સોમનાથ માટે બે દિવસ તેમ જ નડાબેટ, વડનગર અને મોઢેરાની એક દિવસની ટૂર રહેશે
સોમનાથ મહાદેવ.
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક, સાંસ્કૃતિક અને હેરિટેજ સ્થળો સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરાની હવે પ્રવાસીઓ AC વૉલ્વો બસમાં ટૂર કરી શકશે. ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્યમાર્ગ વાહન વ્યવહાર નિગમ અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી ગુજરાતના નાગરિકો સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ ટૂર-પૅકેજની શરૂઆત કરવા મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ-દર્શન ટૂર પૅકેજનો ૨૮ એપ્રિલથી પ્રારંભ થશે. બે દિવસ એક રાત્રિના પૅકેજમાં વ્યક્તિદીઠ ૪૦૦૦ રૂપિયાનો અને ડબલ શૅરિંગમાં ૭૦૫૦ રૂપિયાનો ચાર્જ હોટેલ-રૂમ સાથે રહેશે. અમદાવાદથી સવારે ૬ વાગ્યે AC વૉલ્વો બસ ઊપડશે અને બીજા દિવસે પરત ફરશે. આ પૅકેજમાં હોટેલ-રોકાણ, સોમનાથમાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત રહેશે.
ADVERTISEMENT
નડાબેટ સીમા-દર્શન ટૂર પૅકેજ શનિવારે અને રવિવારે રહેશે, જેમાં વ્યક્તિદીઠ ભાડું ૧૮૦૦ રૂપિયા રહેશે. અમદાવાદથી સવારે ૬ વાગ્યે બસ ઊપડશે. આ ઉપરાંત વડનગર અને મોઢેરા સૂર્યમંદિર ટૂર દર શનિવારે અને રવિવારે ઊપડશે. અમદાવાદથી સવારે બસ ઊપડશે અને વડનગર જશે અને ત્યાંથી મોઢેરા જશે. વ્યક્તિદીઠ ભાડું ૧૧૦૦ રૂપિયા રહેશે. નડાબેટ સીમા-દર્શન, વડનગર ખાતે મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ અને પ્રેરણા સ્કૂલ તેમ જ મોઢેરામાં સૂર્યમંદિર અને ત્યાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શોની મુલાકાત રહેશે.

