સોમનાથમાં રેકૉર્ડબ્રેક ૧૦૪ સોમેશ્વર મહાપૂજા થઈ, વડોદરામાં નીકળી શિવજી કી સવારી, જૂનાગઢમાં ભવનાથ મંદિરે શ્રદ્ધાળુઓ ઊમટ્યા
સોમનાથ (ઉપર), અમદાવાદ (નીચે ડાબે), સાળંગપુર (નીચે જમણે)
મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ગઈ કાલે ગુજરાત શિવમય બન્યું હતું અને વહેલી સવારથી ગુજરાતભરનાં શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે ઊમટ્યાં હતાં અને દેવાધિદેવ મહાદેવજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી પરોઢે સોમનાથ મંદિર પર રોશની અને ફૂલોની સજાવટથી દિવ્ય નજારો સર્જાયો હતો. ગઈ કાલે સાંજે સોમનાથ મંદિરમાં સંધ્યાઆરતી કરવામાં આવી ત્યાં સુધીમાં ૬૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરીએ પાલખીપૂજન અને ધ્વજાપૂજા કરીને મહાશિવરાત્રિના મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મંદિર પરિસરમાં પાલખીયાત્રા નકળી હતી તેમ જ રેકૉર્ડબ્રેક ૧૦૪ સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. ૧૯૭૩ રૂદ્રાભિષેક પઠન કરવામાં આવ્યું હતું, એની સાથે ૬૭ પાઠાત્મક લઘુરુદ્ર અને ૯ પાઠાત્મક મહારુદ્ર સંપન્ન થયા હતા. સોમનાથ ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, સાળંગપુર સહિતનાં શિવમંદિરોમાં હર હર મહાદેવના નાદ ગૂંજ્યા હતા. વડોદરામાં શિવજી કી સવારી નીકળી હતી તો અમદાવાદના નિર્ણયનગરમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ થઈ હતી. યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરમાં ૨૦૦ કિલો ગલગોટાનાં ફૂલોની સાથે શિવસ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક અને પૌરાણિક નગરી જૂનાગઢમાં ભવનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટ્યાં હતાં. સાધુ-સંતોએ કરતબ દર્શાવતાં શ્રદ્ધાળુઓ દંગ રહી ગયા હતા. જૂનાગઢના દામોદર કુંડમાં મહાશિવરાત્રિના દિવસે સ્નાનનું મહત્ત્વ હોવાથી હજારો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું.

