અમદાવાદથી કેશોદની ફ્લાઇટ શરૂ થઈ, કેશોદથી સોમનાથ ટ્રસ્ટ એર-કન્ડિશન્ડ બસમાં દર્શન માટે લઈ જશે: પહેલા દિવસે ૧૨ ભક્તોએ બાય ઍર પહોંચીને સોમનાથ મહાદેવનાં કર્યાં દર્શન: મુંબઈથી ફ્લાઇટમાં કેશોદ જતા ભક્તોને પણ મળશે આ સુવિધા
કેશોદ ઍરપોર્ટ પર સોમનાથ જતા મુસાફરોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
ગઈ કાલથી અમદાવાદ-કેશોદ વચ્ચે વિમાની સર્વિસ શરૂ થઈ છે અને પહેલા જ દિવસે બાય ઍર કેશોદ પહોંચીને ૧૨ જેટલા ભક્તો સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે સોમનાથ ટ્રસ્ટની ઍર-કન્ડિશન્ડ બસમાં બેસીને સોમનાથ પહોંચ્યા હતા. મુંબઈથી બાય ઍર કેશોદ આવતા અને સોમનાથ દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફ્રી બસ-સેવા શરૂ કરવામાં આવી છે.
કેશોદ ઍરપોર્ટ બહાર સોમનાથ ટ્રસ્ટની ઍર-કન્ડિશન્ડ બસ.
ADVERTISEMENT
ધનતેરસના શુભ દિવસથી અમદાવાદ-કેશોદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ થયો હતો. આ ફ્લાઇટના જે મુસાફરોને સોમનાથ મંદિરે દર્શન કરવા જવું હશે તેમના માટે કેશોદથી સોમનાથ સુધી કૉમ્પ્લીમેન્ટરી ઍર-કન્ડિશન્ડ બસ-સેવા પણ શરૂ કરવામાં આવી છે.
કેશોદ ઍરપોર્ટથી બસમાં બેસીને સોમનાથ જઈ રહેલા મુસાફરો.
અમદાવાદ-કેશોદ વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે. અમદાવાદથી સવારે ૧૦.૧૦ વાગ્યે ફ્લાઇટ ટેક ઑફ કરશે અને ૧૦.૫૫ વાગ્યે કેશોદ પહોંચશે. કેશોદથી બપોરે ૧.૧૫ વાગ્યે ફ્લાઇટ ટેક ઑફ કરશે અને ૨.૩૦ વાગ્યે અમદાવાદ પરત આવશે એટલે કે અમદાવાદથી કેશોદ ફ્લાઇટમાં માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે. કેશોદથી સોમનાથ જતાં એક કલાકનો સમય લાગશે એટલે બાય ઍર અમદાવાદથી કેશોદ થઈને સોમનાથ જવા એક કલાક ૪૫ મિનિટનો સમય લાગશે. બાય રોડ અમદાવાદથી સોમનાથ જવું હોય તો લગભગ આઠ કલાકનો સમય લાગે છે.