જવાબદાર ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા
તપાસ સમિતિએ ગંભીરા બ્રિજ પર જઈને તપાસ હાથ ધરી હતી.
મધ્ય ગુજરાતમાં આણંદ-વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં આ ઘટના પાછળ જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા છે. બીજી તરફ ગંભીરા બ્રિજ-દુર્ઘટનામાં ગઈ કાલે વધુ ૬ મૃતદેહ બહાર કઢાતાં આ ગોઝારી ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૧૮ થયો છે. મહીસાગર નદીમાં કાદવનું સ્તર લગભગ ૩ મીટર જેટલું ઊંડું હોવાથી પુલ પરથી જ્યારે નદીમાં વાહનો પડ્યાં ત્યારે આ વાહનો ઊંડે સુધી ખૂંપી જતાં એને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ADVERTISEMENT
NDRF અને SDRFની ટીમે શોધખોળ હાથ ધરી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય તપાસ માટેનો આદેશ આપ્યા બાદ નિષ્ણાતોની એક ટીમે દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને રિપોર્ટ તૈયાર કર્યો હતો અને ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો. એના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારી પૈકી કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલ અને આર. ટી. પટેલ, મદદનીશ ઇજનેર જે. વી. શાહને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો.
નદીમાં કાદવમાં ઊંડે સુધી ખૂંપી ગયેલી ટ્રક સહિતનાં વાહનોને બહાર કઢાયાં હતાં.
કાદવમાંથી ટ્રક બહાર કાઢ્યા પછી એની નીચેથી મૃતદેહ મળ્યો
વડોદરા જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું હતું કે ‘અત્યાર સુધી ૧૮ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ચાર ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હૉસ્પિટલમાં છે અને તેમની સ્થિતિ સ્થિર છે. બચાવ-કામગીરીમાં ઘણા પડકારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને કાદવ-કીચડમાં ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે પુલી સિસ્ટમનો ઉપયોગ થયો હતો. નદીમાં કાદવનું સ્તર લગભગ ૩ મીટર જેટલું ઊડું હોવાથી અને એમાં વાહનો ઊંડે સુધી ખૂંપી ગયાં હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. ટ્રક કાદવ-કીચડમાંથી બહાર કાઢતાં એની નીચેથી એક મૃતદેહ મળ્યો હતો. જ્યાં સુધી તમામ ગુમ વ્યક્તિઓના મૃતદેહ મળી ન જાય ત્યાં સુધી સર્ચ ઑપરેશન ચાલુ રહેશે.’

