સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે માધુરીની નાદુરસ્ત તબિયત બાબતે વનતારા પુનર્વસન કેન્દ્ર સાથે વાત કરવાનું પણ જણાવ્યું હતું
ફાઇલ તસવીર
કોલ્હાપુરના નાંદણી મઠમાં રહેતી માધુરી નામની હાથણીની નાદુરસ્ત તબિયતના કારણે સારવાર માટે એને જામનગરની વનતારા સંસ્થામાં મોકલી આપવામાં આવી હતી. હાઈ કોર્ટના આ ચુકાદાને પગલે કોલ્હાપુરના લોકોની લાગણી દુભાતાં માધુરીને કોલ્હાપુર પાછી લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આ અરજીની સુનાવણી હાથ ધરી હતી જેમાં સર્વોચ્ચ અદાલતે આ કેસ ઉચ્ચ સ્તરીય સમિતિને મોકલવાના નિર્ણય સાથે સંમતિ દર્શાવી હતી. જોકે માધુરીને કોલ્હાપુર પાછી લાવવા બાબતે સુપ્રીમ કોર્ટે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી.
સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે માધુરીની નાદુરસ્ત તબિયત બાબતે વનતારા પુનર્વસન કેન્દ્ર સાથે વાત કરવાનું પણ જણાવ્યું હતું. ૩૩ વર્ષથી નાંદણી મઠમાં રહેતી માધુરીને જામનગર મોકલાયા બાદ સ્થાનિક લોકોએ અને મઠના લોકોએ આંદોલન કરીને માધુરીને પાછી લાવવાની માગણી કરી હતી એથી રાજ્ય સરકાર અને વનતારા સંસ્થાએ પણ માધુરીને પાછી લાવવા માટેની તૈયારી બતાવી હતી. એની નાદુરસ્ત તબિયતને લીધે સારવાર માટે કોલ્હાપુરમાં જ સારવાર-કેન્દ્ર ઊભું કરવાની પણ વનતારાએ તૈયારી દર્શાવી હતી.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે આ કેસમાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની માહિતી રાજ્ય સરકારના વકીલ પાસે માગી હતી. બધા પક્ષકારોની સંમતિ છતાં સુપ્રીમ કોર્ટે હજી સુધી માધુરીને કોલ્હાપુર મોકલવા વિશે કોઈ નિર્ણય નથી લીધો.

