નાના-નાના બદલાવો લગ્નજીવનને કઈ રીતે મધુર બનાવવાનું કામ કરે છે એના અનુભવ વિશે વાત કરીએ કેટલાંક યુગલો સાથે
જિજ્ઞેશ પંચાલ અને હેમાંગી જોષી
લગ્નજીવનને સુખી બનાવવા માટે પતિ-પત્નીએ એકબીજાને અનુકૂળ થવું જ પડે છે. બન્ને એકબીજા માટે થોડું-થોડું બદલાવાનો પ્રયત્ન કરે તો જ લગ્નજીવનનું ગાડું બરાબર ગબડે. હાલમાં રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે આલિયાએ મારા માટે તેની ઊંચા અવાજે બોલવાની આદત બદલી છે. આવી જ રીતે દરેક દંપતી તેમના જીવનસાથી માટે કોઈ ને કોઈ રીતે પોતાનામાં બદલાવ કરતું જ હોય છે. આવા નાના-નાના બદલાવો લગ્નજીવનને કઈ રીતે મધુર બનાવવાનું કામ કરે છે એના અનુભવ વિશે વાત કરીએ કેટલાંક યુગલો સાથે...
થોડા દિવસ પહેલાં બૉલીવુડ ઍક્ટર રણબીર કપૂરે એક પૉડકાસ્ટ-ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને પોતાના ડર અને સંબંધો વિશે વાત કરી હતી. એમાં એક વાત હતી આલિયા સાથેના લગ્નજીવનની. તેણે કહેલું, ‘આલિયા પહેલાં ખૂબ ઊંચા અવાજે બોલતી હતી, પણ તેણે મારે માટે પોતાની બોલવાની ઢબમાં બદલાવ કર્યો. મારા પેરન્ટ્સ વચ્ચે જ્યારે પણ બોલાચાલી થતી ત્યારે મારા પપ્પા રિશી કપૂર ખૂબ જોરથી બરાડા પાડતા અને એને કારણે મને ઊંચાટોન મને અંદરથી ખળભળાવી નાખતો. લગ્ન પછી મને સહજ બનાવવા માટે આલિયાએ તેની લાઉડ ટોનમાં બોલવાની આદતને મારા માટે સાવ બદલી નાખી છે. તમે છેલ્લાં ૩૦ વર્ષથી એક ઢબથી ટેવાયેલા હો અને એમાં પછી બદલાવ લાવવો પડે એ કામ એટલું સરળ નથી. હું જેટલું તેને માટે નથી બદલાઈ શક્યો એનાથી વધુ મારા માટે તેણે પોતાનામાં બદલાવ કર્યો છે. હું આ વાત સ્વીકારું છું અને મારે પણ તેને માટે થોડું બદલાવું જોઈએ.’ ખૂબ સહૃદયતાપૂર્વક થયેલી વાતમાં સહજ સમજી શકાય છે કે પતિ-પત્નીએ એકબીજાને શું કનડે છે એ જાણીને જરૂર પડ્યે જાતને બદલવાની તૈયારી રાખે તો સંબંધોને મજબૂત થતાં કોઈ ન રોકી શકે. હું શા માટે બીજા માટે બદલાઉં એવું વિચારવાને બદલે જ્યારે જીવનસાથીની જેન્યુઇન જરૂરિયાત માટે થોડુંક બદલાવું પડે તો એ કંઈ બિગ ડીલ નથી. આટલી વાત સમજાઈ ગઈ હોય એવાં યુગલોને અમે પૂછ્યું કે આ બદલાવ તેમના જીવનમાં કેટલી મધુરતા ઉમેરે છે.
ADVERTISEMENT
સાસરિયાંએ ઘરમાં નૉન-વેજ બનાવવાનું છોડી દીધું : હેમાંગી પંચાલ
આજથી ૧૮ વર્ષ પહેલાં વિરાર રહેતા ૪૨ વર્ષના જિજ્ઞેશ પંચાલ અને હેમાંગી જોષીનાં પ્રેમલગ્ન થયાં હતાં. જિજ્ઞેશ IT ફીલ્ડમાં છે અને હેમાંગી સંસ્કૃતની શિક્ષક છે. જિજ્ઞેશની ફૅમિલી
નૉન-વેજિટેરિયન હતી, જ્યારે હેમાંગી બ્રાહ્મણ પરિવારમાંથી આવતી હતી. સાસરે આવ્યા પછી ઍડ્જસ્ટ થવામાં કઈ રીતે તેને આખા પરિવારે મદદ કરી એ વિશે વાત કરતાં હેમાંગી કહે છે, ‘હું બ્રાહ્મણ પરિવારથી છું એટલે સ્વાભાવિક છે કે ઘરે માંસાહાર બન્યું જ ન હોય. મારા સાસરિયાંમાં નૉન-વેજ ખવાતું હતું. મારાં સાસુ-સસરાને ખબર પડી કે તેમનો દીકરો બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરવા માગે છે. મારા હસબન્ડે તેમને કહેલું કે નૉન-વેજ ખાવાની કે રાંધવાની તો દૂરની વાત છે, તેને એની દુર્ગંધ પણ સહન થતી નથી. એ સમયથી લઈને આજની તારીખ સુધી અમારા ઘરે નૉન-વેજ બન્યું નથી કે નથી અમે બહારથી મગાવ્યું. એટલે મારા માટે મારાં સાસરિયાંમાં બધાંએ જ ઍડ્જસ્ટમેન્ટ કર્યું છે એમ કહું તો ચાલે. મારો અને મારા હસબન્ડનો સ્વભાવ ઘણો અલગ છે. તેમને શાંત રહેવું ગમે અને બોલવું ગમે. મને જ્યારે ગુસ્સો આવે ત્યારે હું ફટાકથી સામે બોલી નાખું, પણ જિજ્ઞેશનું એવું નથી. તે જલદીથી રીઍક્ટ ન કરે. તેમને જોઈને હું પણ હવે કંઈ પણ બોલતાં પહેલાં બે વાર વિચારું છું. બધી વસ્તુને શાંતિથી હૅન્ડલ કરું છું. હું એટલી ટેક્નૉસૅવી નથી એટલે PPT પ્રેઝન્ટેશન કે કોઈ ડૉક્યુમેન્ટ રેડી કરવાનાં હોય તો તેઓ મદદ કરે છે. એટલું જ નહીં, મારે કારણે તેઓ સંસ્કૃતમાં પણ રસ લેતા થયા છે. હું ઘણી વાર ઘરે હવન કે પૂજાપાઠ કરું તો મારી સાથે બેસીને સ્તોત્ર બોલે ખરા. મને સંસ્કૃત ટાઇપિંગ પણ તેમણે જ શીખવાડ્યું હતું. અમારાં લગ્નનાં ૧૮ વર્ષમાં મારા કરતાં તેમણે મને વધુ કમ્ફર્ટેબલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.’
ગુસ્સો લઈને ફરતા પતિ બની ગયા મળતાવડા : નીલમ ઉપાધ્યાય
મારા હસબન્ડ મારાથી એકદમ વિપરીત સ્વભાવના હતા, પણ હવે તેમનો સ્વભાવ ઘણો બદલાયો છે એમ જણાવતાં મલાડમાં રહેતાં ૪૨ વર્ષનાં નીલમ ઉપાધ્યાય કહે છે, ‘મારા હસબન્ડ હિતેશને એવી ઇચ્છા હતી કે તેમને એવી પત્ની મળે જે ઘરની જવાબદારી સંભાળે, જ્યારે હું થોડી મહત્ત્વાકાંક્ષી હતી. મને એમ હતું કે મારે પગભર થવું છે. એ સિવાય હિતેશ સ્વભાવે ઓછાબોલા અને તેમને ગુસ્સો પણ જલદી આવી જાય. બીજી બાજુ હું ખૂબ બોલકણી અને બધા સાથે હળીમળી જાઉં. પરણીને સાસરે આવી ત્યારે તેઓ મારી સાથે પણ ઘણી વાર ગુસ્સામાં આવીને લાગણી દુભાઈ જાય એવું બોલતા. શરૂઆતમાં તો હું ખૂબ ડરી ગયેલી કે આ શું થઈ ગયું મારી સાથે? મેં જેવું વિચાર્યું હતું એનાથી સાવ અલગ સ્વભાવના જીવનસાથી મને મળ્યા છે. જોકે બે-ત્રણ વર્ષ પછી મારી સાથે રહીને તેમનો સ્વભાવ બદલાતો ગયો. હું એક આર્થિક રીતે સધ્ધર પરિવારની દીકરી હતી, પણ ૧૬ વર્ષ પહેલાં પરણીને સાસરે આવી ત્યારે મારાં સાસરિયાંઓ ચાલમાં રહેતાં હતાં. એ સમયે મારા હસબન્ડને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું એ માટે મેં તેમને ઘરેથી જ ક્લોધિંગનો બિઝનેસ શરૂ કરવા મનાવ્યા. શરૂઆતમાં તેમને મારા પર ભરોસો નહોતો, પણ પછી મારું કામ જોઈને તેમણે મને સપોર્ટ આપવાનું શરૂ કરી દીધું. આજે સ્થિતિ એવી છે કે તેમના કામમાંથી ફુરસદ મળે એટલે તરત પાર્સલની ડિલિવરી કરવાથી લઈને બીજાં જે નાનાં-મોટાં કામ હોય એમાં તેઓ મારી મદદ કરે. તેમનો સ્વભાવ પણ એટલો મળતાવડો થઈ ગયો છે કે તેમને જોઈને મને વિશ્વાસ નથી બેસતો કે આ એ જ હિતેશ છે જે એક સમયે ખૂબ ગંભીર સ્વભાવના હતા.’
જીવનમાં હું વધુ જવાબદાર બન્યો : આશિષ મહેતા
ગ્રાન્ટ રોડ રહેતા ૫૭ વર્ષના આશિષ મહેતા અને પારુલબહેનનાં લગ્નજીવનને ૩૦ વર્ષ થયાં છે. આશિષભાઈની પોતાની શૅરબજારની ઑફિસ છે અને એમાં પારુલબહેન તેમની સાથે જ કામ કરે છે. લગ્નના શરૂઆતના સમયગાળામાં પતિ-પત્નીએ એકબીજાને અનુકૂળ થવા માટે કઈ રીતે ઍડ્જસ્ટમેન્ટ કર્યું એ વિશે વાત કરતાં આશિષભાઈ કહે છે, ‘મારાં પત્ની અમદાવાદનાં છે. તેમનો ઉછેર શિસ્તબદ્ધ રીતે થયો છે એટલે ઘરનું કામ હોય કે ઑફિસનું કામ બધામાં તેમને ચોકસાઈ જોઈએ. જો એ કામ વ્યવસ્થિત રીતે અને સમયસર ન થાય તો તેઓ ગુસ્સે ભરાઈ જાય. બીજી બાજુ મારો ઉછેર ખૂબ લાડકોડમાં થયેલો. માથા પર એવી કોઈ જવાબદારી આવી નહોતી એટલે કામ કરવામાં ઢીલ કરતો. આજે કરવાનું કામ આવતી કાલ પર નાખી દેતો. બધી વસ્તુને લાઇફમાં કોઈ દિવસ સિરિયસલી નહોતો લેતો. એટલે શરૂઆતનાં એક-બે વર્ષ મારે માટે ખૂબ કઠિન હતાં. એ પછી લગ્નના એક વર્ષ બાદ દીકરો અસીમ જન્મ્યો અને એ પછી દીકરી આયુષીનો જન્મ થયો. પરિવારનો વિસ્તાર થતાં હું પણ જીવનમાં ધીરગંભીર અને જવાબદાર બની ગયો.’
પતિને ચાઇનીઝની સ્મેલથી પણ ઊબકા આવી જાય છે એટલે મેં પણ છોડી દીધું : હેતલ વ્યાસ
હજી બે વર્ષ પહેલાં ડોમ્બિવલી રહેતી ૨૯ વર્ષની હેતલ અને પ્રિન્સ વ્યાસે લગ્ન કર્યાં છે. તેમને પાંચ મહિનાની દીકરી ત્રિશા છે. હેતલ કહે છે, ‘મારા હસબન્ડને ચાઇનીઝ ફૂડ બિલકુલ પસંદ નથી. તેમને એની સ્મેલથી પણ ઊબકા આવી જાય છે એટલે અમે જ્યારે પણ રેસ્ટોરાંમાં સાથે જમવા જઈએ ત્યારે મને ચાઇનીઝ ખૂબ પસંદ હોવા છતાં હું એ ઑર્ડર નથી કરતી. પ્રિન્સે મને એ ખાવા માટે નથી રોકી, પણ તેમને સ્મેલથી પ્રૉબ્લમ ન થાય એટલે જ મેં એ ખાવાનું છોડી દીધું. છેલ્લાં બે વર્ષમાં મેં ચાઇનીઝ ફૂડને હાથ નથી અડાડ્યો. આમ તો અમારાં લગ્નને બે વર્ષ થયાં છે, પણ મારી પાંચ મહિનાની દીકરીના જન્મ પછીથી તેઓ ઘરકામમાં મદદ કરાવતા થયા છે. તેમને ઑફિસના કામમાંથી ફુરસદ મળે ત્યારે રસોડામાં મદદ કરવા પહોંચી જાય. અમે લગ્ન પહેલાં પણ એકબીજાનાં સારા મિત્ર હતાં, પણ અમુક વસ્તુ તો તમે એક ઘરમાં સાથે રહીને જ જાણી શકો. અમે હજી ૧૦૦ ટકા એકમેક સાથે ઍડ્જસ્ટ નથી થયાં, પણ હંમેશાં એકબીજાને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.’