થાણે જિલ્લામાં સમૃદ્ધિ મહામાર્ગ પર એક વ્યક્તિ પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા રોકડા અને અન્ય કીમતી વસ્તુઓ લૂંટી લેવાના આરોપસર પોલીસે પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે.
સમૃદ્ધિ મહામાર્ગ
થાણે જિલ્લામાં સમૃદ્ધિ મહામાર્ગ પર એક વ્યક્તિ પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા રોકડા અને અન્ય કીમતી વસ્તુઓ લૂંટી લેવાના આરોપસર પોલીસે પાંચ વ્યક્તિની ધરપકડ કરી છે.
બીજી નવેમ્બરે પુણેના પંચાવન વર્ષના ખાન અબ્દુલ ફરીદ અબ્દુલ હમીદ તેમના ડ્રાઇવર સાથે કારમાં છત્રપતિ સંભાજીનગરથી થાણેના કલવા જઈ રહ્યા હતા ત્યારે પાંચ લૂંટારાઓએ અન્ય એક કાર વડે તેમનો રસ્તો રોકી દીધો હતો. હુમલાખોરોએ ખાન અબ્દુલ ફરીદ અબ્દુલ હમીદ અને તેમના ડ્રાઇવરને છરીઓ અને ગન બતાવીને ધમકાવ્યા હતા અને તેમની પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા રોકડા તથા મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. તેમણે ડ્રાઇવરને થોડા સમય માટે કારની અંદર જ બંધક બનાવી રાખ્યો હતો.
ADVERTISEMENT
ઘટનાસ્થળે કોઈ ભૌતિક પુરાવા ન મળતાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ તેમના વતન છત્રપતિ સંભાજીનગર ભાગી ગયા છે. પોલીસની એક ટીમે ત્યાં પહોંચીને મંગળવારે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે આગળની તપાસ ચાલુ છે.
