રાતે સોફામાં લાગેલી આગનો ઝેરી ગૅસ ઘરમાં ભરાઈ રહેતાં પતિ-પત્ની અને બે દીકરાઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યાં, પાડોશીઓએ સવારે ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને ફાયર-બ્રિગેડને બોલાવી
જીવ ગુમાવનાર દોશી પરિવાર
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગુરુવારે મોડી રાત્રે ઘરમાં લાગેલી આગમાં ધુમાડાથી ગૂંગળામણ થતાં એક પરિવારના ૪ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. જીવ ગુમાવનારાઓમાં ૫૦ વર્ષના કમલ દોશી, ૪૫ વર્ષનાં તેમનાં પત્ની દેવલાબહેન, ૨૪ વર્ષના મોટા દીકરા દેવ અને અને બાવીસ વર્ષના નાના દીકરો રાજનો સમાવેશ થાય છે. કમલભાઈ ગોધરામાં જ્વેલરીની શૉપના માલિક છે.
ગઈ કાલે તેમના મોટા દીકરાની સગાઈ થવાની હતી. બધી તૈયારીઓ આગલી રાત્રે જ કરી લેવામાં આવી હતી. તેઓ સવારે વાપી જવા નીકળવાના હતા, પરંતુ ઘરમાં અચાનક આગ લાગતાં આગના ઝેરી ધુમાડાથી તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT

ગોધરાની ગંગોત્રીનગર સોસાયટીમાં બેઠકરૂમના સોફામાં આગ લાગી હતી જેના ધુમાડાથી પરિવાર ગૂંગળાઈ ગયો હતો
આગનું કારણ શૉર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ હોઈ શકે છે. મોડી રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પરના સોફામાં આગ લાગી હતી અને એને કારણે ઘરમાં ધુમાડો ભરાયો હતો. ઘરને ચારે બાજુ કાચની બારીઓ હોવાથી ઝેરી ધુમાડો બહાર નીકળ્યો નહોતો. પરિણામે કોઈને બચવાનો મોકો મળ્યો નહીં હોય એવું માનવામાં આવે છે.
વહેલી સવારે તેમના ઘરમાંથી ધુમાડો નીકળતો હતો એ જોઈને પાડોશીએ ફાયર-બ્રિગેડને ફોન કર્યો હતો. બચાવકર્મીઓ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. તેઓ પરિવારના સભ્યો સુધી પહોંચ્યા એ પહેલાં જ તેમનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં.


