અમદાવાદમાં વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાના કાઉન્ટડાઉનનો શુભારંભ
સાબરમતી નદીમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. તસવીરો: જનક પટેલ.
વર્ષમાં એક વાર જગન્નાથ ભગવાને ધારણ કરેલા ગજવેશનાં દર્શનથી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતાઃ હાથીઓ, ધજાપતાકા, ભજનમંડળીઓ વચ્ચે યોજાઈ જળયાત્રા ઃ સાધુ-સંતો, ધાર્મિકજનો સાબરમતી નદીએ જઈ ૧૦૮ કળશમાં ભરી લાવ્યા નદીનું પાણી, ભગવાનને કરાયો અભિષેક ઃ ભગવાન ગયા મોસાળ
અમદાવાદમાં યોજાતી દેશ-વિદેશમાં વિખ્યાત રથયાત્રાના કાઉન્ટડાઉનનો ગઈ કાલથી શુભારંભ થયો છે. આસ્થા અને શ્રદ્ધાના મુકામ સમા જગન્નાથજી મંદિરથી હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિક્તાના દિવ્ય વાતાવરણ વચ્ચે જળયાત્રા યોજાઈ હતી. જગન્નાથ મંદિર અને સાબરમતી નદીના વિસ્તારમાં જય રણછોડના ગગનભેદી નારા ગુંજી ઊઠ્યા હતા. સાબરમતી નદીમાંથી ૧૦૮ કળશમાં ભરી લવાયેલા પાણીથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની મૂર્તિ પર જળાભિષેક કરાયો હતો. વિધિવિધાન સંપન્ન થયા બાદ ભાઈ અને બહેન સાથે પ્રભુ મોસાળ જવા રવાના થયા હતા.
ADVERTISEMENT

ગજવેશમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની મૂર્તિઓ પાસે મહંત દિલીપદાસજી મહારાજ/ મંદિરમાં જળાભિષેક સહિતની વિધિ કરી રહેલા મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા.
જગન્નાથજી મંદિરમાંથી સાબરમતી નદીએ આવેલા સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રા યોજાઈ હતી. સુશોભિત હાથીઓ, શણગારેલું બળદગાડું, ભજનમંડળીઓ અને ધજાપતાકા લહેરાવતા ભાવિકજનો જળયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. મંત્રોચ્ચાર અને પૂજાવિધિ કરીને સાબરમતી નદીમાંથી ૧૦૮ કળશમાં પાણી ભરવામાં આવ્યું હતું. આ પાણી લઈને યાત્રા મંદિરે પરત ફરી હતી.
દિવ્ય વાતાવરણમાં થયો અભિષેક
મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની મૂર્તિઓ પર મંત્રોચ્ચાર સાથે અભિષેક કરાયો હતો. નદીના જળમાં દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘીનો ઉમેરો કરીને પંચામૃત બનાવીને અબીલ, ગુલાલ તેમ જ ચંદન સાથે શોડષોપચાર પૂજન અને અભિષેક કરવામાં આવ્યો હતો. પ્રભુની મૂર્તિ પર કરાતી આ વિધિનો એક અનન્ય લહાવો છે અને એ જોવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ મંદિરમાં બેઠા હતા.

સુશોભિત કરાયેલા હાથીઓની આગેવાનીમાં જગન્નાથ મંદિરથી જળયાત્રા યોજાઈ હતી. / જળયાત્રામાં મહિલાઓ સહિત ભક્તજનો જોડાયા હતા.
ગજવેશનાં દર્શનનો લહાવો
જળાભિષેકની વિધિ પૂરી થયા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ગજવેશ ધારણ કરાયો હતો જેનાં દર્શન માટે ભક્તજનો ઊમટ્યા હતા. પ્રભુને ગજવેશમાં દર્શન કરીને સૌકોઈ ભાવવિભોર થયા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષમાં એક જ વાર પ્રભુ અને તેમનાં બહેન અને ભાઈને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે.
૧૫ દિવસ મામાના ઘરે રોકાશે પ્રભુ
ભગવાનની પૂજા વિધિ સંપન્ન થયા બાદ પ્રભુ ભાઈ અને બહેન સાથે મામાને ઘરે મોસાળમાં ગયાં હતાં. અમદાવાદના સરસપુર વિસ્તારમાં પ્રભુનું મોસાળ આવેલું છે. હવે ૧૫ દિવસ સુધી પ્રભુ તેમનાં ભાઈ અને બહેન સાથે મામાના ઘરે રોકાશે.
