મેટલ અને ટેલિકૉમ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ડાઉન, માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ : મિડવેસ્ટનું લિસ્ટિંગ ધારણા કરતાં નબળું નીવડ્યું : બૅન્કિંગના ૪૧માંથી ૩૨ શૅર માઇનસ, તમામ સરકારી બૅન્કો ઘટી : ઇપેક પ્રીફૅબ, જૈન રિસોર્સ રિઝલ્ટનો કરન્ટ જાળવતાં નવી ટોચે
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ITC હોટેલ્સનાં મજેદાર પરિણામની શૅરમાં અસર ન દેખાઈ
- કોટક બૅન્ક પરિણાની પૂર્વસંધ્યાએ નરમ
- ખોટમાંથી નફામાં આવતાં સાઉથ ઇન્ડિયા પેપર મિલ્સમાં તેજી જળવાઈ
બજારમાં સતત ૬ દિવસનો સુધારો તથા સળંગ ચાર દિવસથી વર્ષની નવી ટૉપની સફર શુક્રવારે અટકી છે. સેન્સેક્સ ગઈ કાલે ૩૪૪ પૉઇન્ટની નરમાઈમાં ૮૪,૨૧૨ તથા નિફ્ટી ૯૬ પૉઇન્ટની પીછેહઠમાં ૨૫,૭૯૫ બંધ થયો છે. શરૂઆત તો સારી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૧ પૉઇન્ટ પ્લસ, ૮૪,૬૬૭ ખૂલી ઉપરમાં ૮૪,૭૦૭ વટાવી ગયો હતો. આ પ્રારંભિક સારી શરૂઆત માંડ એકાદ કલાક ટકી હતી. બાદમાં બજાર માઇનસ ઝોનમાં આવી ગયું હતું. શૅર આંક નીચામાં ૮૩,૯૫૭ દેખાયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલી ૧૨૩૫ જાતો સામે ૧૮૫૦ શૅર ઘટ્યા છે. જૂજ અપવાદ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ નરમ હતાં. સેન્સેક્સ-નિફ્ટીની ટકાની કમજોરી સામે FMCG, ફાઇનૅન્સ, હેલ્થકૅર, ઑટો, પાવર, બૅન્કેક્સ, બૅન્ક નિફ્ટી, PSU બૅન્ક નિફ્ટી જેવાં ઇન્ડાઇસિસ અડધો-પોણો ટકો ડાઉન થયાં છે. સામે ટેલિકૉમ અને મેટલ બેન્ચમાર્ક એકાદ ટકો વધ્યા હતા. બજારનું માર્કેટકૅપ ૧.૩૪ લાખ કરોડ ઘટીને ૪૬૮.૯૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
હૈદરબાદી મિડવેસ્ટ પાંચના શૅરદીઠ ૧૦૬૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે ૧૦૭ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૧૬૫ ખૂલી ઉપરમાં ૧૧૮૯ અને નીચામાં ૧૧૨૩ બતાવી ૧૧૪૧ બંધ થતાં એમાં ૭.૧ ટકા કે શૅરદીઠ ૭૬ રૂપિયા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ઓલા ઇલેક્ટ્રિકમાં ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૭૨ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૬૨ કરવામાં આવી છે. શૅર દોઢ ટકો ઘટી ૫૩ રહ્યો છે. તાતા મોટર્સમાં જે. પી. મૉર્ગને ૩૮૫ની નવી ટાર્ગેટ પ્રાઇસ સાથે સાવચેતીભર્યો વ્યુ આપ્યો છે. શૅર નીચામાં ૪૦૧ થઈ અડધો ટકો ઘટીને ૪૦૩ બંધ થયો છે. સ્પાઇસ જેટ અઢી ગણા કામકાજે ૧૨ ટકા પ્લસની તેજીમાં ૩૮ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. સન્માન કૅપિટલ ૧૮૯ ઉપર નવી ટૉપ બનાવી ૮ ટકા ઊછળી ૧૮૮ હતી. ગરવારે હાઈ-ટેક મજબૂત વલણ જાળવી રાખતાં ઉપરમાં ૩૮૧૦ બતાવી ૭.૨ ટકા કે ૨૪૯ રૂપિયાની આગેકૂચમાં ૩૭૧૬ થઈ છે. ચોલામંડલમ ફાઇનૅન્સ હોલ્ડિંગ્સનાં પરિણામ ૭ નવેમ્બરે છે. શૅર ૧૧ ગણા કામકાજે ગઈ કાલે પોણાછ ટકા કે ૧૧૦ રૂપિયા વધીને ૨૦૦૬ બંધ આવ્યો છે. સીએટ તાજેતરની રૅલી બાદ ક્રુડ મજબૂત થતાં ૪ ટકા કે ૧૭૪ રૂપિયા ખરડાઈ ૪૧૨૮ રહી છે. MRF ૧.૪ ટકા કે ૨૨૩૭ રૂપિયા તથા અપોલો ટાયર્સ ૨.૪ ટકા ડાઉન હતી. ITC હોટેલ્સની આવક આઠ ટકા વધીને ૭૭૮ કરોડ થઈ છે, સામે નફો ૭૪ ટકા વધીને ૧૩૩ કરોડ થયો છે. શૅર જોકે અડધો ટકો સુધરીને ૨૨૨ નજીક બંધ રહ્યો છે.
ADVERTISEMENT
ઇન્ડોનેશિયાની નામ પૂરતી પીછેહઠ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે પ્લસ હતાં. જપાન સવા ટકો, હૉન્કૉન્ગ પોણો ટકો, થાઇલૅન્ડ એક ટકાની નજીક, ચાઇના પોણો ટકો, સિંગાપોર નહીંવત્ વધ્યું છે. સાઉથ કોરિયા ૩૯૫૧ના બેસ્ટ લેવલે જઈ અઢી ટકા ઊંચકાઈને ૩૯૪૧ થયું છે. તાઇવાન રજામાં હતું. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ ઢીલું દેખાતું હતું. બિટકૉઇન રેન્જ બાઉન્ડ ટ્રેન્ડમાં એકાદ ટકો વધીને રનિંગમાં ૧,૧૧,૧૭૨ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૬ ડૉલરે મક્કમ રહ્યું છે. સોનું દોઢ ટકાથી વધુના ઘટાડે હાજરમાં ૪૦૫૯ ડૉલર તથા વાયદામાં ૪૦૭૮ ડૉલર રહ્યું છે. ચાંદી બે ટકા જેવી નબળાઈમાં ૪૮ ડૉલરની અંદર ઊતરી ગઈ છે. લંડનમાં ઍલ્યુમિનિયમ બે ટકા વધીને ટનદીઠ ૨૮૬૨ ડૉલર વાયદામાં ચાલતું હતું.
નફામાં ૮૮૩ ટકાના ઉછાળામાં લૌરસ લૅબ ઝળકીને ઝંખવાયો
PTC ઇન્ડિયા ફાઇનૅન્સ સર્વિસિસનો ત્રિમાસિક નફો ૮૬ ટકા વધીને આવતાં શૅર ૧૧૦ ગણા કામકાજે ઉપરમાં ૪૦.૩૮ થઈ ૧૩.૫ ટકાની તેજીમાં ૩૯.૬૪ બંધ થયો છે. એની ૬૫ ટકા માલિકી ધરાવતી પ્રમોટર કંપની PTC ઇન્ડિયા અડધો ટકો સુધી હતી. છેલ્લા કેટલાક સમયથી સરકારના ઇન્વેસ્ટમેન્ટ એજન્ડામાં રહેલી શિપિંગ કૉર્પોરેશન સતત બીજા દિવસની ફૅન્સીમાં ૨૮૧ નજીક નવી ટૉપ બનાવી સાડાનવ ટકાની મજબૂતીમાં ૨૭૪ હતી. સાઉથ ઇન્ડિયા પેપરમિલ સવા કરોડની નેટ લૉસમાંથી પોણાત્રણ કરોડના નેટ નફામાં આવતાં ભાવ ૬૯ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૪ વટાવી છેવટે ૧૬ ટકા વધીને ૯૧ બંધ રહ્યા છે. ઇપેક પ્રીફૅબ નફામાં ૧૦૪ ટકાના વધારાનું જોર આગળ ધપાવતાં ૨૭૮ની નવી વિક્રમી સપાટી બનાવી ૧૫.૬ ટકાની તેજીમાં ૨૬૮ થઈ છે. જૈન રિસોર્સ રીસાઇક્લિંગ પણ ૭૮ ટકા જેવી નફાવૃદ્ધિનો કરન્ટ જાળવી રાખતાં ૪૦૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૮.૪ ટકાની આગેકૂચમાં ૪૦૦ હતી.
કોલગેટનો નફો ૧૭ ટકા ગગડીને ૩૨૭ કરોડ આવતાં બ્રોકરેજ હાઉસ તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે. શૅર ૭ ગણા કામકાજે નીચામાં ૨૨૦૦ થઈ ૨.૨ ટકા બગડી ૨૨૩૮ હતો. લૌરસ લૅબની આવક ૩૫ ટકા વધી છે, પણ નફો ૮૮૩ ટકા ઊછળી ૧૯૫ કરોડ નજીક આવ્યો છે. શૅર ૯૫૦ નજીક નવી ઊંચી સપાટી નોંધાવી નીચામાં ૯૦૧ બતાવી સવા ટકો ઘટીને ૯૨૫ રહ્યો છે. સાગર સિમેન્ટ્સની ત્રિમાસિક ખોટ ૫૫ કરોડથી ઘટીને ૪૨ કરોડ રહી છે. શૅર ૧૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૪૯ થયા બાદ ૫.૯ ટકા ગગડીને ૨૨૮ બંધ હતો. ડીજીકોર સ્ટુડિયોઝ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૯૦ થઈ પ્રૉફિટ બુકિંગમાં ૮૦ બતાવી છેવટે ૮૫ના લેવલે યથાવત્ રહ્યો છે. MCX અઢી ટકા કે ૨૩૭ રૂપિયા બગડીને ૯૦૧૭ થઈ છે.
બ્લૅકસ્ટોનને પ્રેફરન્શિયલ ઇશ્યુમાં ફેડરલ બૅન્ક નવી ટોચે ગઈ
ખાનગી ક્ષેત્રની ફેડરલ બૅન્ક તરફથી બ્લૅકસ્ટોનની તરફેણમાં ૨૭૩૦ લાખ જેટલાં ઇક્વિટી વૉરન્ટ પ્રેફરન્શિયલ ધોરણે ઇશ્યુ કરવાની જાહેરાત થઈ છે. આને પગલે બૅન્કને ૬૧૯૬ કરોડનું નવું રોકાણ મળશે. પ્રત્યેક વૉરન્ટ ૨૨૭ના ભાવે એક ઇક્વિટી શૅરમાં કન્વર્ઝનને પાત્ર રહેશે. આને લીધે બૅન્કમાં બ્લૅકસ્ટોનનું હોલ્ડિંગ ૧૦ ટકા જેવું થઈ જશે. ફેડરલ બૅન્કનો શૅર ગઈ કાલે ૨૩૨ પ્લસની ઑલટાઇમ હાઈ બનાવી છેવટે ૨૨૭ના લેવલે ફ્લૅટ બંધ થયો છે. બાય ધ વે, બૅન્ક નિફ્ટી પ્રારંભિક મજબૂતીમાં ૫૮૩૨૨ થયા બાદ પ્રૉફિટ બુકિંગ આવતાં ગઈ કાલે નીચામાં ૫૭૪૮૨ બતાવી ૦.૭ ટકા કે ૩૭૮ પૉઇન્ટ વધીને ૫૭૬૯૯ બંધ રહ્યો છે. PSU બૅન્ક નિફ્ટી પણ આવા જ ટ્રૅન્ડમાં પોણો ટકો ઘટ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૩૨ શૅર માઇનસ થયા છે. ઉત્કર્ષ સ્મૉલ બૅન્ક ૬૦ ગણા વૉલ્યુમે ૧૭.૮ ટકા ઊછળી ૨૧.૬૨ થઈ છે. રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં DCB બૅન્ક ૧૬૩ ઉપર નવી ટોચ દેખાડી સામાન્ય ઘટાડે ૧૫૮ હતી. ICICI બૅન્ક નરમાઈની હૅટ-ટ્રિક બાદ ઉપરમાં ૧૩૮૨ નજીક જઈ ૦.૯ ટકા સુધરીને ૧૩૭૫ રહી છે. સૂર્યોદય બૅન્ક ત્રણ ટકા, ઇક્વિટાસ બૅન્ક અઢી ટકા તથા કૅપિટલ સ્મૉલ બૅન્ક સવા ટકો પ્લસ હતી.
૧૨માંથી બ૧૨ સરકારી બૅન્કો ડાઉન થઈ છે. IOB દોઢ ટકો, યુકો બૅન્ક ૧.૮ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા સવા ટકાની નરમાઈ સાથે મોખરે હતી. સિટી યુનિયન બૅન્ક ત્રણ ટકા તો CSB બૅન્ક ૨.૩ ટકા કટ થઈ હતી. ફ્રન્ટલાઇન બૅન્કિંગ શૅરમાં કોટક મહિન્દ્ર બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ નીચામાં ૨૧૬૯ બતાવી ૧.૭ ટકા બગડીને ૨૧૮૭ રહી છે. ઍક્સિસ બૅન્ક તાજેતરની રૅલી બાદ ૧.૪ ટકાની પીછેહઠમાં ૧૨૪૨ હતી. હેવીવેઇટ HDFC બૅન્ક ૧.૪ ટકા ઘટી ૯૯૫ બંધ આપી બજારને ૧૮૩ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક પોણો ટકો નરમ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૮૧માંથી ૧૧૬ શૅરના ઘટાડે અડધો ટકો ઢીલો થયો છે. અરિહંત કૅપિટલ ૧૭ ગણા કામકાજે ૧૧ ટકા લથડી ૧૦૦ બંધ થઈ છે. બજાજ ફિનસર્વ પોણો ટકો તથા બજાજ ફાઇનૅન્સ અડધો ટકા માઇનસ હતી.
હિન્દાલ્કો નિફ્ટીમાં ટૉપ ગેઇનર, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ નવા શિખરે
વિશ્વબજારમાં ઍલ્યુમિનિયમના ભાવમાં આકર્ષણ પાછળ હિન્દાલ્કો ૪ ગણા વૉલ્યુમે ૮૨૬ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચાર ટકાની તેજીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. પિયર ગ્રુપમાં નાલ્કો ૩.૬ ટકા ઊંચકાઈ ૨૩૬ તથા વેદાન્તા ૨.૭ ટકા વધી ૪૯૬ હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૦૪૫૭ના શિખરે જઈ એક ટકો વધીને ૧૦૩૪૭ રહ્યો છે. સેન્સેક્સ ખાતે ભારતી ઍરટેલ એક ટકો સુધરી ૨૦૩૯ હતો. રિઝલ્ટ ૩ નવેમ્બરે છે. શ્રીરામ ફાઇનૅન્સ ૭૨૩ના બેસ્ટ લેવલ બાદ પોણો ટકો વધીને ૭૧૫ રહી છે. અન્યમાં ONGC એક ટકો, ભારત ઇલેક્ટ્રિક પોણો ટકો, નેસ્લે અડધો ટકો અપ હતી.
હિન્દુસ્તાન યુનિલીવરનાં પરિણામ ધારણા કરતાં સારાં હતાં, પણ બજારને ગમ્યાં હોય એમ લાગતું નથી. શૅર સવાયા કામકાજે નીચામાં ૨૪૭૫ બનાવી ૩.૨ ટકા ગગડીને ૨૫૧૭ બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. અલ્ટ્રાટેક બે ટકા, અદાણી પોર્ટ્સ ૧.૭ ટકા, કોટક બૅન્ક પોણાબે ટકા, ટાઇટન દોઢ ટકો, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા, NTPC એકાદ ટકો, મૅક્સ હેલ્થકૅર ૨.૨ ટકા, સિપ્લા ૩.૭ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૬ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ દોઢ ટકો, ગ્રાસિમ પોણો ટકો બગડી છે. HDFC ૧.૪ ટકા ઘટી ૯૯૫ બંધમાં બજારને ૧૮૩ પૉઇન્ટ ભારે પડી છે. હેવીવેઇટ રિલાયન્સ નહીંવત્ સુધારે ૧૪૫૧ હતો. જિયો ફાઇનૅન્સમાં એક ટકાની નરમાઈ જોવા મળી છે.
આગલા દિવસે ITમાં આવેલો ઊભરો વળતા દિવસે શમી ગયો છે. IT ઇન્ડેક્સ ૭૭માંથી ૫૫ શૅરના ઘટાડામાં ૮૬ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. અહીં ફ્રન્ટલાઇનમાં લાટિમ સવા ટકો, ટેક મહિન્દ્ર ૦.૬ ટકો, વિપ્રો ૦.૬ ટકા, ઇન્ફોસિસ સાધારણ, TCS ૦.૪ ટકા, HCL ટેક્નો નજીવો માઇનસ હતો. ઇન્ફોબીન્સ ટેક્નો ૫.૫ ટકા વધી છે. કેલ્ટોન ટેક સૉલ્યુશન ૬.૪ ટકા તૂટી હતી. ટેલિકૉમમાં સ્ટરલાઇટ ટેક્નો પાંચ ટકા ઊછળી ૧૨૦ રહી છે. તાતા કમ્યુનિકેશન બે ટકા વધીને ૧૮૯૪ હતી.
MTR ફૂડ્સવાળી ઑર્કલા ઇન્ડિયા આગામી સપ્તાહે મૂડીબજારમાં
હાલની તારીખે આગામી સપ્તાહે ૩ ભરણાં નક્કી છે. નવા વિક્રમ સવંતમાં પ્રાઇમરી માર્કેટની શરૂઆત SME IPO સાથે થવાની છે. સોમવારે કલકાત્તાની જયેશ લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપર બૅન્ડમાં કુલ ૨૮૬૩ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ કરશે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૨૭ ટકા વધારામાં ૧૧૨ કરોડની આવક પર ૧૨૮ ટકા વૃદ્ધિરથી ૭૨૦ લાખ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. કંપનીએ ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૨૫૨૫ લાખની આવક પર ૨૦૨ લાખનો ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૨૯૬૫ કરોડ છે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયું નથી.
મંગળવારે નવી દિલ્હીની ગેમ ચેન્જર્સ ટૅક્સફેબ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડમાં કુલ ૫૪૮૪ લાખ રૂપિયાનો BSE SME IPO કરશે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની ફૅબ્રિક્સનું B2B ધોરણે માર્કેટ પ્લેસ ઉપલબ્ધ કરાવે છે. તેનું ખુદનું કોઈ મૅન્યુફૅક્ચરિંગ નથી. કંપનીએ ગયા વર્ષે ૧૮ ટકાના વધારામાં ૧૧૫ કરોડથી વધુની આવક પર ૧૮૩ ટકાના વૃદ્ધિદરથી ૧૨૦૭ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષે પ્રથમ ત્રણ મહિનામાં ૨૪૧૧ લાખની આવક પર ૪૨૭ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૯૮૮ લાખ છે. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી. મેઇન બોર્ડમાં MTR ફૂડ્સ, રસોઈ મૅજિક તથા ઈસ્ટર્ન કૉનન્ડિમેન્ટ્સ જેવી જાણીતી બ્રૅન્ડ્સ સાથે ઇન્સ્ટન્ટ મિક્સ, રેડી-ટુ-ઇટ મીલ્સ, મરી-મસાલા, સ્નૅક્સ ઇત્યાદિનો બિઝનેસ કરતી બૅન્ગલોરની ઑર્કલા ઇન્ડિયા એક રૂપિયાના શૅરદીઠ ૭૩૦ની અપરબૅન્ડ સાથે ૧૬૬૭ કરોડ પ્લસનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ બુધવારે કરવાની છે. ૧૯૯૬માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૩ ટકાના વધારામાં ૨૪૫૫ કરોડની આવક પર ૧૩ ટકા વધારામાં ૨૫૬ કરોડ જેવો નેટ નફો કર્યો છે. પ્રથમ ૩ મહિનામાં ચાલુ વર્ષે આવક ૬૦૫ કરોડ અને નફો ૭૯ કરોડ થયો છે. કંપની લગભગ ડેટ-ફ્રી છે. ગ્રેમાર્કેટમાં ૬૦ રૂપિયાથી પ્રીમિયમના સોદા શરૂ થયા છે. હાલ રેટ ૧૧૫નો છે.


