વિમેન્સ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે રેકૉર્ડબ્રેક ટાર્ગેટ ચેઝ કરીને ભારત ફાઇનલમાં
					 
					
ગઈ કાલે મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યા પછી ઇમોશનલ થઈ ગયેલી જેમિમા રૉડ્રિગ્સ. તસવીરો : અતુલ કાંબળે
મહિલા વન-ડે ક્રિકેટના ઇતિહાસનો હાઇએસ્ટ ૩૩૯ રનનો ટાર્ગેટ ભારતે ૪૮.૩ ઓવરમાં પાંચ વિકેટે મેળવી લીધો ઃ જેમિમાએ અણનમ ૧૨૭ રન કર્યા ઃ હવે રવિવારે આ જ મેદાનમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વાર ચૅમ્પિયન બનવાનો જામશે જંગ
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમી ફાઇનલમાં યજમાન ભારતે ૭ વખતના ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાંગારૂએ આપેલા ૩૩૯ રનના ટાર્ગેટને ભારતીય ટીમે ૪૮.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લઈને ઇતિહાસ રચ્યો છે. આ સાથે ભારતીય મહિલા ટીમે વન-ડે ક્રિકેટના ઇતિહાસનો હાઇએસ્ટ ચેઝનો ઑસ્ટ્રેલિયન ટીમનો ૩૩૧ રનનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. ઑસ્ટ્રેલિયાએ આ રેકૉર્ડ આ જ વર્લ્ડ કપમાં ભારત સામેની લીગ મૅચમાં બનાવ્યો હતો અને ભારતે સેમી ફાઇનલમાં એ રેકૉર્ડ તોડીને તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
ભારતની આ ઐતિહાસિક જીતની સ્ટાર હતી મુંબઈકર જેમિમા રૉડ્રિગ્સ. શરૂઆતની મૅચોના નબળા પર્ફોર્મન્સને ભૂલીને આ નિર્ણાયક જંગમાં ૧૩૪ બૉલમાં ૧૪ ફોર સાથે અણનમ ૧૨૭ રનની કરીઅર-બેસ્ટ ઇનિંગ્સ રમીને તે ટીમને પહેલી વાર ચૅમ્પિયન બનવાના દ્વારે લઈ ગઈ હતી. હવે રવિવારે આ જ મેદાનમાં પહેલી વાર ચૅમ્પિયન બનવા માટે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જંગ જામશે. ભારતીય ટીમે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને આ પહેલાં બન્ને વખત એણે રનર-અપથી સંતોષ માનવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ બુધવારે ઇંગ્લૅન્ડને હરાવીને પહેલી વાર ફાઇનલમાં એન્ટ્રી મારી છે.
જેમિમાએ જીત્યાં હર-મન
પ્રતીકા રાવલ ઇન્જર્ડ થતાં ટીમમાં સામેલ થનાર ઓપનર શફાલી વર્મા પાંચ બૉલમાં બે ફોર સાથે માત્ર ૧૦ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતની બેસ્ટ બૅટર સ્મૃતિ માન્ધના પણ ૨૪ બૉલમાં ૨૪ રન બનાવીને દસમી ઓવરમાં પૅવિલિયનમાં પાછી ફરી હતી. ત્યાર બાદ કૅપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમાએ ૧૫૬ બૉલમાં ૧૬૭ રનની પાર્ટનરશિપ વડે ટીમની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. હરમનપ્રીત ૮૮ બૉલમાં બે સિક્સર અને ૧૦ ફોર સાથે ૮૯ રન ફટકારીને ૩૬મી ઓવરમાં આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મુંબઈકર જેમિમાએ બીજો છેડો સાચવી રાખીને કરીઅરની ત્રીજી અને સૌથી મૂલ્યવાન સેન્ચુરી ફટકારી હતી. આગળની મૅચોમાં છેલ્લી ઓવરમાં ફસડાઈ પડવાના ડર વચ્ચે ભારતીય ટીમે દીપ્તિ શર્માના ૧૭ બૉલમાં ૨૪, રિચા ઘોષના ૧૬ બૉલમાં ૨૬ અને અમનજોત કૌરના ૮ બૉલમાં અણનમ ૧૫ રન સાથેના જેમિમાને આપેલા ઉપયોગી સાથને લીધે ૯ બૉલ બાકી રાખીને જીત મેળવી લીધી હતી. 
લિચફીલ્ડના રિચ કારનામાં
કાંગારૂઓએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. સેમી ફાઇનલમાં ઇન્જરીને લીધે રેસ્ટ કર્યા બાદ કૅપ્ટન ઍલિસા હીલી ફરી ટીમ સાથે જોડાઈ હતી, પણ એ માત્ર પાંચ રન બનાવીને ક્રાન્તિ ગૌડના બૉલમાં બોલ્ડ થઈ ગઈ હતી. જોકે ત્યાર બાદ ફીબ લિચફીલ્ડ અને એલિસ પેરી વચ્ચે બીજી વિકેટ માટેની ૧૩૩ બૉલમાં ૧૫૫ રનની પાર્ટનરશિપે ઑસ્ટ્રેલિયન ટીમમાં મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ઓપનર લિચફીલ્ડે માત્ર ૭૭ બૉલમાં સેન્ચુરી ફટકારીને વર્લ્ડ કપમાં નૉકઆઉટ મુકાબલાઓમાં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. આ ઉપરાંત માત્ર ૨૨ વર્ષ ૧૫૯ દિવસની ઉંમરે વર્લ્ડ કપમાં નૉકઆઉટ મુકાબલાઓમાં સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની હતી. લિચફીલ્ડ આખરે ૯૩ બૉલમાં ૩ સિક્સર અને ૧૧૯ રન બનાવીને ૨૮મી ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. પૅરીની ૮૮ બૉલમાં ૭૭ રન અને ઍશ્લી ગાર્ડનરની ૪૫ બૉલમાં ચાર સિક્સર અને એટલી જ ફોર સાથે ૬૩ રનની આક્રમક ઇનિંગ્સને લીધે ઑસ્ટ્રેલિયા ૩૦૦ રનનો આંકડો પાર કરીને ૩૩૮ રન સુધી પહોંચી શક્યું હતું. લિચફીલ્ડ અને પેરી રમી રહી હતી ત્યારે ઑસ્ટ્રેલિયા ૪૦૦ રનની આસપાસ બનાવશે એવું લાગી રહ્યું હતું, પણ શ્રી ચારની (૪૯ રનમાં બે), દીપ્તિ શર્મા (૭૩ રનમાં બે) અને અમનજોત કૌર (૫૧ રનમાં એક વિકેટ)ના અફલાતૂન સ્પલને લીધે સ્કોર ૩૩૮ સુધી મર્યાદિત રહ્યો હતો. 
આ વખતે મળશે એક નવી ચૅમ્પિયન
અત્યાર સુધી ૧૨ વિમેન્સ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા ૭, ઇંગ્લૅન્ડ ચાર અને ન્યુ ઝીલૅન્ડ એક વાર ચૅમ્પિયન બન્યું હતું. જોકે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની હાર સાથે ત્રણેય ચૅમ્પિયન આઉટ થઈ જતાં આ વખતે ભારત કે સાઉથ આફ્રિકાના રૂપમાં નવી ચૅમ્પિયન ટીમ મળશે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	