માનતા પૂરી થતાં મુરત કઢાવીને એક કલાક સુધી બાધા પૂરી કરવા સાડી પહેરીને ગરબે ઘૂમ્યા, આદ્યશક્તિનાં નવલાં નોરતાંમાં માતાજીનું તપ અને આરાધના કરીને તેમના ગુણલા ગવાય છે ત્યારે નવરાત્રિમાં આઠમની રાતે અમદાવાદમાં સદુમાતાની પોળમાં પુરુષો સાડી પહેરીને ગરબે...
અમદાવાદમાં સદુમાતાની પોળમાં સાડી પહેરીને ગરબા રમવાની પરંપરા પુરુષોએ જાળવી રાખી
આદ્યશક્તિનાં નવલાં નોરતાંમાં માતાજીનું તપ અને આરાધના કરીને તેમના ગુણલા ગવાય છે ત્યારે નવરાત્રિમાં આઠમની રાતે અમદાવાદમાં સદુમાતાની પોળમાં પુરુષો સાડી પહેરીને ગરબે ઘૂમ્યા હતા. સદુમાતાના મંદિર પરિસરમાં સાડી પહેરીને ગરબે રમવાની પરંપરા પુરુષોએ જાળવી રાખીને વધુ એક વખત ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની માનતા પૂરી કરી હતી.
અમદાવાદમાં આવેલા સદુમાતાના મંદિરમાં પુરુષો સાડી પહેરીને એકઠા થયા હતા અને માતાજીનાં દર્શન કરીને ભાવપૂર્ણ રીતે માતાજીના ગરબા ગાયા હતા. આઠમની રાતે મુરત કાઢીને રાતે એક કલાક પચાસથી વધુ પુરુષો સાડી પહેરીને ગરબા રમ્યા હતા. જેમના ઘરે પારણું ન બંધાતું હોય કે લગન અથવા તો મકાન સહિતની બાધાઓ રાખી હોય અને એ બાધા પૂરી થાય ત્યારે પુરુષો સાડી પહેરીને, સદુમાતાનાં દર્શન કરીને ગરબા રમતા હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને આજે પણ એ શ્રદ્ધાપૂર્ણ રીતે ચાલી રહી છે.
