કપલમાં એક પાર્ટનરની સેક્સ-ડ્રાઇવ વધારે અને બીજાની ઓછી હોય તો સંબંધમાં તણાવ વધી શકે છે. મિસમૅચ્ડ લિબિડો પાછળ હોર્મોન્સ, સ્ટ્રેસ, ઊંઘ અને જીવનશૈલી જવાબદાર હોઈ શકે છે. સંવાદ અને સંમતિથી આ અંતર ઘટાડી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
અમારા સંબંધમાં આમ તો કોઈ તકલીફ નથી, પણ એક જ પ્રૉબ્લેમ છે અને એ છે સેક્સ-ડ્રાઇવનો.
આ પ્રશ્ન અત્યારે ઑલમોસ્ટ દરેક ત્રીજું કપલ સહન કરે છે. પાર્ટનરમાંથી એકને વીકમાં ત્રણથી ૪ વખત ઇન્ટિમેટ થવાનું મન હોય, જ્યારે બીજા પાર્ટનરને માંડ મહિનામાં એક વાર એવી ઇચ્છા થાય. આ ફરિયાદને સેક્સોલૉજીમાં મિસમૅચ્ડ લિબિડો કહે છે. સામાન્ય સંજોગોમાં બને છે એવું કે એવું ધારી લેવામાં આવે છે કે સામાન્ય ભૂખની જેમ જ ઇન્ટિમેટ થવાની ઇચ્છા પણ લોકોની એકસરખી જ હોય; પણ ના, એવું નથી હોતું. જેમ બે વ્યક્તિની ભૂખ કે ઊંઘ એકસરખી નથી હોતી એમ સેક્સ-ડ્રાઇવ પણ દરેકની સરખી નથી હોતી. આવું શું કામ એ પણ જાણવું જોઈએ.
ઇન્ટિમેટ થવાની ઇચ્છા માત્ર મન પર નિર્ભર નથી, પણ શરીરમાં રહેલાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવાં હોર્મોન્સ સાથે સંબંધ ધરાવે છે તો સાથોસાથ દિવસભરનું સ્ટ્રેસ, વર્કલોડ, ઘરની જવાબદારી અને ઊંઘની ક્વૉલિટી પર આધારિત હોય છે તો એમાં વ્યસન પણ એટલું જ જવાબદાર બનતું હોય છે.
એક વાત સમજવાની જરૂર છે કે જેને ઇન્ટિમેટ થવાની ઇચ્છા નથી થતી તે પાર્ટનર તમને પ્રેમ નથી કરતો એવું નથી અને એવી જ રીતે જે પાર્ટનરને વધુ ઇચ્છા થાય છે તે કોઈ વિકૃત કે વાસનાખોર નથી. તે બન્ને પોતપોતાની શારીરિક પ્રકૃતિ મુજબ વર્તે છે. એક પાર્ટનર જ્યારે રિજેક્શન અનુભવે અને બીજો પાર્ટનર દબાણ અનુભવે ત્યારે બેડરૂમ પ્રેમનું સ્થાન મટીને યુદ્ધનું મેદાન બની જાય છે, પણ એવું ન કરવું હોય તો સૌથી સરળ રસ્તો છે સંવાદ અને સ્વીકાર.
સૌથી પહેલાં તો એકબીજા પર દોષારોપણ ન કરો. જેની ઇચ્છા વધારે છે તેણે એ સમજવું પડશે કે સેક્સ એ ફરજિયાત ડ્યુટી નથી, એમાં બન્નેની સંમતિ અનિવાર્ય છે. જેની ઇચ્છા ઓછી છે તેણે પણ સાથીની જરૂરિયાતને સાવ અવગણવાને બદલે સાચું કારણ જણાવવું જોઈએ.
એક કપલમાં ફીમેલને પાયોરિયા હતો જેને લીધે હસબન્ડ તેની નજીક જવા તૈયાર જ ન થાય. વાત છેક ડિવૉર્સ સુધી પહોંચી ત્યારે મૅરેજ કાઉન્સેલર પાસે આ વાતનો ખુલાસો થયો અને બધું થાળે પડ્યું. કહેવાનો મતલબ એ કે સંવાદ કરો અને એકબીજાને ખુલ્લા મને વાત કરો અને સમજો કે સેક્સ એ ગણિતનો સરવાળો કે બાદબાકી નથી પણ બે મનનો મેળ છે. જ્યાં સુધી સંબંધમાં પરસ્પર આદર અને સહાનુભૂતિ રહેશે ત્યાં સુધી શરીરનું આ અંતર ક્યારેય દીવાલ નહીં બને. પ્રેમમાં થોડી ધીરજ અને થોડું જતું કરવાની ભાવના રાખવી એ જ સાચી સમજદારી છે.
-ડૉ. મુકુલ ચોકસી
