આપણે વાત કરી રહ્યા છીએ મુંબઈ શહેરના આઇકૉનિક લૅન્ડમાર્ક રાણીબાગની. વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન વ પ્રાણીસંગ્રહાલય એના મેકઓવર પછી મસ્ટ-વિઝિટ પ્લેસ બની ગયું છે
તસવીરો: આશિષ રાજે
ભાયખલામાં આવેલા ૧૬૩ વર્ષ જૂના વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન વ પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગ વિશે કોણ નથી જાણતું? વર્ષો પહેલાં પણ ક્યારેક તો તમે એની મુલાકાત લીધી જ હશે, પણ એ વખત અને આ વખતના રાણીબાગમાં જમીન-આસમાનનો ફરક છે. રાણીબાગનું મેકઓવર થયા પછી એને ધ મુંબઈ ઝૂના નામથી પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આ ઝૂમાં જોવા જેવું, જાણવા જેવું, શીખવા જેવું અને માણવા જેવું ઘણુંબધું છે. એટલે ઉનાળાના વેકેશનમાં તમારાં બાળકોને એક વાર તો રાણીબાગ ફેરવવા માટે ચોક્કસ લઈ જ જજો.
પ્રાણીઓ અને પક્ષીઓ
ADVERTISEMENT
ધ મુંબઈ ઝૂમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર સૌથી વધુ કોઈ પશુ હોય તો એ વાઘ છે. કાચની પેલે પાર એકદમ નજીકથી વાઘને જોવાનો અનુભવ એકદમ રોમાંચક હોય છે. વાઘને અત્યાર સુધી જો તમે જમીન પર હરતા-ફરતા જ જોયો હોય અને એને સ્વિમિંગ કરતો જોવાની ઇચ્છા હોય તો એ પણ રાણીબાગમાં જઈને પૂરી થઈ શકે. રાણીબાગમાં વાઘ જોવા માટેની જે વ્યુઇંગ ગૅલરી છે એનું બાંધકામ પણ ખરેખર જોવા જેવું છે. રાજસ્થાનના રણથંભોર નૅશનલ પાર્કમાં આવેલા જોગી મહેલથી પ્રેરણા લઈને એ બનાવવામાં આવી છે. મગર અને ઘડિયાલને જોવા માટેની જે ક્રૉક ટ્રેલ છે એ પણ ખૂબ સરસ છે. એમાં એક એલિવેટેડ પ્લૅટફૉર્મ છે અને અન્ડરવૉટર વ્યુઇંગ એરિયા પણ છે. એટલે તમે ઉપરથી પણ મગરને જોઈ શકો અને પાણીમાં એ તરતો હોય ત્યારે પણ તમે એને જોઈ શકો. અહીં તમને નૉર્મલ પક્ષીઓ અને ઍક્વા બર્ડ એટલે કે પાણી પર અને એની આસપાસ રહેતાં પક્ષીઓ પણ જોવા મળશે. નૉર્મલ પક્ષીઓ માટે બર્ડ્સ પૅરૅડાઇઝ છે જેમાં તમારે એલિવેટેડ પ્લૅટફૉર્મ ચડીને વ્યુઇંગ ગૅલરીમાં જવું પડશે અને ત્યાંથી તમે કાચની પેલે પાર રંગબેરંગી પક્ષીઓ નજીકથી સ્પષ્ટ રીતે જોઈ શકશો. અહીં તમને ધનેશ, સોનેરી તેતર, મકાઉ પોપટ વગેરે જેવાં પક્ષી જોવા મળશે. એવી જ રીતે ઍક્વા પક્ષીઓ જોવા માટે તમારે લાકડાના બનેલા બ્રિજ પરથી આગળ વધીને ટ્રેલ કરતાં-કરતાં ઍક્વા બર્ડ્સનો નજારો માણવો પડશે. અહીં તમે રેડ ક્રાઉન્ડ ક્રેન, વાઇટ સ્ટૉર્ક જેવાં પક્ષીઓ જોઈ શકશો.
રસપ્રદ માહિતી
રાણીબાગમાં દરેક પ્રાણી અને પક્ષી વિશે વિગત આપતાં પોસ્ટર્સ અને પ્લેટ્સ પણ લગાવવામાં આવ્યાં છે. આ માહિતી નાનાં બાળકો માટે તો રસપ્રદ છે જ અને ઘણી માહિતી એવી છે જે કદાચ મોટાઓ માટે પણ નવી હશે. જેમ કે હિપોપૉટેમસનું જે એન્ક્લોઝર છે ત્યાં લાગેલી મોટી પ્લેટ પર એવી માહિતી આપવામાં આવી છે કે હિપોપૉટેમસ પાણીમાં હોય ત્યારે સાત મિનિટ સુધી એનો શ્વાસ રોકી રાખી શકે છે. એ પાણીમાં હોય ત્યારે નસકોરાં અને કાન બંધ કરીને રાખી દે છે જેથી નાકમાં અને કાનમાં પાણી ન જાય. આ આપણે નજર સામે પણ જોઈ શકીએ કે કઈ રીતે હિપોપૉટેમસ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબેલો હોય છે અને થોડી-થોડી વારે પાણીમાંથી એનું માથું ઊંચું કરીને શ્વાસ લે છે. વાંદરાઓનું જે પાંજરું છે એની બહાર પણ બોર્ડ્સ લાગેલાં છે અને એમાં સમજાવવામાં આવ્યું છે કે વાંદરા અને વનમાનુષ વચ્ચે શું ફરક હોય? કાચબાઓનું જે એન્ક્લોઝર છે એમાં તમને વિવિધ પ્રકારના કાચબાઓ જોવા મળશે અને બાજુમાં ઇન્ફર્મેશન આપવામાં આવી છે કે ટૉર્ટોઇઝ અને ટર્ટલ વચ્ચે ફરક શું હોય. રાણીબાગમાં બારાસિંગા અને હરણ બન્નેને એકસાથે એક જ એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યાં છે અને બન્ને વચ્ચેના ફરક વિશેની માહિતી આપવામાં આવી છે. એવી જ રીતે પક્ષીઓને લઈને પણ ઘણી માહિતી આપવામાં આવી છે. જેમ કે એમને દાંત, હાથ, શિંગડાં કંઈ નથી હોતું પણ ચાંચ હોય છે અને એનો ઉપયોગ કયાં વિવિધ કામો કરવામાં એ કરે છે, એ પક્ષી કયા રીજનમાં જોવા મળે છે, એનો ખોરાક શું છે વગેરેની જાણકારી આપવામાં આવી છે. કહેવાનો અર્થ એટલો જ કે રાણીબાગ બાળકો અને મોટાઓ બન્નેને નજર સામે પશુ-પક્ષી જોઈને એમના વિશે શીખવાની તક આપે છે.
ઓરિજિનલ કુદરતી વાતાવરણ
રાણીબાગમાં દરેક એન્ક્લોઝરને જે-તે પ્રાણીને જેવા કુદરતી વાતાવરણની જરૂર હોય એનું ધ્યાન રાખીને બનાવવામાં આવ્યા છે. જેમ કે હમબોલ્ટ પેન્ગ્વિન ઠંડી હવા અને પાણીમાં રહેતાં પક્ષી છે, જે સામાન્ય રીતે પેરુ અને ચિલીના તટીય વિસ્તારમાં જોવા મળે છે. મુંબઈમાં એમને એ રીતનું વાતાવરણ મળી રહે એ માટે ખાસ પેન્ગ્વિન કક્ષ બનાવવામાં આવ્યો છે જેનું તાપમાન ઠંડું રાખવામાં આવ્યું છે તેમ જ પેન્ગ્વિનને આઇલૅન્ડ જેવું ફીલ થાય એ રીતે એમનું એન્ક્લોઝર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વાત ત્યાંનાં બધાં જ પશુઓ અને પક્ષીઓ માટે લાગુ પડે છે. જેમ કે સ્લૉથ બેઅર એટલે કે રીંછને ઘાસના ખુલ્લા મેદાનમાં રહેવાની આદત હોય છે. તડકાથી બચવા માટે એ પથ્થરોની ગુફામાં સહારો લેતાં હોય છે. તો રીંછ માટેનું જે એન્ક્લોઝર છે એ પણ એવી જ રીતે બનાવવામાં આવ્યું છે. એમાં લીલું ઘાસ છે, ગુફા જેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. રાણીબાગમાં તમે દિવસના તડકાના સમયે જશો તો રીંછ તમને ગુફામાં જ દેખાશે. આમ પણ રીંછ આળસુ અને સુસ્ત પ્રાણી છે એટલે એ વધારે હરતું-ફરતું ન રહે. એટલે જ એને સ્લૉથ બેઅર જેવું નામ આપવામાં આવ્યું છે. પ્રાણીઓ જ નહીં, પક્ષીઓના આવાસનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે નૉર્મલ પક્ષીઓને એવી જગ્યાએ રાખવામાં આવ્યાં છે જ્યાં વૃક્ષો છે. દીવાલો પર માટલાં, બૉક્સ મૂકવામાં આવ્યાં છે જેમાં એ રહી શકે, ઈંડાં મૂકી શકે. એવી જ રીતે ઍક્વા બર્ડ્સને એવી જગ્યાએ રાખવામાં આવ્યાં છે જ્યાં આર્ટિફિશ્યલ તળાવ છે, પથ્થરો છે, વૃક્ષો છે. ઇન શૉર્ટ રાણીબાગમાં એ પણ જાણવા મળે કે કયાં પશુ-પક્ષીને રહેવા માટે કેવું વાતાવરણ જોઈએ.
વૃક્ષોની ભરમાર
રાણીબાગમાં સેંકડોથી વધુ પ્રજાતિનાં હજારો વૃક્ષો છે જે આપણને પ્રકૃતિના ખોળામાં હોવાનો અનુભવ કરાવે છે. અહીં નારિયેળ, આસોપાલવ, ફણસ, સોનમહોર, બકુલ, ક્રિસમસ, નાગકેસર, વડ વગેરે જેવાં વૃક્ષો છે અને દરેક વૃક્ષની ઉપર એનું બોલચાલમાં વપરાતું નામ, વૈજ્ઞાનિક નામ, કઈ ફૅમિલીનું ઝાડ છે, એનો ઉપયોગ શું થાય વગેરે જેવી બધી જ માહિતી આપી છે. શહેરમાં રહેતા લોકો પ્રકૃતિ સાથે જોડાય અને એના વિશે માહિતગાર થાય એ માટે ઝૂ ઑથોરિટી પણ સરસ કામ કરી રહી છે. પ્રકૃતિને લઈને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી જાનવરો અને વૃક્ષો વિશે માહિતી આપવી, બાળકો માટે ચિત્રકળા સ્પર્ધા રાખવી, ફોટોગ્રાફી કૉમ્પિટિશન રાખવી, નાટકનું આયોજન કરવું, બુક લૉન્ચ કરવી વગેરે જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
રાણીબાગનું જાણવા જેવું
રાણીબાગમાં અંદર ગાર્ડન છે. બાળકો માટે પ્લે-એરિયા છે. છાયામાં બેસીને આરામ કરી શકાય એની વ્યવસ્થા છે. રાણીબાગ પ્લાસ્ટિક-ફ્રી ઝોન છે એટલે ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલ લઈ જવાનું અલાઉડ નથી. અહીં ખાવાનું લઈ જવાની મંજૂરી નથી. તમે ઇચ્છો તો રાણીબાગની અંદર આવેલી ફૂડ-કોર્ટમાં જઈને નાસ્તો કરી શકો. અહીં તમને એકથી એક બાળકોને અને મોટાઓને ભાવતી દેશી-વિદેશી ફૂડ-આઇટમ્સ નૉમિનલ રેટમાં મળી જશે. અહીં તમારે ફરવા માટે આવવું હોય તો ત્રણ-ચાર કલાક જેટલો સમય લઈને જ આવજો. રાણીબાગમાં ફરવા જવાનો સમય સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે. જોકે સવારનો સમય મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. એ સમયે પ્રાણીઓ તમને ઍક્ટિવ દેખાશે. બાકી બપોરના સમયે જશો તો મોટા ભાગનાં પ્રાણીઓ આરામ ફરમાવતાં કે સૂતેલાં હશે. એટલે એ જોવામાં એટલી મજા નહીં આવે. બુધવારે રાણીબાગ બંધ હોય છે એટલે એને બાદ કરતાં અઠવાડિયામાં ગમે તે દિવસે તમે અહીં આવી શકો છો. રાણીબાગમાં ૧૨ વર્ષથી નાનાં બાળકોની ફી ૨૫ રૂપિયા છે, જ્યારે મોટાઓ માટેની ફી ૫૦ રૂપિયા છે. એવી જ રીતે ૬૦ વર્ષથી મોટા સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. સાથે જ ફોટોગ્રાફી કરવી હોય તો કૅમેરા દીઠ ૧૦૦ રૂપિયા ફી ચૂકવવાની હોય છે.

