આંધ્ર પ્રદેશની ગમખ્વાર ઘટના; મોટરસાઇકલ સાથે ટક્કર થવાને લીધે બસની ફ્યુઅલ ટૅન્કમાં આગ લાગી; બે ડ્રાઇવર સહિત ૨૧ લોકો બચી ગયા
ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ ગયેલી ટ્રાવેલની બસ
આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં ગઈ કાલે સવારે એક ટ્રાવેલ બસે આગ પકડી લેતાં કરુણ દુર્ઘટના બની હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મોટરસાઇકલ સાથેની ટક્કરને લીધે લાગેલી આ આગમાં ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
હૈદરાબાદ-બૅન્ગલોર રૂટ પર ચાલતી કાવેરી ટ્રાવેલ્સની આ બસ હોવાનું જાણવા મળ્યું હતું. આગ પકડ્યા પછી બસમાંથી કેટલાક મુસાફરો ઇમર્જન્સી એક્ઝિટમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા. જોકે એમાંથી પણ મોટા ભાગના મુસાફરો જખમી થયા હતા તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હોવાથી અંદર સૂઈ રહેલા અડધાથી વધુ પૅસેન્જરોને બહાર નીકળવાની તક જ નહોતી મળી. મોટરસાઇકલના બાઇકરનું પણ સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બસમાં રહેલા ૪૧માંથી ૨૧ લોકો બહાર નીકળી શક્યા હતા. એમાં બસના બે ડ્રાઇવર પણ હતા. હૉસ્પિટલમાં રહેલા લોકોમાંથી ૯ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરીને મૃત્યુ પામનારના પરિવારોને બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આંધ્ર પ્રદેશ સરકારે મૃત્યુ પામનારના પરિવારો માટે પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
કેવી રીતે બની દુર્ઘટના?
સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મધરાત બાદ ૩ વાગ્યાની આસપાસ મોટરસાઇકલ બસ સાથે અથડાઈ હતી. મોટરસાઇકલ બસની નીચે ફસાઈ ગઈ હતી અને પછી ફ્યુઅલ ટૅન્ક સાથે અથડાઈ હતી. એ કારણે ટૅન્કમાં ભડકો થયો હતો અને આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ બસના નંબર પર ૨૩,૦૦૦ રૂપિયાનાં ઈ-ચલાન નીકળેલાં
દુર્ઘટના પછી બહાર આવેલા એક અહેવાલમાં એવું જણાવાયું હતું કે આગમાં ભડથું થઈ જનારી આ બસના નંબર પર આંધ્ર પ્રદેશમાં ૨૩,૦૦૦ રૂપિયા જેટલી રકમનાં ઈ-ચલાન ઇશ્યુ થયાં હતાં. આ ઈ-ચલાન ઓવરસ્પીડિંગ, રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ અને ડેન્જરસ ડ્રાઇવિંગ જેવા ગુનાઓ માટે ઇશ્યુ થયાં હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. બસ ઓડિશામાં રજિસ્ટર થઈ હતી.


