ગાંધીનગરમાં આયોજિત વર્લ્ડ સર્ક્યુલર ઇકૉનૉમી ફોરમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બીલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજી નથી ફેંકી દેવાતાં
સાગરતટે આવેલા સોમનાથ મહાદેવ મંદિર પરિસરનો અલૌકિક નજારો.
ગાંધીનગરમાં આયોજિત વર્લ્ડ સર્ક્યુલર ઇકૉનૉમી ફોરમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બીલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજી નથી ફેંકી દેવાતાં; અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને બનાવાય છે સોમગંગા જળ; ફૂલ અને બીલીપત્રમાંથી બનાવાય છે ખાતર, પ્લાસ્ટિકના કચરામાંથી બનાવાય છે પેવર બ્લૉક્સ
ભારતમાં પહેલી વાર ગાંધીનગરમાં ગઈ કાલથી વર્લ્ડ સર્ક્યુલર ઇકૉનૉમી ફોરમ 2026ની દસમી આવૃત્તિ શરૂ થઈ છે જેમાં વિશ્વના ૬૬ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરનું ઉદાહરણ આપીને સર્ક્યુલર ઇકૉનૉમીનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકૉનૉમીના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલો કરવામાં આવી રહી છે. મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બીલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને સોમગંગા જળ તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે. મંદિર અને ટ્રસ્ટની વ્યવસ્થામાંથી નીકળતાં ફૂલ, બીલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે. પ્લાસ્ટિકના કચરામાંથી પેવર બ્લૉક્સ બનાવવામાં આવે છે તથા સ્થાનિક સખી મંડળની મહિલાઓને તાલીમ આપી આ કાર્ય સાથે જોડવામાં આવી છે. સર્ક્યુલર ઇકૉનૉમી ભારતની પ્રાચીન પરંપરાઓનો પણ હિસ્સો રહી છે. રીયુઝિંગ અને રીસાઇક્લિંગ આપણા જીવન સાથે સહજ રીતે જોડાયેલાં છે. વેસ્ટ-ટુ-વેલ્થ અને કચરા-વ્યવસ્થાપનના મૉડલ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
૪ દિવસ થશે મંથન
આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના ૬૬ દેશોના ૨૦૦૦થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ-સાહસિકો ભાગ લઈ રહ્યા છે. ૧૮ સપ્ટેમ્બર સુધી યોજાનારી આ ૪ દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મૉડલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા માટે મંથન કરવામાં આવશે. આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેક્નૉલૉજીના આદાનપ્રદાનને નવી દિશા મળશે.
