ગામવાસીઓએ ૫૦૦ વર્ષની પરંપરા જાળવીને ઊજવ્યો ઉત્સવ : ધનતેરસથી ભાઈબીજ સુધી યોજાતી રેસ જોવા ઊમટે છે ગામ ઉપરાંત આસપાસના ગ્રામજનો : મુડેઠા ગામે પણ યોજાઈ અશ્વસ્પર્ધા
આ દિવસોમાં ગામમાં ઉત્સવ ઊજવાય છે. વર્ષોની પરંપરા આજે પણ ગામવાસીઓએ અકબંધ રાખી છે અને ઘોડેસવારીની રેસ યોજીને સૌ આનંદ-ઉલ્લાસ મનાવે છે.
દિવાળીના પર્વમાં અવનવી પ્રથાઓ અને પરંપરાઓ આજે પણ ગુજરાતમાં અકબંધ છે અને ગામવાસીઓ એને ઉત્સાહપૂર્વક નિભાવીને ગામમાં ઉત્સવ ઊજવતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા બુકોલી ગામે કોટડિયા વીરની યાદમાં ધનતેરસથી લઈને ગઈ કાલે ભાઈબીજ સુધી પરંપરાગત ઘોડેસવારીની રેસ યોજાઈ હતી. આ રેસમાં ૧૦૦થી વધુ ઘોડેસવારોએ ભાગ લીધો હતો જેને જોવા માટે ગામના તેમ જ આસપાસના ગામના લોકો ઊમટ્યા હતા. બુકોલી ગામ ઉપરાંત બનાસકાંઠાના મુડેઠા ગામે પણ ગઈ કાલે અશ્વસ્પર્ધા યોજાઈ હતી. સાહસ અને શૌર્યથી રોમાંચ જગાવતી આ અશ્વસ્પર્ધા જોવા ગ્રામજનો ઊમટ્યા હતા.
ગામવાસીઓ ૫૦૦ વર્ષની પરંપરા જાળવીને ઉત્સવ ઊજવે છે એ વિશે વાત કરતાં બુકોલી ગામના અગ્રણી મુકેશ પરમારે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામમાં કોટડિયા વીરનું પ્રાચીન મંદિર છે. ગામમાં ઘોડેસવારીની રેસ યોજાય છે એની પાછળ ઇતિહાસ છે. ૫૦૦ વર્ષ પહેલાં ગાયોનું રક્ષણ કરવા માટે કોટડિયા વીરે ઘોડે ચડીને ગાયોને બચાવી હતી એની યાદમાં વર્ષોથી અમારા ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી રોજ ઘોડેસવારીની રેસ યોજાય છે. ધનતેરસના દિવસે ગામવાસીઓ ગામના ચોરે ભેગા થાય છે અને કોટડિયા વીરના મંદિરે જઈને સુખડી તેમ જ શ્રીફળ ધરાવે છે અને એ પછી ઘોડેસવારીની રેસ શરૂ થાય છે. ૧૦૦થી વધુ ઘોડેસવારો એમાં ભાગ લેવા આવે છે. ગામમાં જે લોકો ઘોડા રાખે છે તેઓ તેમના ઘોડા સાથે આવે છે અને રેસમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ઘોડેસવારો રેસ લગાવે છે અને લોકો તેમને જોવા આવે છે. આ દિવસોમાં ગામમાં ઉત્સવ ઊજવાય છે. વર્ષોની પરંપરા આજે પણ ગામવાસીઓએ અકબંધ રાખી છે અને ઘોડેસવારીની રેસ યોજીને સૌ આનંદ-ઉલ્લાસ મનાવે છે.’


