સંભોગ લગ્નજીવનનો મહત્ત્વનો ભાગ હોય છે, પણ એ ફરજ સમજીને કરવા કરતાં પ્રેમથી કરવામાં આવે તો લગ્નજીવન ખુશીથી આગળ વધી શકે છે. એ માટે બન્ને પાર્ટનરોએ પ્રેમ, આદરભાવ અને ભાવનાત્મક રીતે જોડાયેલા હોવું ખૂબ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
પાર્ટનરની સહમતીથી શારીરિક સંબંધો બાંધવા એ એક રીતે સારી વાત છે પણ સહમતી પાછળનું કારણ પ્રેમ જ છે એ માની બેસવું તમારી ભૂલ હોઈ શકે. જીવનસાથીએ સંભોગ માટે હા પાડી એટલે તેને પણ શારીરિક સંબંધ બાંધવામાં તમારા જેટલો જ રસ છે એવું નથી હોતું. સમાગમ માટે સહમતી આપવા પાછળ ઘણાં કારણો હોય છે જેના વિશે લોકો વધુ વિચારતા નથી. ઇચ્છા ન હોવા છતાં પણ જીવનસાથી શા માટે સમાગમ માટે હા પાડી દે છે અને સંબંધો પર એની શું અસર થાય છે એને લઈને સેક્સ ઍન્ડ મૅરિટલ થેરપી જર્નલમાં એક સ્ટડી પબ્લિશ થયો છે.
ફિનલૅન્ડમાં થયેલા આ અભ્યાસમાં ૧૮થી ૫૦ વર્ષની ઉંમરના ૯૪૮ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ સેક્સ્યુઅલી ઍક્ટિવ હતા. દંપતીઓમાં જોવા મળતા આ વ્યવહારને સેક્સ્યુઅલ કમ્પ્લાયન્સ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે આમાં પાર્ટનર સાથે બળજબરીથી સંબંધો બાંધવામાં આવે છે એવું નથી, પરંતુ સહમતી આપવા પાછળ પ્રેમની લાગણી છે એવું પણ નથી. સહમતી આપવા પાછળ પાર્ટનર ગુસ્સે થઈ જશે એવો ડર, સંબંધો બચાવવા માટે હા પાડવી, વાદવિવાદ ટાળવા માટે હા પાડવી વગેરે જેવાં કારણો હોય છે.
ADVERTISEMENT
અભ્યાસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઇમોશનલી સિક્યૉર વ્યક્તિ છે એ કોઈ કારણવશ થઈને તેના જીવનસાથી સાથે શારીરિક સંબંધો બાંધવા માટે વિવશ નથી થઈ જતા. એ લોકો પાર્ટનર સાથે બેસીને સ્પષ્ટતાપૂર્વક વાતચીત કરે છે. તેની સાથે ચર્ચા કરે છે કે તેમને સંભોગ કરવાનું મન છે કે નહીં. બીજી બાજુ જે વ્યક્તિ ઇમોશનલી સિક્યૉર નથી તે ઇચ્છા ન હોવા છતાં શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર થઈ જાય છે. એને કારણે સમાગમ કર્યા પછી તેમને સંતોષની લાગણી થવાને બદલે ઍન્ગ્ઝાયટી ફીલ થાય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓમાં આવો વર્તાવ વધુ જોવા મળે છે. પાર્ટનર તેને છોડીને જતો રહેશે એ ભયે મહિલાઓ અનિચ્છા છતાં સમાગમ માટે તૈયાર થઈ જતી હોય છે.
આ અભ્યાસ એ વાત યાદ દેવડાવે છે કે પતિ-પત્ની કે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ વચ્ચેના સંબંધોમાં એકબીજા પ્રત્યે આદરભાવ અને ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. તો જ બન્ને એકબીજા સાથે ખૂલીને તેમની ઇચ્છા-અનિચ્છાઓ વિશે વાતચીત કરી શકશે. એ જ હેલ્ધી ઇન્ટિમસીનો મજબૂત પાયો છે.

