Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

જો દિલને કહા હમને કિયા

Published : 28 February, 2025 09:55 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

૩૦ વર્ષની ઉંમરે ઠરીઠામ થવાને બદલે ફરીથી અધ્ધરતાલ થવાનું સ્વીકારીને ગમતા ભવિષ્ય તરફ ડગ માંડનારા આ યુવાવર્ગની થૉટ-પ્રોસેસને સમજીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ત્રીસીમાં પ્રવેશેલા યુવાવર્ગની આ એવી વાતો છે જેમાં તેમણે ભણી લીધા પછી ફરી ભણવાનો નિર્ણય લીધો હોય, કરીઅર સેટલ થયા પછી ફરીથી નવો રાહ કંડાર્યો હોય કે પછી નવેસરથી સ્થળાંતર કરીને બૈરી-છોકરાં સાથે ફૉરેન સેટલ થવાનો નિર્ણય લીધો હોય. ધબકારા વધી જાય એવી અનિશ્ચિતતાઓથી ભરેલા નિર્ણયો લેવાની ડેરિંગ તેમણે બતાવી છે. સમાજના સો-કૉલ્ડ સિક્યૉરિટીના માપદંડો તેમને નડ્યા નથી. ‘હવે તો અવસર વીતી ગયો’વાળો ફંડા તેમને માન્ય નથી. ૩૦ વર્ષની ઉંમરે ઠરીઠામ થવાને બદલે ફરીથી અધ્ધરતાલ થવાનું સ્વીકારીને ગમતા ભવિષ્ય તરફ ડગ માંડનારા આ યુવાવર્ગની થૉટ-પ્રોસેસને સમજીએ




કપિલ દેઢિયા,  ફૉરેન સ્ટડીઝ કન્સલ્ટન્ટ


જરાક વિચાર કરો કે ૩૬ વર્ષની ઉંમરમાં જ્યારે તમારી પાસે ૧૧ વર્ષનો અનુભવ હોય અને સારામાં સારી કંપનીમાં ઊંચા પૅકેજની સૅલેરી સાથે તમે કામ કરી રહ્યા હો એવા સમયે અહીંની પ્રદૂષણયુક્ત નિમ્ન સ્તરની જીવનશૈલીને તમે રિજેક્ટ કરો અને નક્કી કરો કે બસ, બહુ થયું... હવે આ રીતે નથી જીવવું અને તમે બધું જ મૂકીને નવેસરથી ફૉરેન ભણવા જવાનો નિર્ણય લીધો અને ભણવાની સાથે તમારા ગમતા દેશમાં સેટલ થવાનો નિર્ણય પણ લઈ લીધો. અને સૌથી મહત્ત્વની વાત કે અહીં વાત તમારા એકલાની નથી, તમારો લાઇફ-પાર્ટનર અને તમારું બાળક પણ આ નિર્ણયથી પ્રભાવિત થવાનું છે પરંતુ તમે મક્કમતાથી નિર્ણય લઈ જ લો છો.

બોલો શું લાગે છે, આવી ડેરિંગ કેટલાક જણ કરી શકે? એક જમાનો હતો જ્યારે સોમાંથી એક વ્યક્તિ આવો બોલ્ડ ડિસિઝન લઈ શકતી. આજે સોમાંથી વીસ લોકો આ નિર્ણય લેતા થયા છે અને મોટા ભાગના કેસમાં વ્યક્તિની ઉંમર ૩૦થી ૪૦ વર્ષની વચ્ચેની છે. ફૉરેન સ્ટડીઝ માટે કન્સલ્ટન્સી કરતી જી. બી. એજ્યુકેશન નામની કંપનીમાં છેલ્લાં ૧૯ વર્ષથી વિદ્યાર્થીઓને ગાઇડ કરી રહેલા કપિલ દેઢિયા પાસે કુલ ક્લાયન્ટ્સમાંથી લગભગ વીસ ટકા ક્લાયન્ટ્સ એવા છે જે ફૉર્મલ એજ્યુકેશનની પ્રચલિત ઉંમર વટાવી ચૂક્યા છે. યસ, મોટા ભાગે ૨૦ વર્ષની ઉંમર પહેલાં જ વિદેશ ભણવા જવું કે નહીં એનો નિર્ણય લેવાઈ ગયો હોય, પણ અહીં વાત સેટ કરીઅર પછી ફરી ભણવા ગયેલા લોકોની છે. કપિલભાઈ કહે છે, ‘આમ તો ભણવાની કોઈ ઉંમર જ નથી, પરંતુ સેટલ થયા પછી ફરીથી નવો અધ્યાય શરૂ કરવાનું આજે જેટલું સામાન્ય બનતું જાય છે એવું આજથી પંદરેક વર્ષ પહેલાં નહોતું જ. હા, એકાદ-બે કેસ આવતા, પણ હવે એનું પ્રમાણ વધ્યું છે અને વધી રહ્યું છે. એવા-એવા કિસ્સાઓ છે કે શું કહું. ૩૭ વર્ષનાં એક બહેન અત્યારે યુકેમાં ભણવા ગયાં છે અને તેમની સાથે તેમના ડિપેન્ડન્ટ તરીકે તેમનાં બાળકો અને હસબન્ડ પણ છે. પહેલાં એવું હતું કે છોકરો ભણવા જતો અને તેની ફૅમિલી ડિપેન્ડન્ટ તરીકે તેની સાથે જતી, આજે એવું નથી. અમુક કિસ્સામાં તો હસબન્ડ ડિપેન્ડન્ટ તરીકે વાઇફ સાથે ગયો હોય અને અત્યારે તે વિદેશમાં વાઇફ કરતાં વધુ કમાતો હોય એવું પણ જોયું છે. ક્યારેક કોઈક રિલેટિવ હોય જે મોટિવેટ કરે અને બેટર લાઇફ અને ઑપોર્ચ્યુનિટી માટે યંગસ્ટર્સ થર્ટીઝમાં પણ રીસેટલ થવા તૈયાર થઈ જાય છે. એક યુવાન ૩૨ વર્ષની ઉંમરે કોંકણ રેલવેમાં ૧૦ વર્ષના અનુભવવાળી જૉબ છોડીને ફરી ન્યુ ઝીલૅન્ડ ભણવા ગયો, કારણ કે તેને ત્યાં જ સેટલ થવું હતું. જુઓ, અર્લી ટ્વેન્ટીઝમાં જે વિદ્યાર્થીઓ ફૉરેન ભણવા જાય એ બધાનો ગોલ ત્યાં સેટલ થવાનો જ હોય એવું નથી. ઘણી વાર બેટર એજ્યુકેશન માટે, તેને જે ભણવું છે એના ભારતમાં પર્યાયો નથી એમ વિચારીને કે પછી અહીં કોઈ સારી કૉલેજમાં ઍ‌ડ‍્મિશન ન મળ્યું એટલે જાય છે. પરંતુ થર્ટીઝની જનરેશન ફૉરેનમાં રીસેટલ થવાના ધ્યેય સાથે જ વિદેશનો રાહ પકડતી હોય છે. જવાબદારીઓ વચ્ચે આ નિર્ણય બોલ્ડ હોય છે, પણ તેમને ન ફાવ્યું તો પાછા આવશું એ મામલે પણ માઇન્ડ ક્લિયર હોય છે.’ આ તો માત્ર ફૉરેન સ્ટડીઝની વાત થઈ, પરંતુ એવા પણ યુવાનો છે જેમણે ભારતમાં જ રહીને પોતાના જીવનમાં એક તબક્કે મસમોટો બદલાવ લાવ્યો હોય. ત્રીસીમાં પ્રવેશેલા મિલેનિયલમાં ડેરિંગ છે. એ કૅલ્ક્યુલેટિવ રિસ્ક લે છે. જે ઉંમરમાં ઠરીઠામ થઈને જે કરતા હો એમાં જ આગળ વધવાનું હોય એ ઉંમરમાં તમે નવેસરથી એકડો ઘૂંટવાની હિંમત જુટાવો એ અનુભવ લેનારા આ જનરેશનના ટર્નિંગ પૉઇન્ટના કેટલાક રોમાંચક કિસ્સાઓ જાણીએ અને તેમના મજબૂત વિલપાવર પાછળના તથ્યને પણ સમજીએ. 


MBA કર્યા પછી ટૉપની કૉર્પો રેટ કંપનીમાં કામ કરી લીધું, પણ મજા નહોતી આવતી એટલે બધું છોડીને કોરિયોગ્રાફી શરૂ કરી : પૂજા ગોટેચા

ઘાટકોપરમાં રહેતી પૂજા ગોટેચાને નાનપણથી ડાન્સનો શોખ હતો, પરંતુ શોખ એની જગ્યાએ અને કરીઅર એની જગ્યાએ એ સાંભળેલી વાત પ્રમાણે માર્કેટિંગમાં MBA કરનારી પૂજાએ છ વર્ષ સુધી ભારતની અગ્રણી કંપનીઓમાં કામ કર્યું. ટૉપની ઍડ એજન્સીમાં કામ કરતાં-કરતાં ઘણી અગ્રણી સેલિબ્રિટીઝ સાથે કામ કરી ચૂકેલી પૂજા કહે છે, ‘વાયકૉમ મોશન પિક્ચર્સ, ડેન્ટ્સુ જેવી પ્રોડક્શન કંપની ઉપરાંત આર્ટિસ્ટ મૅનેજમેન્ટ કંપની કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્ક અને ધર્મા કૉર્નરસ્ટોન એજન્સીમાં પણ કામ કર્યું જેમાં મેં કૅડબરી અને શાઓમી કંપનીનું કૅમ્પેન હૅન્ડલ કર્યું હતું. અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, અપારશક્તિ ખુરાના, કરીના કપૂર, સૈફ અલી ખાન, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની જેવા ઘણા જાણીતા ચહેરાઓ સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. જોકે ખૂબ કામ કર્યા પછી પણ સૅટિસ્ફૅક્શન નહોતું મળતું. વ્યસ્તતા હતી, પણ મજા નહોતી. નેમ અને ફેમ હતાં, પણ મનને કંઈક ખૂટતું લાગતું હતું કારણ કે બાળપણથી પૅશનેટ ડાન્સર રહી હતી. ગરબામાં ઘણા અવૉર્ડ જીતી હતી. શરૂઆતમાં માત્ર શોખ માટે લગ્નના સંગીતની કોરિયોગ્રાફી કરાવવાનું શરૂ કર્યું. જૉબની સાથે કામ કરતી એટલે થાકી જતી. જોકે તોય એમાં મજા આવતી.’
જોકે ૨૦૨૩માં પોતાની ઝળહળતી કૉર્પોરેટ કરીઅર છોડીને ડાન્સને જ પોતાનું ફુલટાઇમ કામ બનાવવાનું નક્કી કર્યું. પૂજા કહે છે, ‘મારા મનમાં એક જ વાત હતી કે અભી નહીં તો કભી નહીં. ક્યારેક તો આ ફાઇનૅન્શિયલ સિક્યૉરિટીના ભ્રમમાંથી બહાર આવવું જ પડશે. જો એ નહીં કરું તો જીવનભર માટે પોતાને ગમતા ફીલ્ડમાં કામ નહીં કરી શકવાનો અફસોસ રહેશે. અને બસ, ડિસાઇડ કરી લીધું કે હવે બસ થયું. ઘાટકોપરમાં ગરબા ક્લાસ શરૂ કર્યા. પછી તો ડાન્સના ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું. વેડિંગથી લઈને કૉર્પોરેટ ઇવેન્ટ માટે કામ કર્યું. ઘણા પર્ફોર્મન્સને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે. ઇન ફૅક્ટ મારી ડૂ ઇટ યૉરસેલ્ફ ગરબા રીલને ઇન્સ્ટાગ્રામ પર ૧૫ લાખ જેટલા વ્યુઝ મળ્યા છે. ઘણી સેલિબ્રિટીઝને રીલ્સની કોરિયોગ્રાફીમાં મેં હેલ્પ કરી છે.’
ડાન્સ આર્ટ છે અને એમાં સતત તમારે તમારી જાતને નિખારતા રહેવું પડે એમ જણાવીને પૂજા આગળ કહે છે, ‘નોકરી છોડવાનો નિર્ણય દુનિયાને સરપ્રાઇઝ કરનારો હતો. જોકે ડાન્સનું ડેડિકેશન હતું એટલે જે થશે એ જોયું જશે એવો કૉન્ફિડન્સ જ મને આગળ લઈ ગયો. બીજું, મને મારા પેરન્ટ્સનો ખૂબ સપોર્ટ મળ્યો. ફૅમિલી બૅકબોન બનીને મારા ડિસિઝન સાથે ઊભી રહી એ ચીજે બહુ ફરક પાડ્યો. હું આજે પણ ચારથી પાંચ કલાકની સેલ્ફ-પ્રૅક્ટિસ કરું છું. સતત નવાં-નવાં સ્ટેપ્સ શીખતી રહું છું. જો તમે મહેનત ન કરવાના હો તો સ્ટેબિલિટીને ક્યારેય ડિસ્ટર્બ ન કરવાની સલાહ જ આપીશ.’

 

૨૬ વર્ષની ઉંમરે પોતાની હૉસ્પિટલ ઊભી કરી, પછી વિદેશમાં ટ્રેડિંગ કંપની અને હવે શરૂ કર્યું છે સાઇબર સિક્યૉરિટીનું કામ : ડૉ. આશિષ સુતરિયા

અત્યારે ઉંમર છે ૩૨ વર્ષ, પણ ડૉ. આશિષ સુતરિયા સાથે વાત કરો તો લાગે કે તમે દુનિયાભરનો અનુભવ ધરાવતી કોઈ પાકટ વયની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો. ઉંમર ભલે નાની હોય, પણ ડૉ. આશિષનો અનુભવ મોટો છે. સામાન્ય રીતે જે ઉંમરમાં કઈ રીતે કરીઅરની શરૂઆત કરવી એ વિશે લોકો વિચારતા હોય એ ઉંમરમાં ત્રણેક સફળ પ્રોજેક્ટ પાર પાડી દીધા છે અને સતત નવા-નવા કામની દિશામાં તેમની ગતિ અકબંધ છે. નાનપણથી જ મોટો થઈને ડૉક્ટર બનીશ એવું નક્કી કરનારા અને પછી ઑર્થોપેડિક્સમાં સ્પેશ્યલાઇઝેશન કરનારા ડૉ. આશિષની લાઇફમાં પહેલો ટર્નિંગ પૉઇન્ટ ત્યારે આવ્યો જ્યારે તેઓ ડેન્ગીમાં સપડાયેલા પિતાને બચાવી ન શક્યા. ડૉ. આશિષ કહે છે, ‘મારા જીવનનો એ સૌથી મોટો ઝાટકો હતો. અમે સુરતમાં રહેતા અને મારા ભણવાની સાથે જ ઑર્થોપેડિક્સમાં ઍક્યુપંક્ચર અને અન્ય હીલિંગ થેરપીનો ઉપયોગ કરીને પેશન્ટને સાજા કરવાની દિશામાં હું રિસર્ચ કરી રહ્યો હતો. ભણતાં-ભણતાં મેં ડૉક્ટરોની ટીમ બનાવીને તેમને ટ્રેઇનિંગ આપીને દરદીઓને સાજા કરવાની બાબતમાં ઇફેક્ટિવ પરિણામ મેળવ્યું હતું. સુરતમાં ખૂબ બધી ઓળખાણો હતી અને છતાં પિતાને બચાવવાનો સમય આવ્યો ત્યારે સારામાં સારા ડૉક્ટર અવેલેબલ હતા છતાં કંઈ ન કરી શક્યો. એ સમયે હું એકદમ હતાશ થઈ ગયો. ભણવાનું પૂરું થયું હતું અને હવે સુરતમાં રહીને આગળ ઘણું કરી શકાય એમ હતું, પરંતુ મને કંઈ જ કરવાની ઇચ્છા નહોતી રહી. એમ કહી શકો કે મારા જીવનનો એ ડિપ્રેશનનો સમય. હું ક્યાંક એવી જગ્યાએ જવા માગતો હતો જ્યાં મને કોઈ ઓળખતું ન હોય અને એ રીતે હું
મુંબઈ આવ્યો.’

મુંબઈ આવ્યા પછી પણ સર્વાઇવલ માટે ઑર્થોપેડિક પેશન્ટ મળી ગયા અને રિઝલ્ટથી વધુ ને વધુ લોકો પણ મળતા ગયા. એ દરમ્યાન ડૉ. આશિષનો મુંબઈમાં જ બાઇક સાથે ઍક્સિડન્ટ થયો. ડૉ. આશિષ કહે છે, ‘મુંબઈમાં સ્ટેબિલિટી આવી ત્યાં જ આ ઘટના ઘટી. ખૂબ ઇન્જરી હતી. પગના ટુકડા થઈ ગયા હતા એમ કહો તો ચાલે. અને એક મહિના પછી મારાં લગ્ન હતાં. હું ઍમ્બ્યુલન્સમાં સુરત પાછો ગયો. કેટલીક સેલ્ફ-ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી અને મહિનામાં મારા પગ પર ઊભા રહીને દેખાડ્યું. એ પહેલાં પણ મારા જીવનમાં એક અકસ્માત થયો હતો. મેડિકલ સ્ટુડન્ટ્સની સ્ટડી-ટ્રિપમાં હતો ત્યારે બસનો અકસ્માત થયેલો. મારી પાછળ બેઠેલી યુવતી, મારી સામે બેઠેલો બસનો ડ્રાઇવર એ બધાં જ ગુજરી ગયાં. મારો બચાવ ચમત્કારિક હતો. ત્યારથી નક્કી કર્યું કે ઈશ્વરે બચાવ્યો છે તો કોઈક કારણથી અને એ રીતે સેવા માટે ડૉક્ટર અને કમાવા માટે બીજા વેપાર કરવાનું મનોમન નક્કી કરી લીધેલું.’

કોવિડમાં બેફામ પેશન્ટને લૂંટી રહેલા ડૉક્ટરોને જોઈને જ ડૉ. આશિષને પોતાની હૉસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો. મેડિકલ સાથે સંકળાયેલા કેટલાક મિત્રોને જોડીને બહારથી પૈસા અરેન્જ કરીને ચાર કરોડના ખર્ચે હૉસ્પિટલ બનાવી અને આજે આર્થિક રીતે નબળા લોકો પાસે ફી નથી લેવાતી. ડૉ. આશિષ કહે છે, ‘એક કરોડમાં હૉસ્પિટલ બનાવવાનો ટાર્ગેટ હતો એના બદલે ચાર કરોડ થયા. બહુ જ સ્ટ્રેસ હતું. જૉઇન્ટ ફૅમિલીમાં રહું એટલે ઘર ચલાવવાની ચિંતા નહોતી. વાઇફ ફિઝિયોથેરપિસ્ટ એટલે તેણે ખૂબ હેલ્પ કરી. જોકે મનમાં નિશ્ચય હતો કે આપણી હૉસ્પિટલ હશે તો આપણે દરદીઓની સેવા કરી શકીશું. બે વર્ષ તનતોડ મહેનત કરીને હૉસ્પિટલને ધમધમતી કરી દીધી. અમારી હૉસ્પિટલમાં દરદી ઇમર્જન્સીમાં આવે તો ક્યારેય ફી, ફૉર્મ જેવી ફૉર્માલિટી કરવામાં નથી આવતી. દરદીને પહેલાં સારવાર અપાય. અત્યારે લગભગ ૫૦ લાખ રૂપિયા જેટલી રકમ છે જે દરદીઓએ ન ચૂકવી હોય.’

હૉસ્પિટલ કમાવા માટે નહોતી શરૂ કરી એટલે કમાવા માટે કંઈક કરવું પડશે એમ વિચારીને ડૉ. આશિષે એક નવી દુનિયામાં પગ માંડ્યા. તેઓ કહે છે, ‘મને ભારતમાં બેસીને દુનિયામાં વેપાર કરવો છે એવી નાનપણથી ઇચ્છા હતી. હું યુનિવર્સને સતત એ મેસેજ આપતો. એ દરમ્યાન મને ટ્રેડિંગ કંપનીનો વિચાર આવ્યો. એનો સ્ટડી સાઇડ-બાય-સાઇડ નાનપણથી કરી જ રહ્યો હતો. એક સરસ વ્યક્તિ પાર્ટનર તરીકે મળી ગઈ. લોકોને શરૂઆતમાં આ વિચાર હાસ્યાસ્પદ લાગતો. તમે માનશો નહીં પણ મારી વાઇફને ઘરે આવીને કેટલાક મિત્રો કહી ગયા છે કે આ તો માત્ર વાતો છે, આમ કંઈ કંપની શરૂ ન થાય. એ પણ વિદેશમાં. કેટલાં સર્ટિફિકેટ જોઈએ અને કેટલીયે મથામણ કરવી પડે. જોકે એક જ વર્ષમાં જે લોકો વાતો કરતા હતા અને માત્ર મારું મન રાખવા એમાં જોડાયા હતા એ લોકોના ઘરે પ્રૉફિટ પહોંચવા માંડ્યો અને તેમને ચમકારો થયો. હવે એ કામ સ્ટેબલ થઈ ગયું છે એટલે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. સાઇબર સિક્યૉરિટી અત્યારના સમયની ડિમાન્ડ છે. એક મુંબઈના જ મિત્ર છે તેમની સાથે મળીને કંપની શરૂ થઈ ગઈ છે. થોડાક પ્રોજેક્ટ પર પણ કામ શરૂ થઈ ગયું છે.’

૩૨ વર્ષની ઉંમરે ત્રણ ક્ષેત્રમાં ઝંપલાવી દેનારા આ યુવાને પોતાના ગામમાં સદાવ્રત ઍક્ટિવિટી શરૂ કરી છે જેમાં શારીરિક રીતે નબળી સ્થિતિના ૨૫ જેટલા વડીલોને સવાર-સાંજનું ભોજન પહોંચાડવામાં આવે છે. ડૉ. આશિષ કહે છે, ‘મેં નક્કી કર્યું છે કે મારા દેશ માટે અને દેશના જરૂરિયાતમંદ લોકો માટે જ આ જીવનનો સર્વાધિક ઉપયોગ કરવો છે. મારે ખૂબ પૈસા કમાવા છે, પરંતુ એ પૈસાનો ઉપયોગ જીવનના આ ધ્યેય માટે કરવો છે. લોકો શું વિચારશે એવો વિચાર મને નથી આવતો. નિષ્ફળતાનો ડર પણ નથી લાગતો. ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા છે કે સારી દાનત સાથે કામ શરૂ કર્યું હશે તો અંતે બધું સારું જ થશે.’

ઇમિટેશન જ્વેલરીનો ધંધો બંધ કરીને ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારે લોકો મૂર્ખ સમજતા હતા : નીરવ શાહ

૨૦૨૧માં કાંદિવલીના ૩૬ વર્ષના નીરવ શાહે એક નિર્ણય લીધો જેને તેમના મિત્રોથી લઈને કેટલાક સંબંધીઓએ પણ મૂર્ખતાભર્યો નિર્ણય ગણાવ્યો હતો. કોવિડ આવ્યો અને લૉકડાઉનમાં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ ઠપ થઈ ગયો હતો. લાખોનું રોકાણ કરીને ઊભી કરેલી ફૅક્ટરી અને દુકાનમાં ડેડ સ્ટૉક પડ્યો હતો. વેચાણ થઈ નહોતું રહ્યું. ઘણા વેપારીઓ પૈસા આપ્યા વિના માલ લઈ ગયા. ઘણા ઊઠી ગયા. નીરવ કહે છે, ‘મેં જ્યારે મારી ફૅક્ટરી અને દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે મારા માટે પણ ઘણાએ એવી ધારણા બાંધી હતી કે કદાચ હું પણ નુકસાની વેઠી ન શક્યો અને ઊઠી ગયો. જ્વેલરીનો બિઝનેસ મને મારા પિતાએ શીખવ્યો હતો અને તેમનો ત્રીસ-પાંત્રીસ વર્ષનો અનુભવ હતો. લગ્ન પછી મને સ્વતંત્ર રીતે આગળ વધારવા માટે તેમણે મને પોતાના ધંધામાંથી અલગ કરીને પોતાની રીતે ધંધો કરવા કહ્યું. ૨૦૦૮માં 

જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો અને એમાં પણ સારું જ ગુજરાન ચાલી રહ્યું હતું. જોકે કોવિડમાં બધી જ ગણતરી ઊંધી પડી. સર્વાઇવલનો પ્રશ્ન આવ્યો. માલ વેચવા માટે વેપારીઓ પાસે ભાઈ-બાપા કરવા પડતા હતા. એક દિવસ મનમાં થયું કે આ બધું બહુ થયું. કૉલેજમાં હતો ત્યારે ત્રણ વર્ષ માટે મેં શૅરબજારની ટ્રેઇનિંગ લીધી હતી. માર્કેટને લગતી બેઝિક વસ્તુઓ શીખ્યો હતો. બસ, એના આધારે ફરી માર્કેટમાં ટ્રેડિંગ કરીશ એવું નક્કી કર્યું. એ પણ સમય સંઘર્ષનો જ હતો, કારણ કે હું ખૂબ સ્ટડી કરતો. આમ જ સ્પેક્યુલેશનના આધારે ઇન્વેસ્ટ નહોતું કરવું. કંપનીનું સ્ટેટસ, સરકારની પૉલિસીઓ, આવી રહેલા ચેન્જ એ બધું સ્ટડી કરવાની સાથે દરરોજ બેથી ત્રણ જુદી-જુદી વર્કશૉપ અટેન્ડ કરતો. પૂરતી મહેનત પછી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું અને પરિણામ દેખાવા માંડ્યું. જ્યારે નક્કી કર્યું કે ફૅક્ટરી બંધ કરું છું ત્યારે મારા પર હસનારા લોકોની કમી નહોતી. બહુ જ સોશ્યલ પ્રેશર હતું. મારા સમજાવ્યા પછી મારી વાઇફ અને પેરન્ટ્સનો ફુલ સપોર્ટ હતો. તેમને મારા પર ભરોસો હતો અને મેં મારા રિસર્ચના આધારે કામ શરૂ કર્યું.’

નીરવને શૅરબજાર એવું ફળ્યું કે ભાડાના મકાનમાંથી તે પોતાના મકાનમાં પહોંચી ગયો. તે કહે છે, ‘લાઇફમાં અમુક નિર્ણય હંમેશાં જોખમી જ હોય છે. ધારો કે કોવિડ ન આવ્યો હોત અને જ્વેલરીમાં મંદી ન હોત તો કદાચ આવું સ્ટેપ લેવાની હિંમત હું પણ ન કરી શક્યો હોત. એ સમયે હું જીવનના એ સ્ટેજ પર હતો કે હું નવું કામ શરૂ કરું કે ન કરું, રિસ્ક બન્ને સ્થિતિમાં હતું. કોવિડમાં મુખ્યત્વે ચાર જ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી - અનાજ, દૂધ, મેડિકલ અને શૅરબજાર. બાકી ત્રણમાં મને કોઈ નૉલેજ નહોતું એટલે શૅરબજારને પસંદ કર્યું. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું તો એમ લાગે છે કે આટલાં વર્ષ જ્વેલરીમાં બગાડ્યા એના કરતાં પહેલાં જ આ નિર્ણય લઈ લીધો હોત તો? પણ ખેર, જે થાય એ સારા માટે જ હોય છે. ૨૦૦૮માં હું જ્યારે શૅરબજાર શીખતો હતો ત્યારે વૈશ્વિક મંદી હતી. એને કારણે પપ્પાના જમાવેલા જ્વેલરી બિઝનેસમાં આવ્યો હતો. જોકે એક વસ્તુ સમજાઈ કે ગમે તે કામ કરો, મહેનત વિના છૂટકો નથી, જે અમારી પેઢીને બરાબર સમજાય છે.’

દીકરો જન્મ્યો એ જ દિવસે સારો પગાર આપતી શિપિંગની ૧૦ વર્ષની જૉબ છોડીને ફુલટાઇમ ઍન્કરિંગ કરવાનો નિર્ણય ખરેખર અઘરો જ હતો મારા માટે : રુચિત શાહ

 

છ મહિના પહેલાં ભાઈંદરમાં રહેતા ૩૧ વર્ષના રુચિત શાહના ઘરે દીકરા ધ્વનયનો જન્મ થયો એ જ દિવસે તેણે પોતાની ૧૦ વર્ષ જૂની જૉબ છોડી દીધી. એક શિપિંગ કંપનીમાં બે શિપનું મૅનેજમેન્ટ કરતા ૩૧ વર્ષના રુચિતનું પૅશન ઍન્કરિંગમાં હતું અને એને જ ફૉલો કરવા માટે મન ઉત્સુક હતું. ઘણી નોકરીઓ સાથે આ કામ કર્યું પરંતુ ઇન્કમને ટોટલી બંધ કરીને ફુલટાઇમ માત્ર ઍન્કરિંગ જ કરવું એ નિર્ણય લેવો એ થોડું બોલ્ડ ડિસિઝન હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ કરનારો રુચિત કહે છે, ‘નાનપણથી જ મને સ્ટેજ પર્ફોર્મન્સનો શોખ હતો. જોકે મેકૅનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી શોખ અને પ્રોફેશન જુદા જ રાખવાના હોય એવું લોકો પાસેથી સમજ્યો હતો. પહેલી જ જૉબ ઇન્ફોસિસમાં મળી, પણ ITમાં મને કોઈ જ ટપ્પો ન પડે. જરાય મજા જ ન આવે. એટલે એ જૉબ છોડી દીધી અને કૉસ્મેટિક્સ બનાવતી એક કંપનીમાં પ્રોડક્શન મૅનેજર તરીકે જૉઇન થયો. વસઈમાં ફૅક્ટરી હતી અને હું ભાઈંદર રહું એટલે નજીક પણ પડે. એ કામ સાથે હું મારો ઍન્કરિંગનો શોખ પણ પૂરો કરતો. એ દરમ્યાન એક શિપિંગ કંપનીમાં સારી સૅલેરી સાથે જૉબ મળી ગઈ એટલે લઈ લીધી. એ દરમ્યાન જ લગ્ન થયાં. એમાં એવી સ્થિતિ હતી કે સવારે વહેલો ઑફિસનું કામ કરું. સાંજે ઑફિસ પતે એટલે સાત વાગ્યે સ્ટેજ પર હોઉં. શો પતે એટલે પાછો રાતે કમ્પ્યુટર પર હોઉં. ૨૪ કલાકમાં ૪૮ કલાકનું કામ કરતો. ન જાત માટે ટાઇમ મળે, ન ફૅમિલી માટે. આખો દિવસ કામ, કામ, કામમાં જ મન પરોવાયેલું રહેતું. અરે, પૈસા કમાઈને પણ ફરવા નહોતો જઈ શકતો. મારી હેલ્થ પર અસર દેખાવા માંડી હતી. મનમાં ઘણા વખતથી ચાલતું હતું કે આમ બે બાજુ કામ નહીં થઈ શકે. ઍન્કરિંગ સિક્યૉર્ડ કામ નહોતું. ફિક્સ ઇન્કમ છોડીને આવા ફ્રીલાન્સિંગવાળા કામ ન કરાય એવું ઘણા લોકો કહી ચૂક્યા હતા. જોકે ૧૦ વર્ષના ગાળામાં સારીએવી સેવિંગ કરીને એક સ્ટેબિલિટી લાવી દીધી અને નોકરી છોડી દીધી. યોગાનુયોગ ઘરે દીકરો અવતર્યો એ દિવસે જ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો.’

અહીં જોકે રુચિત એક સ્પષ્ટતા પણ કરતાં કહે છે, ‘મેં મારા પૅશનને ફૉલો કરવા અને મારી ક્વૉલિટી સુધારવા માટે જૉબ છોડીને ઍન્કરિંગને ફુલટાઇમ આપવાનું નક્કી કર્યું એ પહેલાં મારી પાસે પૂરતું સેવિંગ હતું. મારી વાઇફની જૉબ ચાલુ હતી. જૉઇન્ટ ફૅમિલીમાં હતા એટલે ભાઈનો પૂરો સપોર્ટ હતો. બીજી બાજુ, હું જે પ્રોગ્રામ કરાવતો એમાં પણ જીવ લગાવી દેતો. મારા એકેએક પ્રોગ્રામ હિટ જાય એ માટે હું મારા તરફથી ૨૦૦ ટકા આપતો. મને લાગે છે કે એ કામ કરી ગયું. મારા અનુભવ પરથી એટલું જ કહીશ કે પૅશનને ફૉલો કરવામાં વાંધો નથી પણ સાથે થોડું સ્ટેબિલિટીનું ધ્યાન રખાય એ પણ જરૂરી છે. મેં નોકરી છોડી ત્યારે એટલું તો નિશ્ચિત હતું કે એક વર્ષ સુધી મને કામ ન મળે તો મારી ફૅમિલીની હૅપીનેસને ફરક નહીં પડે. એ વાત અલગ છે કે હું નોકરીમાં કમાયો હોત એના કરતાં ત્રણગણી આવક ઍન્કર તરીકે મને માત્ર છ મહિનામાં થઈ છે.’

પૅશનને ફૉલો કરવામાં વાંધો નથી પણ સાથે થોડું સ્ટેબિલિટીનું ધ્યાન રખાય એ પણ જરૂરી છે. મેં નોકરી છોડી ત્યારે એટલું તો નિશ્ચિત હતું કે એક વર્ષ સુધી મને કામ ન મળે તો મારી ફૅમિલીની હૅપીનેસને ફરક નહીં પડે. 

‘દુબઈમાં ઑપોર્ચ્યુનિટી છે, ટ્રાય તો કરો...’ અને અમે નીકળી ગયાં : નિખિલ કેનિયા

સાંતાક્રુઝમાં જન્મેલો અને MBA ઇન ફાઇનૅન્સ કરનારો ૩૬ વર્ષનો નિખિલ કેનિયા અને તેની વાઇફ ૯ વર્ષ પહેલાં મુંબઈની સેટલ્ડ લાઇફ છોડીને જ્યારે દુબઈ ગયાં ત્યારે તેમના હાથમાં કોઈ કામ નહોતું. તેમને બસ એવું લાગ્યું કે કંઈક ચેન્જ લાવીએ અને સારું જીવન જીવીએ. હિંમત કરીને દુબઈની રાહ પર કેવી રીતે આગળ વધ્યાં એ જીવનના ટર્નિંગ પૉઇન્ટ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મુંબઈના રસ્તા, પૉલ્યુશન, ટ્રાફિકથી થાક્યાં હતાં. લગ્ન થયા પછી બેટર લાઇફ જોઈતી હતી. સાડાત્રણ વર્ષ મેં મુંબઈમાં કામ કર્યું હતું, પણ એનાથી ખુશ નહોતો. સારી જૉબ શોધી રહ્યો હતો એ દરમ્યાન દુબઈમાં રહેતા મારા સાળાના કહેવાથી અમે ત્રણ મહિનાની ટ્રાયલ વિચારીને દુબઈ શિફ્ટ થયાં અને ત્યારથી અહીં જ છીએ. અફકોર્સ જૉબ શોધવાથી લઈને અહીંના વર્ક-કલ્ચર સાથે મૅચ થવામાં સમય લાગ્યો. કેવી રીતે સર્વાઇવ કરીશું એનો ડર હતો, નિર્ણય લઈ લીધો અને દરેક પડકારનો સામનો કરતાં ગયાં. મારા અનુભવથી એટલું સમજાયું કે જો એક વાર મનમાં કંઈક ઠાની લો તો દરેક ઉંમરે બધું જ શક્ય છે.’

જન્મ અને ઉછેર થાઇલૅન્ડમાં થયાં, ભણવાનું મુંબઈમાં, લગ્ન પછી કૅનેડામાં રહી અને હવે હસબન્ડ સાથે ફરીથી મુંબઈમાં જ રેસ્ટોરાં શરૂ કરી : ઈશા જોગાણી-શાહ

કેટલાક લોકોના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટના તબક્કા હોય છે, જ્યારે કેટલાક લોકોનું જીવન જ ટર્નિંગ પૉઇન્ટ જેવું હોય છે. અત્યારે સાઉથ મુંબઈમાં રહેતી ૩૦ વર્ષની ઈશા જોગાણીની અત્યાર સુધીની લાઇફ-સ્ટોરી જાણીને તમને એવું જ લાગશે. થાઇલૅન્ડમાં જન્મ, થાઇલૅન્ડમાં જ એજ્યુકેશન અને પછી વધુ અભ્યાસ માટે તે મુંબઈ આવે છે. મુંબઈ આવીને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કરે છે. એ પછી બૅચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (LLB)ની ડિગ્રી મેળવે છે. એની વચ્ચે જેમ્સ ઍન્ડ જ્વેલરીને લગતા કોર્સ પણ કરે છે. એની સાથે ભારતની ટૉપ ડાયમન્ડ કંપનીમાં બે વર્ષનો અનુભવ પણ મેળવી લે છે. એ દરમ્યાન લગ્ન થાય છે અને હસબન્ડ સાથે કૅનેડામાં સેટલ થાય છે અને ત્યાં ફરી ફાઇનૅન્સ કંપનીમાં જૉબ કરે છે. હસબન્ડ હૉસ્પિટલિટીના ફીલ્ડમાં છે અને અચાનક બન્નેને લાગે છે કે અહીં મજા નથી, અસલી મજા તો આપણા દેશમાં જ છે અને બન્ને જણ ભારત પાછાં ફરે છે. નખશિખ મિલેનિયલનાં જ લક્ષણો ધરાવતા આ કપલમાંથી ઈશા કહે છે, ‘અમને બન્નેને ખાવાનો અને સારું ફૂડ ખવડાવવાનો શોખ એટલે ક્યારેક તો આ ફીલ્ડમાં કંઈક કરવું જ હતું. મારા હસબન્ડ અને હું બન્ને જ ક્રીએટિવ છીએ. કોઈ એક વસ્તુમાં ક્યારેય અટકીએ નહીં. સતત કંઈક હટકે અને નવું કરવાનું વિચારીએ. અમને થયું કે આપણી પોતાની રેસ્ટોરાં ખોલીએ, પણ પછી થયું ક્યાં? ત્યારે લાગ્યું કે આપણો પરિવાર જો ઇન્ડિયામાં હોય તો રેસ્ટોરાં પણ ઇન્ડિયામાં જ ખોલાય અને અમે અહીં આવી ગયાં. હવે રેસ્ટોરાં યુનિક પણ હોય એ જરૂરી હતું એટલે થાઇલૅન્ડ જે મારી જન્મભૂમિ છે એની વાનગીઓનો ઑથેન્ટિક સ્વાદ શાકાહારી સુધી પહોંચ્યો નથી તો એવી જ રેસ્ટોરાં શું કામ ન હોય જ્યાં ઑથેન્ટિક પણ સંપૂર્ણ વેજિટેરિયન થાઈ વાનગીઓ પીરસાતી હોય. મારા હસબન્ડ સાથે મળીને આ વિચારને અમે ડેવલપ કર્યો અને હવે બે અઠવાડિયાંમાં એને લૉન્ચ પણ કરી દઈશું.’

નવા અખતરાઓનો રોમાંચ આ કપલને વધુ અનુભવી બનાવી રહ્યો છે. પિતાના જિમ ઇક્વિપમેન્ટ્સના બિઝનેસથી લઈને ડાયમન્ડની લે-વેચમાં પણ ઈશા સક્રિય છે. તે કહે છે, ‘જો તમે માનસિક રીતે તમારે જે કરવું છે એને લઈને ક્લિયર હો તો તમે મિસ્ટેક કરશો તો એમાંથી પણ રસ્તો નીકળશે. બસ, તમે કઈ વસ્તુ શું કામ કરી રહ્યા છો એની ક્લૅરિટી તમારા માઇન્ડમાં હોવી જોઈએ. અમે હટકે કામ પણ કરીએ તો એમાંય અમારી પાસે રીઝનિંગ હોય છે, પ્લાનિંગ હોય છે અને એ મુજબ આગળ વધવાની તૈયારી પણ હોય છે.’

થાઇલૅન્ડથી ઇન્ડિયા, ઇન્ડિયાથી કૅનેડા અને કૅનેડાથી પાછું ઇન્ડિયા... આવું શું કામ? આજે જ્યારે ઘણાખરા યુવાનો ભારતથી દૂર ભાગી રહ્યા છે ત્યારે ભારત પાછી ફરેલી ઈશા એનાં કારણો આપતાં કહે છે, ‘મને મારો દેશ ગમે છે. વેસ્ટને તમે ગમે એટલા માર્ક આપો પણ હકીકતમાં એશિયાઈ દેશો જેવી ક્વૉલિટી ઑફ લાઇફ તમને ક્યાંય જોવા નહીં મળે. ત્યાં તમે નાઇન ટુ ફાઇવની જૉબ કરીને ઑફિસથી આવો એ પછી તમારે ફાઇવ ટુ નાઇનની જૉબ પાછી ઘરે કરવી પડે એવી હાલત હોય છે. એ દૃષ્ટિએ ભારતમાં જીવન ઘણું સુખી છે. રેસ્ટોરાં અમારું પૅશન છે અને એને અમે અમારી પ્રિય પ્લેસ પર જીવવા માગીએ છીએ. આ તો હજી શરૂઆત છે, હજી તો ઘણાં કામ કરવાનાં બાકી છે.’

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 09:55 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK