઇમોશનલ, મેન્ટલ અને શારીરિક થાકનો અનુભવ થાય છે. આ ત્યારે વિકસે જ્યારે સંબંધ બોજારૂપ લાગવા લાગે. કપલ્સના સંબંધમાં સર્જાતી આવી સ્થિતિને રિલેશનશિપ બર્નઆઉટ કહેવાય છે. દરેક યુગલ તનાવ અને મતભેદનો સામનો કરે છે, પણ બર્નઆઉટમાં સમસ્યા ઉકેલવાની ઇચ્છા ન થવી, પાર્ટનર સાથે હોવાથી સ્ટ્રેસ અને નિરાશા ફીલ થવી, અચાનક દલીલો ઓછી કરવી અને મૌનને પ્રાધાન્ય આપવું આ બધા સંકેત સંબંધોમાં થતા બર્નઆઉટના છે. આવા સમયે વ્યક્તિ તેના પાર્ટનર સાથે ડીટૅચ્ડ ફીલ કરવા લાગે છે. કપલ્સમાં બ્રેકઅપ અને ડિવૉર્સ પાછળનું આ પણ એક કારણ હોય છે ત્યારે સંબંધોમાં બર્નઆઉટની સ્થિતિ કેવા સંજોગોમાં સર્જાય અને એમાંથી બહાર આવવા અને સંબંધને સાચવવા શું કરી શકાય એ વિશે એક્સપર્ટનું શું કહેવું છે એ જાણીએ.
આ પરિબળો જવાબદાર
ADVERTISEMENT
રિલેશનશિપમાં બર્નઆઉટ થવા પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે એમ જણાવતાં મુલુંડમાં રહેતી ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને હિપ્નોથેરપિસ્ટ સિદ્ધિ મારુ જણાવે છે, ‘રિલેશનશિપમાં બૅલૅન્સ હોવું બહુ અગત્યનું છે તો એમાં આગળ-પાછળ થાય તો સંબંધોના પાયા નબળા પડવાના ચાન્સ વધે છે. રિલેશનશિપ બર્નઆઉટનો અર્થ એ નથી કે અનસૉલ્વ્ડ કૉન્ફ્લિક્ટ્સ એટલે કે એવા ઝઘડા જેનું સોલ્યુશન ન નીકળે એને કારણે જ બન્ને વચ્ચેની ઇન્ટિમસી ઓછી થાય છે. આ એક કારણ છે, પણ એ ઉપરાંત પણ ઘણાં પરિબળો છે જેને લીધે કપલ્સમાં આવા પ્રૉબ્લેમ સર્જાય છે. જો બન્નેમાંથી એક પાર્ટનર જ હંમેશાં વાત કરવા અને ખુશ કરવા એફર્ટ્સ લેતો હોય, કોઈ કેસમાં પાર્ટનરની ખરાબ આદતો સહન કરવી, નાની-નાની વાતમાં ઇરિટેટ થવું એટલે સ્વભાવમાં ધૈર્ય ન હોવાને લીધે પણ સંબંધો સારા થતા નથી. આ બધા ફૅક્ટર્સ રિલેશનશિપને બગાડવાનું કામ કરે છે, પછી એક સમય એવો આવે છે કે તમને તમારા પાર્ટનર પ્રત્યે કોઈ લાગણી હોતી નથી. તમે તેમના માટે ઇમોશનલેસ અને ડિટૅચ થઈ જાઓ છો. અત્યારે બર્નઆઉટના કેસ વધી રહ્યા છે કારણ કે વ્યક્તિને જે ઇમોશનલ સપોર્ટ પોતાના પાર્ટનર પાસેથી નથી મળતો એ બીજી વ્યક્તિ શોધીને તેની પાસેથી સહેલાઈથી મળી જાય છે. અત્યારના લોકોમાં પેશન્સની અછત છે, એને લીધે સંબંધોમાં ગિવ-અપ કરવાના કેસ વધે છે.’
આ વાત સાથે સહમત થતાં વિલે પાર્લેમાં રહેતાં અનુભવી રિલેશનશિપ કોચ દીપિકા શાહ કહે છે, ‘આજનાં વર્કિંગ કપલ્સ કામના બોજ અને આર્થિક તનાવનાં શિકાર બનેલાં છે. બહારનું આ સ્ટ્રેસ રિલેશનશિપને પ્રભાવિત કરે છે. કમ્યુનિકેશન અને ઇન્ટિમસીનો અભાવ ઇમોશનલી ડ્રેઇન કરી નાખે છે, જેને કારણે બન્નેના સંબંધો વચ્ચે જે સંતુલન હોવું જોઈએ એ જળવાતું નથી. બૅલૅન્સનો અર્થ એ નથી કે હંમેશાં ફિફ્ટી-ફિફ્ટી જ હોવું જોઈએ. ઘણી વાર એક પાર્ટનર થાકી જાય તો બીજાએ થોડા વધારે એફર્ટ્સ લેવાના અને બીજું થાકે તો પહેલાએ તેને સંભાળી લેવાનું. આવું ન થાય ત્યારે ઇમોશન્સ ઓછાં થવાની શરૂઆત થાય છે, એની અસર તમારી મેન્ટલ હેલ્થ પર તો પડે જ છે સાથે સેક્સ્યુઅલ હેલ્થ પર પણ પડે છે. કપલ્સ વચ્ચે આવું થવું નૉર્મલ તો કહેવાય નહીં તેથી ચીડિયાપણું, ગુસ્સો, લાગણીઓ ઓછાં થવાં અને ડિટૅચમેન્ટ જેવાં સિમ્પ્ટમ્સ દેખાય છે.’
પહેલું પગલું શું હોવું જોઈએ?
જ્યારે કોઈ કપલ બર્નઆઉટના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે સંબંધને બગાડવાને બદલે સુધારવા માટે શું કરવું જોઈએ એ વિશે દીપિકા કહે છે, ‘કપલ્સ જ્યારે ડિટૅચમેન્ટ ફીલ કરે અથવા ઇન્ટિમસીનો અભાવ છે એવું લાગે તો સૌથી પહેલું સ્ટેપ એ જ છે કે તાત્કાલિક બધું ઠીક કરવાનો પ્રયાસ ન કરવો, જો અણબનાવ થાય ત્યારે એકબીજા પર બ્લેમ કર્યા વિના ફક્ત એટલું કહી શકાય કે ‘મને લાગે છે કે આપણે બન્ને અત્યારે એકબીજાની વાતો સમજી નથી શકતાં અને હું નથી ઇચ્છતો કે આ ટૉપિક લાંબો ખેંચાય. અહીં પૂર્ણવિરામ આપીને આપણે શાંતિથી ચર્ચા કરીએ.’ આટલી વાત કર્યા બાદ એકબીજાને સ્પેસ આપો. આમ કરવાથી બન્નેને મેન્ટલ ક્લૅરિટી આવશે અને જે બાબતને લઈને ઝઘડો થાય છે એનું મહત્ત્વ કેટલું છે એ ખબર પડશે અને થોડા સમય બાદ જ્યારે આ ટૉપિક પર ચર્ચા કરશો ત્યારે ઇમોશન્સ શાંત હશે અને વાતો પ્રૅક્ટિકલ હશે તેથી સોલ્યુશન પણ પ્રૅક્ટિકલ જ નીકળશે.’
કમ્યુનિકેશન ઇઝ ધ કી
કોઈ પણ રિલેશનશિપમાં કમ્યુનિકેશન બહુ મહત્ત્વનું છે એમ જણાવતાં સિદ્ધિ મારુ કહે છે, ‘આજકાલ વર્કિંગ કપલ્સની લાઇફસ્ટાઇલ એટલી હેક્ટિક થઈ ગઈ છે કે કામની વ્યસ્તતા અને સ્ટ્રેસને લીધે પ્રાઇવેટ સ્પેસ નળી મળતી. જો એ સમય ન મળે એટલે કમ્યુનિકેશન ન થાય અને એથી ધીરે-ધીરે એકબીજા પ્રત્યેની લાગણી ઓછી થવા લાગે. આવું ન થાય એ માટે જો તમારે ફરિયાદ પણ કરવી હોય તો હું ફીલ કરું છું કે... એ ઍટિટ્યુડથી વાતને માંડો અને પાર્ટનરને સામા જવાબ આપવાને બદલે તેને સમજવા માટે સાંભળો. થોડો સમય સાથે સ્પેન્ડ કરો. એકબીજાને પોતાની ફીલિંગ અને વાતો સપ્રેસ એટલે કે દબાવવાને બદલ એક્સ્પ્રેસ કરો. એ વાતચીત એકદમ ઓનેસ્ટ અને ઓપન હોવી જોઈએ. ૧૦ મિનિટ પણ સારી રીતે વાત કરશો તો સંબંધની હૂંફ પાછી લાવવામાં મદદ કરશે. એ ઇમોશનલ હેલ્થને રિપેર કરીને ફરીથી એ વ્યક્તિ સાથે કનેક્ટેડ ફીલ કરાવશે.’
સેલ્ફ-કૅર હીલિંગનું કામ કરશે
સેલ્ફ-કૅર રિલેશનશિપમાં આવતા બર્નઆઉટમાંથી હીલ થવા માટે દવાનું કામ કરે છે એમ જણાવતાં દીપિકા કહે છે, ‘એવું નથી કે એક વાર રિલેશનમાં આવ્યા પછી તમે પોતાની ઓળખ ગુમાવી બેસો. સંબંધોને રીચાર્જ કરવા માટે સેલ્ફ-કૅર અને મી ટાઇમ બહુ જરૂરી છે. આ સમયને કામ કે જવાબદારી જેટલું જ મહત્ત્વ આપો. દિવસની શરૂઆતમાં કે દિવસના અંતે ૧૫થી ૩૦ મિનિટ દરમિયાન ફોનથી દૂર રહીને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરી શકો છો. એમાં એકાંતમાં ચા પીવી, મનપસંદ બુક વાંચવી કે મેડિટેશન કરી શકાય. આ ઉપરાંત વીકલી સોલો ઍક્ટિવિટી જેમ કે એક રવિવારે એક પાર્ટનર ઘર સંભાળે અને બીજો વન ડે ટ્રિપ કરે, શૉપિંગ કરે, તેને જે ગમતું હોય એ કરે. આવતા અઠવાડિયે રોલ એક્સચેન્જ કરો. આમ કરવાથી જવાબદારીઓનો બોજ એક વ્યક્તિ પર નહીં આવે અને બન્નેને રિફ્રેશ થવાનો સમય મળશે. પણ હા, જ્યારે એવું લાગે કે વારંવાર એક જ ઝઘડામાં ફસાયેલા હો અને તમને કોઈ ઉકેલ ન દેખાય અથવા વાતચીતનું વાતાવરણ એટલું નકારાત્મક બની ગયું હોય કે તમે એકબીજા સાથે વાત કરવાનું ટાળવાનું પસંદ કરો તો સંબંધોનો ધ એન્ડ કરવાને બદલે પ્રોફેશનલ રિલેશનશિપ કાઉન્સેલર અથવા સાઇકોલૉજિસ્ટની મદદ લેવી. એ તમારા સંબંધોને ઘણી વાર નવી દિશા આપી શકે છે.’

