Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદમાશોએ આવીને રિવૉલ્વર તાકી તોય ન ડર્યા ઝવેરી, પછી ખબર પડી કે પ્લાસ્ટિકની છે

બદમાશોએ આવીને રિવૉલ્વર તાકી તોય ન ડર્યા ઝવેરી, પછી ખબર પડી કે પ્લાસ્ટિકની છે

Published : 30 June, 2026 07:31 AM | Modified : 30 June, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાલાસોપારામાં જ્વેલરની બહાદુરી : બન્ને લૂંટારાઓ ભાગી છૂટ્યા, પણ પાછળથી એક પકાડાઈ ગયો

AI ઇમેજ

AI ઇમેજ


નાલાસોપારા-ઈસ્ટના નગીનદાસ પાડા વિસ્તારમાં સાંઈ જ્યોત બિલ્ડિંગમાં આવેલી નીલમ જ્વેલર્સમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવાનો સનસનાટીભર્યો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. શનિવારે બપોરે બે બદમાશો દાગીના ખરીદવાના બહાને દુકાનમાં આવ્યા હતા અને તેમણે દુકાનમાલિક ભરત ચૌધરીના માથા પર રિવૉલ્વર તાણી દીધી હતી. જોકે જ્વેલરે સહેજ પણ ડર્યા વગર અદ્ભુત સમયસૂચકતા વાપરતાં લાખો રૂપિયાના સોનાના દાગીના લૂંટાતા બચી ગયા હતા. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે આરોપીઓએ લૂંટ ચલાવવા માટે જે રિવૉલ્વરનો ઉપયોગ કર્યો હતો એ અસલી નહીં પણ પ્લાસ્ટિકની નકલી રિવૉલ્વર હતી. આ મામલે તુળીંજ પોલીસે ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરી હતી, જેના આધારે પ્લાસ્ટિકની રિવૉલ્વર બતાવીને લૂંટનો પ્રયાસ કરનાર પચાસ વર્ષના રીઢા ગુનેગાર કુન્નન તેવરની ગઈ કાલે ધારાવી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બીજા આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે.

ભરત ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી સતત મારી દુકાને આવીને ખરીદી કર્યા વગર જતા રહેતા બે માણસો શનિવારે બપોરે સાડાબાર વાગ્યે ફરીથી કાનની સોનાની બુટ્ટી જોવા માટે મારી દુકાને આવ્યા હતા. મેં જ્યારે દાગીના કાઉન્ટર પર મૂક્યા ત્યારે ટોપી પહેરીને આવેલા એક યુવાને અચાનક કમરમાંથી રિવૉલ્વર કાઢીને મારા માથા પર લગાવી દીધી અને હિન્દીમાં ‘ચિલ્લાના મત’ કહી ધમકાવીને સોનાનાં કાનનાં ઘરેણાં લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દાગીનાનો ડબ્બો કાઉન્ટરની નીચે જમીન પર પડી ગયો હતો. માથા પર રિવૉલ્વર હોવા છતાં હું સહેજ પણ ગભરાયો નહોતો. ઝીણવટભરી નજરે જોતાં જ મને તરત અહેસાસ થઈ ગયો કે બદમાશના હાથમાં રહેલી રિવૉલ્વર અસલી નથી પરંતુ નકલી એટલે કે પ્લાસ્ટિકની છે. આ ભાંડો ફૂટતાં જ મેં બહાદુરીપૂર્વક બદમાશ પર હુમલો કરીને તેના હાથમાંથી પ્લાસ્ટિકની રિવૉલ્વર ઝૂંટવી લીધી હતી અને જોરજોરથી ચોર-ચોરની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. મારો અવાજ સાંભળીને બાજુના જૂસ સેન્ટરનો માલિક મારી મદદે દોડી આવ્યો હતો. ત્યારે પકડાઈ જવાના ડરથી બન્ને લૂંટારાઓ ભાગવા લાગ્યા હતા. મેં તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ ત્યાંથી નાસી ગયા હતા.’
MCOCA હેઠળનો આરોપી ધારાવીથી ઝડપાયો



તુળીંજ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ બન્ને લૂંટારાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેમના વર્ણનના આધારે અમે ફરિયાદ નોંધીને સઘન તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ પુરાવા અને મળતી માહિતીના આધારે અમારી ટીમે કુન્નન તેવરની ધારાવીમાંથી ગઈ કાલે ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા આરોપી સામે અગાઉ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) હેઠળ કાર્યવાહી થઈ છે તથા તે હજી એક મહિના પહેલાં જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. હાલ અમે બીજા આરોપીને શોધી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK