સરકારને સેંકડો કરોડોનો ફટકો મારતી કોલસાચોરી સામે ઝારખંડ અને બંગાળમાં EDની મોટી કાર્યવાહી
રેઇડમાં જપ્ત કરવામાં આવેલાં ઘરેણાં અને ચલણી નોટો
ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કોલસા માફિયાઓ પર કાર્યવાહી કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના ૧૦૦ અધિકારીઓની ટીમે ગઈ કાલે ૪૨ સ્થળે દરોડા પાડ્યા હતા. રાંચીમાં EDની એક ટીમે કોલસાચોરી અને દાણચોરીના સંદર્ભમાં ઝારખંડમાં ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા; જ્યારે બીજી તરફ EDની બીજી ટીમે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કલકત્તા જિલ્લામાં ૨૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા જે કથિત ગેરકાયદે ખાણકામ, પરિવહન અને કોલસાના સંગ્રહ સાથે જોડાયેલા છે.
કોલસા માફિયા નેટવર્ક માટે EDની આ સંયુક્ત કાર્યવાહીને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે. ગેરકાયદે કોલસા ખાણકામથી સરકારને સેંકડો કરોડો રૂપિયાનું મહેસૂલી નુકસાન થયું છે. દરોડા દરમ્યાન મોટી માત્રામાં રોકડ અને દાગીના મળી આવ્યાં હતાં.


